ગોંડલમાં જીએસટી વિભાગના ચેકીંગમાં સૂકાની પાછળ લીલાનો ભોગ લેવાતો હોય તેવો ઘાટ

11 January 2019 12:55 PM
Gondal
  • ગોંડલમાં જીએસટી વિભાગના ચેકીંગમાં સૂકાની પાછળ લીલાનો ભોગ લેવાતો હોય તેવો ઘાટ

ચેમ્બર દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું

Advertisement

ગોંડલ તા.11
ગોંડલ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જીએસટી વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ ચેકિંગમાં સૂકા ની પાછળ લીલા નો ભોગ લેવાતો હોય તેવો ઘાટ ઘડતા રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મનસુખભાઈ સખીયા, ઉપપ્રમુખ મનીષભાઈ સોજીત્રા તેમજ સેક્રેટરી સિરિષભાઈ જોશીની આગેવાનીમાં ગઇકાલેે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવાયું હતું કે બોગસ બિલિંગ કૌભાંડ પકડી પાડવાની જી એસ ટી ની કામગીરી સરાહનીય છે પરંતુ ઘણા વેપારીઓએ ચોખ્ખો વેપાર કરેલ હોવા છતાં પણ જીએસટી વિભાગ દ્વારા કનડગત કરવામાં આવી રહેલ છે, શંકાસ્પદ વેપારીની સાથે કરેલ વ્યવહારો બાબતે કોઈ સાહિત્ય અન્ય કોઈ વેપારી પાસેથી ખરાઈ કરવા આપના વિભાગ ને જરૂર જણાય તો સમન્સ આપી અમદાવાદ કે રાજકોટ વેપારીને રૂબરૂ બોલાવવાના બદલે નોટિસ આપી જરૂરી વિગતો લેખિતમાં આપના વિભાગની કચેરી ખાતે રજૂ કરવાની છૂટ આપવી જોઈએ, જીએસટીના અપુરતા સ્ટાફ અને બેઠક વ્યવસ્થા ને કારણે વેપારીઓને સાંજ સુધી જીએસટી કચેરી ખાતે અકારણ રોકવાની ફરજ પડી રહી છે.
અમુક કિસ્સાઓમાં શંકાસ્પદ વેપારીને માલ વેચનાર સાચા વેપારીઓને ત્યાં પણ સ્થળ તપાસ કરવામાં આવેલ અને એક વખત જે વ્યવહારો પર વેરો ભરી આપવામાં આવેલ હોય તેવા વ્યવહારો પર ફરીથી વેરો અને સો ટકા દંડ ભરવાની ફરજ પાડવામાં આવી રહી છે, ઘણા કિસ્સામાં ખરીદ-વેચાણની રકમનો વ્યવહાર બેંક દ્વારા કરવામાં આવ્યો હોવા છતાં પણ બોગસ બિલિંગ ગણી નિર્દોષ વેપારીઓને દંડ કરવામાં આવી રહ્યો છે તો આ અંગે તાકીદે યોગ્ય પગલા લેવા અંતમાં માંગ કરી હતી.


Advertisement