‘એ સીટી નેવર સ્લીપ’ ; શોપીંગ ફેસ્ટીવલથી મુંબઇ જેવી ટેગલાઇન અમદાવાદને મળશે : રૂપાણી

10 January 2019 06:02 PM
Rajkot Gujarat
  • ‘એ સીટી નેવર સ્લીપ’ ; શોપીંગ ફેસ્ટીવલથી મુંબઇ જેવી ટેગલાઇન અમદાવાદને મળશે : રૂપાણી

રાજય સરકારનું ફોકસ હવે ધોલેરા અને ગીફટ સીટી પર રહેવાનો મુખ્યમંત્રીનો નિર્દેશ

Advertisement

ગાંધીનગર તા.10
રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ઉદ્યોગ, વ્યાપાર સહિતના ક્ષેત્રોમાં ગુજરાત વિકાસનું હરણફાળ ભરી જ રહ્યું છે અને હવે આવતા દિવસોમાં દુબઇ સ્ટાઇલના શોપીંગ ફેસ્ટિવલના આધારે મુંબઇ જેવી ઓળખ અમદાવાદને મળશે અને અમદાવાદ એક નવા શોપીંગ ડેસ્ટિનેશન તરીકે ઉભરશે. રાજય સરકારના આવા પ્રયાસો છે. આ સિવાય રાજય સરકાર હવે ધોલેરા અને ગીફટ સીટી પર સંપૂર્ણ ઘ્યાન કેન્દ્રીય કરવાનો ટાર્ગેટ છે.
વાઇબ્રન્ટ ગુજરાત સમિટના અનુસંધાને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના જાણિતા અખબારોના તંત્રીઓ સાથે બેઠક રાખી હતી. તેમાં રાજય સરકારની ભાવી યોજનાઓ અને વિકાસકાર્યો સહિતના પ્રોજેકટોથી અવગત કરાવ્યા હતા. તેઓએ આગામી 17મીથી અમદાવાદમાં શરૂ થઇ રહેલા વાયબ્રન્ટ શોપીંગ ફેસ્ટિવલ વિશે એવો નિર્દેશ કર્યો હતો કે મુંબઇને જે રીતે 24 કલાક જાગતા શહેર તરીકેની ઓળખ મળી છે. તેવી જ ઓળખ આ શોપીંગ ફેસ્ટિવલથી ગુજરાતના અમદાવાદને મળશે. દુબઇ સ્ટાઇલથી આ શોપીંગ ફેસ્ટિવલ યોજવામાં આવનાર છે. આ ફેસ્ટિવલના આધારે ગુજરાત અને અમદાવાદ એક શોપીંગ ડેસ્ટિનેશન તરીકે ઉભરે તેવો સરકારનો ઇરાદો છે. દુબઇના શોપીંગ ફેસ્ટિવલમાં દુનિયાભરમાંથી લોકો ઉમટતા હોય છે. તે રીતે અમદાવાદમાં પણ વિશ્ર્વભરના લોકો શોપીંગ માટે આવે તે પ્રકારનું સરકારનું વલણ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આગામી 17મીથી અમદાવાદમાં બેક દિવસનો શોપીંગ ફેસ્ટિવલ શરૂ થવાનો છે. જેમાં 20 હજારથી વધુ સ્ટોલ ઉભા કરવાનો રાજય સરકારનો ટાર્ગેટ છે. શોપીંગ ફેસ્ટિવલ માટે રાજય સરકારે તમામ વિભાગોને કામે લગાડયા છે અને શકય એટલા વધુ પ્રમાણમાં રજીસ્ટ્રેશન કરાવવાની જવાબદારી સોંપી છે. આ શોપીંગ ફેસ્ટિવલનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે. શોપીંગ ફેસ્ટિવલમાંથી ખરીદી કરનારા ગ્રાહકો માટે 10 કરોડના વિવિધ ઇનામો તથા સ્ટોલ ધારકો માટે એક કરોડના ઇનામો રાખીને નવુ આકર્ષણ સર્જવાનો ઇરાદો છે. આ શોપીંગ ફેસ્ટિવલમાં ફૂડ ફેસ્ટિવલ ઉપરાંત ફિલ્મ સંગીતના મનોરંજન પ્રોગ્રામો, ડાયરા, ફેશન શો, કોમેડી શો વગેરે પણ યોજાવાના છે.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજય સરકાર હવે ધોલેરા અને ગીફટ સીટી તરફ સંપૂર્ણ ઘ્યાન કેન્દ્રીત કરશે અને નિર્ધારીત રીતે પ્રોજેકટને આગળ ધપાવશે.


Advertisement