‘મીશન’ 19નો પ્રારંભ: ભાજપનું સૌથી મોટુ રાષ્ટ્રીય અધિવેશન: મોદી-શાહ ‘જીતનો મંત્ર’ આપશે

11 January 2019 11:20 AM
India
  • ‘મીશન’ 19નો પ્રારંભ: ભાજપનું સૌથી મોટુ રાષ્ટ્રીય અધિવેશન: મોદી-શાહ ‘જીતનો મંત્ર’ આપશે

રામલીલા મેદાન પર અધિવેશન શરુ, દેશભરમાંથી 12000 નેતાઓ-આગેવાનોની હાજરી: ‘મીની પીએમઓ’ ઉભુ કરાયુ

Advertisement

નવી દિલ્હી તા.11
લોકસભાની ચૂંટણી પુર્વેના કદાચ આખરી એવા ભાજપના રાષ્ટ્રીય અધિવેશનનો આજે પાટનગરના રામલીલા મેદાન પર પ્રારંભ થયો છે. દેશભરમાંથી ઉમટનારા ભાજપના નેતા-આગેવાનોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પક્ષપ્રમુખ અમીત શાહ જીતનો મંત્ર આપશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ દ્વારા રાષ્ટ્રીય અધિવેશનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. દિવસના રાષ્ટ્રીય અધિવેશનમાં આવતીકાલે વડાપ્રધાન મોદી સમાપન પ્રવચન કરશે. મીશન 2019 અંતર્ગત તેઓ દ્વારા ચૂંટણી સૂત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે.
ભાજપ દ્વારા જ એવો દાવો કરવામાં આવ્યો છે કે અત્યાર સુધીનું આ સૌથી મોટુ અધિવેશન હશે અને તેમાં દેશભરમાંથી 12000 નેતાઓ-આગેવાનો સામેલ થશે.
મોદી સરકાર દ્વારા 10 ટકા સવર્ણ અનામતનો નિર્ણય લેવામાં આવ્યો છે તે પછીના આ સૌથી મોટા કાર્યક્રમાં તે વિશે ઠરાવ થઈ શકે છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન તથા છતીસગઢમાં ચૂંટણી હાર પછી આ નિર્ણયથી ભાજપના મનોબળમાં વધારો થયો છે. રાષ્ટ્રપતિની મંજુરી મળી ગયા બાદ આ કાયદો લાગુ થઈ જશે. સંસદના બન્ને ગૃહોમાં તે મંજુર થઈ જ ગયો છે.
ભાજપનું એવુ માનવુ છે કે આ પગલાથી સવર્ણો ભાજપની પડખે આવશે. પાટીદાર, જાટ, મરાઠા સહીતની જ્ઞાતિઓ-સમાજોમાં પ્રભાવ વધશે.
અધિવેશનમાં સરકારના વિવિધ પ્રોજેકટો તથા આર્થિક વિકાસના પગલાની સમીક્ષા થશે. ઉપરાંત ચૂંટણીમાં સાથીપક્ષો સાથે જોડાણ વિશે ચર્ચા થશે. રાજકીય, આર્થિક સહીત ત્રણ ઠરાવ પસાર કરવામાં આવશે. વડાપ્રધાન હાજર રહેવાના હોવાથી તેમનું કામ ન અટકે તે માટે અધિવેશન સ્થળે મીની પીએમઓ શરુ થશે.


Advertisement