વાઈબ્રન્ટ શોપીંગ ફેસ્ટીવલમાં ફકત 2000 જ સ્ટોલ નોંધાયા

10 January 2019 03:03 PM
Ahmedabad Gujarat
  • વાઈબ્રન્ટ શોપીંગ ફેસ્ટીવલમાં ફકત 2000 જ સ્ટોલ નોંધાયા

ભારતના સૌથી લાંબા શોપીંગ ફેસ્ટીવલમાં હવે છેલ્લી ઘડીએ તૈયારીના આદેશ : કેબીનેટ બેઠકમાં અધિકારીઓનો ઉધડો લેતા મુખ્યમંત્રી કાગળ પર ભવ્ય આયોજન વચ્ચે વાસ્તવિકતા જુદી: ખુદ મોદી ઉદઘાટન કરવાના છે: હવે દોડધામ

Advertisement

અમદાવાદ: ગુજરાતમાં આગામી તા.18થી20ના યોજાઈ રહેલા વાઈબ્રન્ટ સમીટ પુર્વે તા.17થી વાઈબ્રન્ટ શોપીંગ ફેસ્ટીવલનો જે આરંભ થવાનો છે તેમાં રાજય અને રાજય બહારથી યોગ્ય પ્રતિસાદ નહી મળતા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અત્યંત નારાજ છે અને તેઓએ અધિકારીઓને યોગ્ય આયોજનથી કામ નહી કરવા બદલ આકરા શબ્દોથી ખખડાવ્યા હતા.
ગઈકાલે મળેલી કેબીનેટ બેઠકમાં વાઈબ્રન્ટ સમીટના મુદેચર્ચા હતી અને તેમાં આ શોપીંગ ફેસ્ટીવલનો પણ વિષય હતો. આ વાઈબ્રન્ટ શોપીંગ ફેસ્ટીવલમાં રાજય અને બહારથી અનેક બ્રાન્ડ- હસ્તકલા સહીતના ક્ષેત્રો તથા લોકોને આકર્ષણ થાય તેવા સ્ટોલ વિ. લાવવામાં નિષ્ફળતા મળી છે અને રાજય સરકારે 20000થી વધુ સ્ટોલની આશા રાખી હતી તેમાં હજું સુધી ફકત 2000 જ બુકીંગ થયા છે અને તેમાં પણ ખરેખર કેટલા આવશે. તે પણ પ્રશ્ર્ન છે. મુખ્યમંત્રી એ વાઈબ્રન્ટ સમીટની તૈયારીની સમીક્ષા કરી હતી અને તેમાં આ શોપીંગ ફેસ્ટીવલની તૈયારીથી ખૂબ જ નારાજ થયા હતા અને બાદમાં મુખ્ય સચિવ જે.એન.સિંઘને તમામ મંત્રાલય સાથે તાકીદ કરીને વધુને વધુ રજીસ્ટ્રેશન માટે તાકીદ કરી હતી. આ શોપીંગ ફેસ્ટીવલનું ઉદઘાટન ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરનાર છે તે સમયે આ પ્રકારની તૈયારીથી રાજયની ખોટી છાપ પડે તેવી સ્થિતિ બની છે.
રાજય સરકારે ખરીદનારને રૂા.10 કરોડના વિવિધ ઈનામો અને સ્ટોલ ધારકને રૂા.1 કરોડના ઈનામોની જાહેર કર્યા છે. આ દેશનો સૌથી લાંબો શોપીંગ ફેસ્ટીવલ બની રહે તે જોવાની તૈયારી છે. જેમાં ફુડ ફેસ્ટીવલ હશે અને ફીલ્મ-સંગીતના મનોરંજક પ્રોગ્રામ પણ હશે. ડાયરા અને સ્ટેન્ડબાય કોમેડી, ફેશન શો પણ યોજાવાના છે અને અમદાવાદમાં જે હેરીટેજ સાઈટ છે તેને રોશનીથી પણ શણગારાશે અને તથા સાબરમતી રીવર ફ્રન્ટમાં હેન્ડીક્રાફટ માર્કેટ, ફુટ બાઝાર અને ક્રાફટ માર્કેટની પણ તૈયારી છે.


Advertisement