રાણાવાવમાં સિમેન્ટ ફેકટરી દ્વારા મંજૂરી વગર નગર પાલિકાની જમીન પર બાંધકામથી વિવાદ

11 January 2019 12:35 PM
Porbandar
Advertisement

રાજકોટ તા.11
પોરબંદરના રાણાવાવમાં આવેલી સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેકટરીને કલેકટર દ્વારા લીઝથી આપવામાં આવેલ જમીન પર ફેકટરી દ્વારા પરવાનગી વગર બાંધકામ કરવામાં આવેલ હોય, આવુ બાંધકામ દૂર કરવાની અગાઉ પાલિકા દ્વારા નોટીસ આપવામાં આવી છે. જેના જવાબમાં ફેકટરી દ્વારા કલેકટરનું લીઝં ડીડ પાલિકાને પાઠવવામાં આવતા હવે પાલિકા દ્વારા આ અંગે કલેકટરને કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ રાણાવાવમાં આવેલી સિમેન્ટ ફેકટરી દ્વારા રાણાવાવ નગરપાલિકાની પરવાનગી વિના બાંધકામ કરવામાં આવ્યું હોવા અંગેની પાલિકા દ્વારા અગાઉ ફેકટરીને નોટીસ પાઠવવામાં આવી હતી. તેમજ આવુ બાંધકામ તોડી પાડવામાં આવશે તે અંગેની નોટીસ પાઠવવામાં આવી હતી.
તેમજ આ જમીનની માલિકી અંગેના પુરાવા આપવા પણ ફેકટરીને જણાવવામાં આવ્યું હતું. જેના પ્રત્યુતરમાં ફેકટરી દ્વારા ઉકત જમીન ફેકટરીને 1979માં સરકાર તરફથી લીઝ પર મળી હોવાનું પાલિકાને જણાવવામાં આવતા પાલિકાએ આજે લીઝ પર મળેલી જમીનનો હેતુફેર કરી ઉપયોગ કરાયો હોવા અંગેની રજૂઆત પોરબંદર જિલ્લા કલેકટરને કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે લીઝ પર મળેલી જમીન પર રાણાવાવ નગરપાલિકાની મંજૂરી વિના સૌરાષ્ટ્ર સીમેન્ટ ફેકટરી દ્વારા બાંધકામ કરાતા ઉભો થયેલો વિવાદ શમવાનું નામ લેતો નથી. હવે જોવું રહ્યું કે જિલ્લા કલેકટર દ્વારા શું પગલા લેવામાં આવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.


Advertisement