આલોક વર્માની હકાલપટ્ટીના વિરોધ સાથે ખડગેએ તપાસ માંગી

11 January 2019 03:54 PM
India
  • આલોક વર્માની હકાલપટ્ટીના વિરોધ સાથે ખડગેએ તપાસ માંગી

વડાપ્રધાનના વડપણ હેઠળની હાઈપાવર કમીટીના સભ્ય તરીકે કોંગ્રેસના નેતાએ 23-24 ઓકટોબરનો ઘટનાક્રમ રજુ કર્યો :વડાપ્રધાનના મગજમાં રાફેલનો ડર પેસી ગયો છે, સૂઈ શકતા નથી: રાહુલ :નિર્ણય લેતાં પહેલાં વર્માને ખુલાસાની તક આપવા આગ્રહ રાખ્યો હતો :સીબીઆઈના બરતરફ વડા સામેના 10માંથી છ આક્ષેપો તેમને નિરાધાર જણાયા હતા

Advertisement

નવી દિલ્હી તા.11
સીબીઆઈના વડા તરીકે સુપ્રીમ કોર્ટના આદેશથી આલોક વર્માને ફરી હવાલો સોંપાયાના બીજા જ દિવસે તેમને વડાપ્રધાનના વડપણ હેઠળની પસંદગી સમીતીએ 2:1ની બહુમતીથી દુર કર્યા એ જ દેશની ટોચની તપાસનીસ સંસ્થામાં ખખડમંતરનો અંત આવે તેવી શકયતા નથી. વર્માએ તેમની વાપસી પછી ટ્રાન્સફર ઓર્ડર કર્યા તે પાછા ખેંચાશે, પણ પસંદગી સમીતીના સભ્ય અને લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે ઓકટોબર અત્યાર સુધીના ઘટનાક્રમો એકઠા કરી શકયા છે.
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આલોક વર્માના ભાવિનો ફેંસલો પસંદગી સમીતી પર છોડવામાં આવ્યો હતો. ગઈકાલની બેઠકમાં ખડગેએ પોતાની નોંધમાં જણાવ્યું હતું કે વર્માને હાંકી કાઢવા ઉચ્ચસ્તરે પુર્વઆયોજીત કાવતરું ઘડાયું હતું અને એમાં કાનુની સતાધારકો સામેલ હતા.
ખડગેએ ગઈકાલથી સિલેકશન પેનલની બેઠકમાં ઘટનાક્રમની નોંધ લઈ આવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે ઘટનાક્રમ દર્શાવે છે કે 23 ઓકટોબરે રાતે 8.30 અને 24 ઓકટોબરની વહેલી સવાર સુધીના કલાકો દરમિયાન પીએમઓ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની ભૂમિકા હતી. આ ગાળા દરમિયાન વર્માને તેમની જવાબદારીમાંથી મુક્ત કરાયા હતા અને એમ.નાગેશ્ર્વર રાવને હંગામી વડાનો હવાલો સોંપવામાં આવ્યો હતો.
ખડગેની નોંધ મુજબ ઘટનાક્રમ આવો રહ્યો હતો. સીવીસી કેવી ચૌધરીએ અચાનક તેમની વિદેશની મુલાકાત રદ કરી અને રાતે સીવીસીની બેઠક યોજી હતી. 23 ઓકટોબર રાતે 11 વાગ્યે સીવીસીના આદેશની ધારણાએ જોઈન્ટ ડીરેકટર એમ.નાગેશ્ર્વર રાવને સીબીઆઈના વડામથકે મોકલવામાં આવ્યા હતા. રાતે 11.30 દિલ્હી પોલીસ કમિશ્ર્નરે તેમના તાબાના અધિકારીઓને ખાન માર્કેટ બોલાવ્યા અને સંભવિત મધરાતના ઓપરેશન માટે સાવધ કર્યા હતા. લગભગ મધરાતે દિલ્હી પોલીસ વડાને એનએસએ તરફથી સીબીઆઈ વડામથકનો કબ્જો લેવા સૂચના મળી. સીઆઈએસએફના અધિકારીઓએ તેમને સીબીઆઈના વડામથકે પ્રવેશતા અટકાવ્યા પણ પીએમઓ/એનએસએની દેખીતી સૂચનાથી તેમને દખલ નહીં કરવા જણાવાયું. રાતે 8 અને બીજી સવારે 12.30 કલાક વચ્ચે સીવીસીએ વર્માની ડીરેકટર તરીકે હકાલપટ્ટીનો ઓર્ડર જારી કર્યો. ભાંગતી રાતે 12.30 અને 1 કલાક વચ્ચે સીવીસીનો ઓર્ડર ડીઓપીટીને પહોંચાડાયો. કેટલાક અગમ્ય કારણસર તે એ વખતે, મધરાત પછી પણ ઓફીસમાં હતા. ડીઓપીટીના સેક્રેટરી પીએમઓ દોડી ગયા ત્યાં વડાપ્રધાનના વડપણ હેઠળની નિયુક્તિ સમીતી સીવીબીના ઓર્ડરને બહાલી આપવા વાટ જોઈ રહી હતી. એ પછી સીબીઆઈ ડિરેકટર તરીકે વર્માને દૂર કરતો ડીઓપીટીનો હુકમ જારી કરવામાં આવ્યો.
24 ઓકટોબર, 2018ની વહેલી સવારે 2.30 કલાકે સેન્ટ્રલ વીજીલન્સ કમિશ્ર્નર અને ડીઓઈટીના એડીશ્નલ સેક્રેટરી લોકરંજનએ સીબીઆઈના વડામથકની મુલાકાત લીધી અને કેટલીક ફાઈલો અને રેકોર્ડસ સાથે જોઈન્ટ ડીરેકટર રાવ સાથે બહાર નીકળ્યા હતા.
ખડગેએ પોતાની નોંધમાં ઉપરોક્ત ઘટનાક્રમ સાથે વર્માને દૂર કરવા સામે અલગ નોંધ રજુ કરી જણાવ્યું હતું કે સીવીસીના રિપોર્ટનો અભ્યાસ કર્યા પછી મારો મત એવો છે કે તેમની સામેના આક્ષેપો બાબતે આલોક વર્માને સમીતી સમક્ષ તેમનો બચાવ કરવા દેવાની તક આપવામાં આવે, અને પછી જ કોઈ નિર્ણય લેવો જોઈએ.
ખડગેએ સેન્ટ્રલ વિજીલન્સ કમીશન (સીવીસી)ના વર્મા સામેના તારણો સામે સવાલ ઉઠાવી વર્માને ફરજીયાત રજા પર ઉતારી દેવાયાના દિવસો ગણતા વધારાના 77 દિવસ સુધી સીબીઆઈના ડીરેકટર તરીકે ચાલુ રહેવા દેવા માંગણી કરી હતી.
કોંગ્રેસના નેતાએ 23-24 ઓકટોબરના ઘટનાક્રમોની તપાસ માટે આગ્રહ સેવ્યો હતો. ખડગેની નોંધમાં સીવીસીના રિપોર્ટમાં દર્શાવાયેલા 10માંથી છ આક્ષેપો ખોટા ગણાયા હતા, અને 4
સાંયોગીક પુરાવાના આધારે પ્રાથમીક દ્રષ્ટીએ વજનદાર જણાયા હતા.
દરમિયાન, કોંગ્રેસ અધ્યક્ષે વર્માની હકાલપટ્ટી પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાને લઈ જણાવ્યું હતું કે રાફેલ મામલાનો ભય વડાપ્રધાનના મગજમાં ઘૂસી રહ્યો છે અને એ કારણે તે ઉંધી પડી શકતા નથી.
તેમણે ટવીટ કરી જણાવ્યું હતું કે સીબીઆઈ પ્રમુખ વર્માને બે વાર હટાવવા સ્પષ્ટ રીતે બતાવે છે કે વડાપ્રધાન હવે પોતાના જૂઠાણામાં ઘેરાઈ ચૂકયા છે. સત્યમેવ જયતે.
આલોક વર્માએ કરેલા ટ્રાન્સફર ઓર્ડર પાછા ખેંચાશે
સીબીઆઈ હજુ પણ ઉફાણે
નવી દિલ્હી તા.11
સીબીઆઈમાં વિચિત્ર ઘટનાક્રમો હજુ પણ ચાલુ રહે તેવી શકયતા છે. સીબીઆઈના વડા તરીકે પુન: અખત્યાર આપ્યા પછી બીજા જ દિવસે દૂર કરાયેલા આલોક વર્માએ પોસ્ટીંગના શ્રેણીબદ્ધ આદેશો આપ્યા હતા તે પાછા ખેંચવામાં આવે તેવી શકયતા છે.
વર્માએ ગુરુવારે 2006ની બેંચના આઈપીએલ ઓફીસર એસ.પી. મોહીત ગુપ્તાને રાકેશ અસ્થાના સામેના કેસમાં નવા ઈન્વેસ્ટીગેટીંગ ઓફીસર તરીકે નિયુક્ત કર્યા હતા. વર્માએ જો કે વધારાના ડીરેકટર નાગેશ્ર્વર રાવે 24 ઓકટોબરે કેસનું સુપરવિઝન કરવા નીમેલા ડીઆઈજી તરુણ ગૌવા અને જોઈન્ટ ડીરેકટર વી.મુરુગેલનને યથાવત રાખ્યા હતા.
બુધવારે સવારે કોર્ટના આદેશથી ફરજ સંભાળનાર વર્માએ 11 ટ્રાન્સફર ઓર્ડર પાછા ખેંચ્યા હતા અને ગુરુવારે કેટલાક નવા ફેરફારો કર્યા હતા.
આલોક વર્મા સામેના આક્ષેપોની તપાસ કરવા વિજિલન્સ પંચની ભલામણ
મોઈન કુરેશી કેસમાં વર્તણુંક શંકાસ્પદ
નવી દિલ્હી તા.11
સેન્ટ્રલ વિજીલન્સ કમીશન (સીવીસી) એ તેના ઈન્કવાયરી રીપોર્ટમાં સીબીઆઈના પદભ્રષ્ટ વડા સામે અપરાધીક તપાસની ભલામણ કરી છે. મોહન કુરેશી કેસમાં સીવીસીએ વર્માની વર્તણુંકને શંકાસ્પદ ગણાવી છે.
પંચે એવો નિષ્કર્ષ કાઢયો છે કે વર્માએ નકારાત્મક રીપોર્ટ છતાં કેટલાક દાગી અધિકારીઓને એજન્સીમાં સામેલ કરવા પ્રયાસ કર્યો છે.
વિજીલન્સ કમિશ્ર્નર શરદકુમારે વડાપ્રધાનના વડપણ હેઠળની સિલેકશન સમીતીને વિજીલન્સ કમીશન દ્વારા કરાઈ રહેલી તપાસ બાબતે વાકેફ કર્યા હતા. વર્મા સામેની તપાસનો રીપોર્ટ 60 પાનાનો છે અને એ સાથે 200 પાનાની પુરવણી જોડવામાં આવી હતી. વર્મા સામે 10 આરોપોની યાદી બનાવવામાં આવી હતી અને એમાંથી પાંચમાં વજૂદ જણાયું હતું.
સીબીઆઈના સ્પેશ્યલ ડીરેકટર રાકેશ અસ્થાનાએ 24 ઓગસ્ટે કેબીનેટ સેક્રેટરી પી.કે.સિંહાને ફરિયાદ કરી એના આધારે સીવીસીએ તપાસ કરી હતી.
CBIની અખંડતા જાળવી રાખવા પ્રયાસ કર્યો, હકાલપટ્ટી પછી વર્માનો પ્રત્યાઘાત
તપાસનીશ સંસ્થા તોડવા પ્રયાસ થયો હતો
નવી દિલ્હી તા.11
સિલેકશન કમીટી દ્વારા સીબીઆઈના વડા તરીકે રૂખસદ પામેલા આલોક વર્માએ જણાવ્યું છે કે હું સીબીઆઈના વિશ્ર્વસનીયતા માટે ઉભો રહ્યો છું, અને કાયદાના શાસન જાળવી રાખવા મને જણાવાશે તો હું ફરી એમ કરીશ.
પોતાની સામે આક્ષેપો કરનારા સ્પેશ્યલ ડીરેકટર અસ્થાનાનું નામ લીધા વગર વર્માએ જણાવ્યું હતું કે એક યુક્તિ દ્વારા બનાવટી આધારવિહીન અને ખોટા આક્ષેપોના કારણે મારી બદલી કરાઈ એનો મને અફસોસ છે.
વર્માએ જણાવ્યું હતું કે સીબીઆઈ ઉચ્ચ સ્થાનોએ ભ્રષ્ટાચારના કેસોની તપાસ કરતી મુખ્ય તપાસ સંસ્થા છે. એનું સ્વાતંત્ર્ય જાળવી રાખી રક્ષા કરવી જોઈએ. બાહરી પ્રભાવ વગર તેણે કામ કરવું જોઈએ. મેં સીબીઆઈની અખંડતા નષ્ટ કરવા પ્રયાસ થઈ રહ્યો હતો ત્યારે એ જાળવી રાખવા પ્રયાસ કર્યો હતો.


Advertisement