હથિયારો સાથે 6 લોકો દેખાયા: મેસેજ વાયરલ થતા પોરબંદર કાંઠે સુરક્ષા વધારાઈ

11 January 2019 11:37 AM
Ahmedabad Gujarat
  • હથિયારો સાથે 6 લોકો દેખાયા: મેસેજ વાયરલ થતા પોરબંદર કાંઠે સુરક્ષા વધારાઈ

દરીયામાં તમામ બોટનું પોલીસ-કોસ્ટગાર્ડ દ્વારા ચેકીંગ

Advertisement

અમદાવાદ તા.11
ગુજરાતના દરિયામાં રાષ્ટ્રવિરોધી તત્વો મોજુદ છે અને હથિયારો સાથે છ લોકો ઘુસણખોરી ફીરાકમાં હોવાનો મેસેજ સોશ્યલ મીડીયામાં વાયરલ થયો છે. આ મેસેજ ગંભીર છે કે કોઈ ટીખળીખોરનું કૃત્ય તે સ્પષ્ટ નથી છતાં સુરક્ષાતંત્ર કોઈ તક લેવા માંગતુ ન હોય તેમ પોરબંદર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સોશ્યલ મીડીયા પર એક મેસેજ વાયરલ થયો છે કે, પોરબંદર નજીક ગુજરાતના દરિયામાં 6 લોકો હથિયારો સાથે જોવા મળી રહ્યા છે. આ મેસેજને ગંભીરતાથી લઈ પોરબંદર પોલીસે કોસ્ટગાર્ડને જાણ કરી. જેને પગલે પોરબંદર પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા દરિયાકાંઠાની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
કોસ્ટગાર્ડ તથા પોરબંદર પોલીસ દ્વારા મેસેજને ગંભીરતાથી તપાસ હાથ ધરવામાં આવી છે. દરિયામાં તમામ બોટનું નિરીક્ષણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સોશ્યલ મીડીયા પર વાયરલ થયેલા મેસેજથી તંત્ર સાબદુ થઈ ગયું છે. ખરેખર હથિયારો સાથે 6 જેટલા શખ્સો ઘૂસ્યા છે કે પછી કોઈએ ઉપજાવી કાઢેલી વાત માત્ર વાયરલ કરી છે, તે મુદે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના દરિયા કિનારેથી હંમેશા પાકીસ્તાની આતંકવાદી દ્વારા ઘૂસણખોરીના પ્રયત્ન કરવામાં આવતા હોય છે. દરિયામાં નેવી દ્વારા ચાંપતો બંદોબસ્ત હોય છે, પરંતુ સુરક્ષાને લઈ પોલીસ કે કોસ્ટગાર્ડ કોઈપણ રીતે મેસેજને હળવેથી નથી લઈ રહી અને તપાસ તેજ કરી દીધી છે.


Advertisement