હત્યા ‘સીડી’ના કારણે નહીં પણ જુના ડખ્ખામાં થઇ : જયંતિ ઠક્કરની પૂછપરછ

11 January 2019 12:29 PM
kutch Gujarat
  • હત્યા ‘સીડી’ના કારણે નહીં પણ જુના ડખ્ખામાં થઇ : જયંતિ ઠક્કરની પૂછપરછ

કચ્છ ભાજપના નેતા જયંતીભાઇ ભાનુશાળીની હત્યામાં મહિલા પ્રકરણ જવાબદાર હોવાની શકયતા ધુંધળી બની...:જમીન વિવાદ અંગે પણ તપાસ : સીટની ટીમના કચ્છમાં ધામા : હત્યારાઓનું મનાતુ બાઇક કબ્જે લેતી પોલીસ...

Advertisement

અમદાવાદ/ભૂજ તા.11
કચ્છ ભાજપના નેતા જયંતીભાઇ ભાનુશાળીની હત્યાના કેસમાં સીટને મહત્વની કડી મળી છે. ફાયરીંગ કરી ભાગી ગયેલાહત્યારાઓનું મનાતું બાઇક પોલીસે કબ્જે કર્યુ છે. તો કચ્છ-અમદાવાદમાં ફરિયાદમાં આરોપી દર્શાવાયેલા જયંતી ઠક્કર સહિત 1પ શખ્સોની પૂછપરછ ચાલી રહ્યાનું જાણવા મળ્યું છે.
કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પ્રદેશપ્રમુખ જયંતિ ભાનુશાળીની ચાલતી ટ્રેનમાં થયેલી ઘાતકી હત્યાના મામલે પોલીસ આરોપી સુધી પહોંચવા માટે મેરેથોન તપાસ ચલાવી રહી છે. પોલીસે મીઠી ખારેકના મુદ્દાનો છેડ ઉડાડી દીધો છે.જયંતીભાઈ અને વિવાદ એક બીજાના પર્યાય બની ગયા છે જેમાં અનેક વખત એ વાતનો ઉલ્લેખ થયો હતો કે ભાનુશાળી અનેક મોટા નેતાઓને મીઠી ખારેક ખાવા બોલાવતા હતા અને એ તમામની સીડી તેની પાસે હતી જેના આધારે તે બ્લેક મેઈલ કરતા હતા અને તેના કારણે પણ તેની હત્યા કરવામાં આવી હોય પણ પોલીસ વિભાગમાં આધારભૂત સૂત્રની જો વાત માનીએ તો એ વાતનો છેડ ઉડાડી દેવામાં આવ્યો છે.
હાલમાં બે થિયરી પર તપાસ
જમીન વિવાદમાં હત્યા થઈ અથવા તો જૂની અદાવતમાં તેમની હત્યા કરી દેવાઈ છે. જોકે,તપાસકર્તાઓએ જૂની અદાવતમાં જ હત્યા થઈ છે એ થિયરી પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે.પોલીસે અત્યારે સુધીમાં શકમંદ જેટલા 50 લોકોના નિવેદન નોંધાયા છે. પોલીસ એ વાત અંદરખાને સ્વીકારી રહી છે કે શાર્પ શૂટર કચ્છનો છે અને હાલમાં મુંબઈ રહે છે અને તેના દ્વારા હત્યાને અંજામ આપવામાં આવ્યો છે પણ કોના ઈશારે હત્યા થઈ એ નક્કી ત્યારે જ થઈ શકશે જ્યારે શૂટર હાથમાં આવશે.પોલીસે કચ્છના અનેક વિસ્તારના સીસીટીવી કબ્જે કર્યા છે પણ તેમાંથી આરોપીની ઓળખ થઈ શકી નથી. હત્યાની ફરીયાદ નોંધાઇ છે તે પ્રમાણે પોલીસે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. સામાન્ય રીતે ફરિયાદમાં જે આરોપીઓના નામનો ઉલ્લેખ હોય તેની તપાસ કરી પોલીસ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તેની સંડોવણી અંગે તપાસ કરતી હોય છે પણ આ કેસમાં તો પોલીસ તદ્દન ઉલ્ટી દિશામાં તપાસ ચલાવી રહી છે એક તરફ પોલીસે ટીસી,કોચ એટેડન્ટ અને ભાનુશાલી સાથે મુસાફરી કરી રહેલા પવન મોરેની પૂછપરછ કરી આરોપીની ઓળખ કરવા પ્રયાસ કરી સ્કેચ બનાવ્યો છે પણ તમામના વિવરણ અલગ હોવાના કારણે પોલીસ પણ મૂંઝવણમાં છે કે આખરે આરોપી દેખાય છે કેવો? હાલ પોલીસે મેરેથોન તપાસ તો ચલાવી પણ હજી સુધી શૂટર સુધી પહોંચવામાં સફળતા મળી નથી.
કચ્છ ભાજપના ભાજપના નેતા જયંતીભાઇ ભાનુશાલીની હત્યાના મામલાની તપાસ માટે રાજ્ય સરકાર દ્વારા રચાયેલી ખાસ તપાસ ટુકડી (સીટ) કચ્છ પહોંચી હતી, જેણે સામખિયાળીથી ગાંધીધામ અને ભુજ તથા અબડાસા સુધીના વિસ્તારમાં છાનબીન કરી હતી.’અમદાવાદ ખાતે જયંતીભાઇના ભત્રીજા સુનીલ ભાનુશાલીએ દાખલ કરાવેલી ફરિયાદ ઝીરો નંબરથી લખીને તેને ગાંધીધામ રેલવે પોલીસ મથકને મોકલાતાં કાવતરું રચીને હત્યા નીપજાવવા અને હથિયારધારા સહિતની કલમો તળે ગુનો દાખલ કરાયો હતો.
આ કેસની તપાસ રેલવેના’ નાયબ પોલીસ અધીક્ષક પી.પી. પિરોજિયાને અપાઇ હતી.’ આ ખૂનકેસ માટે રાજ્ય સરકાર દ્વારા રચાયેલી રેલવે પોલીસના અધિકારીઓની સીટની ટુકડીએ સામખિયાળીથી ભુજ સુધીનાં રેલવે મથકે સી.સી. ટી.વી. કેમેરાના ફૂટેજનો અભ્યાસ કર્યો હતો, તો અમુક લોકો અને રેલવેના સ્ટાફ સાથે વાતચીત કરી જરૂરી કડીઓ મેળવવા માટેનો પ્રયાસ કર્યો હતો. ગાંધીધામ બ્યૂરોના અહેવાલ મુજબ, ગાંધીધામ રેલવે મથકે આ ટુકડીએ વૈજ્ઞાનિક ઢબની છાનબીન ઉપકરણો સાથે કરી હતી.
સીટની ટુકડીની સાથોસાથ રાજ્ય ત્રાસવાદ વિરોધી દળ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટુકડી પણ તપાસમાં સામેલ થતાં આજે કચ્છ સુધી પહોંચી હતી. આ ટુકડીએ ફરિયાદમાં જેમનાં નામદર્શાવાયાં છે તેવાઓનાં સ્થાનોની તપાસ કરી હોવાની ચર્ચા પણ વહેતી થઇ હતી. અલબત્ત, આ વાતને સત્તાવાર સમર્થન મળ્યું ન હતું. જયંતીભાઇની હત્યા ફરિયાદમાં બતાવાયેલાં કારણો મુજબ કે અન્ય કોઇ કારણોસર થઇ તે વિગતોનો તાળો મેળવવા માટેનો પ્રયાસ પણ કરાઇ રહ્યો છે.


Advertisement