જામનગરનું લાખેણું તળાવ ભર શિયાળે સુકાવા લાગ્યું

11 January 2019 04:44 PM
Jamnagar
  • જામનગરનું લાખેણું તળાવ ભર શિયાળે સુકાવા લાગ્યું
  • જામનગરનું લાખેણું તળાવ ભર શિયાળે સુકાવા લાગ્યું
  • જામનગરનું લાખેણું તળાવ ભર શિયાળે સુકાવા લાગ્યું
  • જામનગરનું લાખેણું તળાવ ભર શિયાળે સુકાવા લાગ્યું

રાજાશાહીકાળમાં બનેલું આ વિશાળ તળાવ તેના સ્થાપનાકાળથી જ શહેરીજનોની તરી છિપાવવામાં સંકટ સમયની સાંકળ બનતું આવ્યું છે: શહેરની મધ્યમાં રાજવી પરિવાર દ્વારા ભવિષ્યની ચિંતા કરીને તળાવનું કરાયેલું નિર્માણ એક આશિર્વાદથી ઓછું નથી: તળાવને કારણે આજુબાજુના બે કિ.મી. સુધીના વિસ્તારમાં આવેલા બોર (ડંકી)-કૂવાના તળ (ભૂગર્ભ જળ) જીવંત રહેતા હોય લોકોને મોટો ટેકો આપે છે: તળાવનું તળિયું દેખાતા જ હવે શહેરના લોકોને ઉનાળો આકરો લાગવાના વર્તાતા એંધાણ

Advertisement

(ડોલરરાય રાવલ)
જામનગર તા.11
જામનગર શહેરની મધ્યમાં આવેલા રણમલ તળાવના બન્ને ભાગમાં પાણીની સપાટી ધીરે-ધીરે ઓસરવા લાગી છે. જેની અસરરૂપે આગામી દિવસોમાં શહેરના જૂના વિસ્તારોમાં આવેલા બોર-કૂવાના તળ (ભૂગર્ભ જળની સપાટી) ડુકવા લાગે તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે.
જામનગર શહેરની મધ્યમાં આવેલું રણમલ તળાવ આમ તો તેના સ્થાપના વખતથી જ શહેરની પ્રજા માટે હવા ખાવાનું સ્થળ છે. જામનગરના રાજવી જામશ્રી રણજીતસિંહજીએ આ તળાવનું નિમાર્ણ કરાવ્યું હતું.
તે વખતે દુષ્કાળના સમયમાં પાણીના સંગ્રહ માટેની સાધન-સુવિધા હતી નહીં તેથી પ્રજાને ભારે હાડમારી સહન કરવી પડતી હતી. વળી દુષ્કાળના સમયમાં લોકો માટે ખાસ ધંધા-રોજગાર પણ રહેતા નહીં. આથી પાણીના સંગ્રહનું મોટું સાધન લોકોને હાથવગું મળી રહે અને તે વખતે દુષ્કાળમાં લોકોને રોજગારી પણ મળી જાય તેવા બેવડા ઉમદા હેતુથી રાજવીએ આ તળાવનું નિર્માણ કર્યુું હતું.
મહારાજાની દુરંદેશી એટલે કે દિર્ઘ વિચારશક્તિનું આ એક વધુ ઉદાહરણ પણ હતું કે આ તળાવનું નિર્માણ શહેરની મધ્યમાં કર્યું હતું. જે તે વખતે લગભગ બે કિ.મી.ની ત્રિજ્યામાં કરાયેલા આ વિશાળ તળાવની વચ્ચે નાલા જેલો ફૂટપુલ બનાવ્યો જેથી તળાવ બે ભાગમાં વહેંચાઇ પણ જાય અને સળંગ પણ લાગે એટલે કે તેની સુંદરતા પણ જળવાઇ રહે. આ તળવાને રણમલ તળાવનું નામ આપીને રાજવી પરિવારની યાદ કાયમ માટે તેની સાથે જોડી દેવામાં આવી છે. આ તળવાને સ્થાનિક બોલચાલની ભાષામાં લોકો આગલા અને પાછલા તળાવ તરીકે ઓળખે છે.
આ તળાવન શહેરની મધ્યમાં એટલા માટે બનાવવામાં આવ્યું હતું કે દુષ્કાળના વર્ષમાં લોકોને ભૂગર્ભ જળની મદદ મળી રહે. આટલા મોટા કદના તળાવનું નિમાર્ણ થવાથી તળાવની ફરતેના લગભગ બે થી અઢી કિલોમટીરના વિસ્તારમાં આવેલા બોર-કૂવા-ડંકીના તળ સાજા રહે અર્થાત તેના પેટાળમાં જળસ્તર યોગ્ય રીતે જીવંત રહે જેથી લોકો પોતાના ઘર કે શેરીમાં આવેલ હેન્ડપંપ (ડંકી) અને કૂવા મારફત પોતાની જરૂરિયાતનું પાણી મેળવી શકે.
આજે દાયકાઓ વિતી ગયા છતાં પણ આ લાખેણું રણમલ તળાવ લોકોને અયોગ્યવર્ધક એવો ઓક્સિજન (શુધ્ધ હવા મારફત) તો આપે જ છે પરંતુ તકલીફના સમયમાં તેની સરવાણી મારફત મોટી સંખ્યામાં બોર-કૂવાને પણ પાણીદાર રાખે છે.
ગત્ વર્ષે જામનગર શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પુરતા પ્રમાણમાં ન પડતા પાણીની અછત ભર શિયાળે ઉભી થવા લાગી છે. જામનગર શહેરની વાત જ કરીએ તો શહેરને પિવાનું પાણી પુરૂં પાડતો રણજીતસાગર ડેમ ડૂકી એટલે કે સુકાઇ ગયો છે. ઉંડ-1 અને સસોઇ ડેમ પણ માંડ ફેબ્રુઆરીની શરૂઆત સુધી સાથ આપે તેમ છે. આથી સરકારે સૌની યોજના અંતર્ગત નર્મદાનું પાણી આજી-3 ડેમમાં ઠાલવવાનું શરૂ કર્યું છે. 600 એમ.સી.એફ.ટી. પાણી જામનગર શહેર માટે આજી-3 ડેમમાં ઠાલવવાનું છે.
આમ છતાં જામનગરમાં હાલ અપાતું એકાંતરા પાણી આગામી ચોમાસા સુધી જળવાઇ રહેશ તેની કોઇ વાસ્તવિક ગેરેન્ટી નથી. જો કે શાસકો તે માટે આશ્ર્વાસન જરૂર આપે છે તે અલગ વાત છે. નળ વેલા-મોડા આવે કે એકાદ દિવસનો કોઇ કારણે ખાંચો પડે તો લોકોને મુશ્કેલી થાય તે સ્વાભાવિક છે. કેમ કે દરેક લોકો પાસે 3-4 દિવસ ચાલે તેટલું પાણી સંગ્રહ કરવાની વ્યવસ્થા ન હોય તે સ્વાભાવિક છે. આ સ્થિતિમાં ડંકી અને કૂવાનો સધિયારો સોના જેવો સાબિત થાય છે. આથી બોર (ડંકી) અને કૂવાનું પણ જામનગરના લોકો માટે ઘણું મહત્ત્વ છે. પરંતુ તેનો આધાર શહેરની શાન સમાન રણમલ તળાવ જ છે. જ્યાં સુધી તળવા સુકાઇ ન જાય ત્યાં સુધી તળાવની ફરતેના વિસ્તારોમાં આવેલા અસંખય બોર-કૂવા પણ જીવંત એટલે કે પાણી આપવાની સ્થિતિમાં રહે છે. પરંતુ તળાવ પણ જ્યારે તળિયાઝાટક થઇ જાય ત્યારે બોર-કૂવા પણ ક્રમશ: સાથ છોડવા લાગે છે. ખાસ કરીને કૂવામાં પાણી ઉંડુ ઉતરી જાય તો સિંચીને બહાર કાઢવું અઘરૂં બને છે પરંતુ ડંકી (બોર) તો સાવ નકામા જ બની જાય છે.
હાલમાં પણ તળાવની જળસપાટી દિન-પ્રતિદિન નીચે ઉતરી રહી છે. પાછલું તળાવ તો એક મોટું ખાબોચિયા જેવું બની ગયું છે અને આગલું (મુખ્ય) તળાવ પણ શિયાળાની ઠંડી વિદાય લે તે પહેલાં જ સાથ છોડી દે તેવી સ્થિતિ છે જે લકો અને મ.ન.પા. માટે આગામી સમયમાં ચિંતાનો મુદ્દો બની શકે છે.


Advertisement