બીપીએલ પરિવારોને રૂા.2500, નાના ખેડુતોને 4000ની રોકડ સહાયની તૈયારી

11 January 2019 11:18 AM
India
  • બીપીએલ પરિવારોને રૂા.2500, નાના ખેડુતોને 4000ની રોકડ સહાયની તૈયારી

10 ટકા સવર્ણ અનામત પછી હવે ગરીબો-કિસાનો પર મોદી સરકાર વરસશે :ચૂંટણી વર્ષમાં હવે મોદીનું ફોકસ ગરીબો અને કિસાનો: રાંધણગેસ-અનાજ-ખાતર-બિયારણ વગેરે ચીજો પરની સબસીડી રદ કરાશે

Advertisement

નવી દિલ્હી તા.11
ગરીબ સવર્ણોને 10 ટકા અનામતના નિર્ણય બાદ કેન્દ્રની મોદી સરકાર હવે ગરીબ પરિવારોને દર મહીને રૂા.2500ની રોકડ મદદ કરવાની તૈયારીમાં છે. આ ઉપરાંત ખેડુતો માટે પણ રાહત-સહાય જાહેર કરે તેમ છે. ચૂંટણી વર્ષને ધ્યાને રાખીને સરકાર આવા કેટલાક નિર્ણયો લેવા તૈયારી કરી રહી છે.
2017ના આર્થિક સર્વેક્ષણમાં ગરીબી ઘટાડવાના ઉદેશવાળી કલ્યાણકારી યોજનાઓના વિકલ્પમાં સીધી રોકડ સહાય આપવાની ભલામણ કરવામાં આવી હતી. હવે ભાજપ સરકાર આ દિશામાં આગળ વધી રહ્યાના નિર્દેશ છે. આધારભૂત સૂત્રોએ એમ કહ્યું છે કે પ્રથમ તબકકે ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને દર મહીને રૂા.2500ની રોકડ સહાય આપવાની જાહેરાત કરવામાં આવશે. બીપીએલ પરિવારોના ખાતામાં સીધા નાણાં જમા થશે. જો કે, રાંધણગેસ, અનાજ વગેરેમાં અપાતી સબસીડી પાછી ખેંચી લેવાશે.
આ યોજનાથી ગ્રામ્ય ગરીબોની 50 ટકા તથા શહેરી ગરીબોની 33 ટકા જરૂરિયાત સંતોષી શકાશે. એપ્રિલથી જુનના ત્રણ મહીના માટે 32000 કરોડની ફાળવણી કરવામાં આવે તેવી શકયતા છે. રીઝર્વ બેંક કેન્દ્ર સરકારની તિજોરીમાં કેટલા નાણાં ઠાલવે છે. તેના આધારે લાભાર્થીઓની સંખ્યા નકકી થશે. દેશમાં કુલ વસતીના
27.5 ટકાલોકો ગરીબીની રેખા હેઠળ જીવતા હોવાનો અંદાજ છે.
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના ઢંઢેરામાં પણ ભાજપ દ્વારા આવી યોજનાનો સંકેત આપવામાં આવ્યો હતો.
બીજી તરફ કુલ વસતીના 47 ટકા ખેડુતો અથવા કૃષિ વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે તેલંગાણાની ‘રાયથુબંધુ’ જેવી યોજના જાહેર કરશે જે અંતર્ગત એક એકરથી ઓછી જમીન ધરાવતા કિસાનોને 4000ની સહાય આપવામાં આવશે. રવિ અને ખરીફ સીઝનનો કેટલો પાક મેળવી શકે. તેની ગણતરી કરીને પણ સહાયની રકમ નિશ્ર્ચિત થઈ શકે છે.
આ યોજના હેઠળ પણ ખેડુતોને અપાતી ખાતર-બીયારણ જેવી સબસીડી ધ કરી દેવામાં આવશે. તમામ રાજયોના જમીનના રેકોર્ડ પણ આ માટે અપગ્રેડ કરાશે.
આ યોજનાના વિકલ્પમાં એક એકરથી ઓછી જમીન ધરાવતા ખેડુતોને એક લાખની વ્યાજમુક્ત લોન આપવાની દિશામાં પણ વિચારણા કરવામાં આવી રહી છે.
ખેડુતો માટેની યોજના નાના સિમાંત ખેડુતો તથા કૃષિ સાથે સંકળાયેલા ગણોતીયા-ખેતમજુરોને જ લાભ મળે તેની કાળજી રાખવામાં આવશે.


Advertisement