ટ્રેનના કોચમાં પાંચ ફાયર થયા : પવન મૌર્યને પણ મારી નાંખવાનો હતો?

10 January 2019 12:02 PM
kutch Gujarat
  • ટ્રેનના કોચમાં પાંચ ફાયર થયા : પવન મૌર્યને પણ મારી નાંખવાનો હતો?

કચ્છના પૂર્વ ધારાસભ્ય જયંતીભાઇ ભાનુશાળી નકલી ઓળખકાર્ડ પર મુસાફરી કેમ કરતા હતા? ઉંડી તપાસ : આડેસર પાસેથી બેગ મળી : ગાંધીધામ રેલવે પોલીસ દ્વારા તપાસ

Advertisement

અમદાવાદ/ભૂજ તા.10
કચ્છના અબડાસાનાં પૂર્વ ધારાસભ્ય જયંતિભાઇ ભાનુશાળીની સયાજીનગરી એકસપ્રેસ ટ્રેનના એસી ફર્સ્ટ કલાસ કોચમાં સામખીયાળી નજીક કરાયેલી હત્યામાં નવા નવા ફણગા ફૂટી રહ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે તેઓ ખોટા ઓળખકાર્ડ પર મુસાફરી કરતા હતા. કાર્ડમાં ફોટો તેમનો હતો પરંતુ નામ અને સરનામુ અન્ય વ્યકિતનાં હતા. જેની તપાસ ચાલી રહી છે. આ કાર્ડમાં મનીષ નંદાનું નામ અને મુંબઇનું સરનામું હતું.
શકમંદો ભૂજના કાર્યક્રમથી જ ભાનુશાળીનો પીછો કરતા હશે સ્ટેશન આવતા તેઓ એસી કોચમાં ચડયા હશે ભાનુશાળીએ ડોર ખોલતા જ ફાયરીંગ કર્યાની શકયતા છે. તેમણે પાંચ રાઉન્ડ ફાયર કર્યુ હતું. જેમાં એક ચૂકયા અને બે મીસ ફાયર થયા જયારે બાકીની બે ગોળી જયંતીભાઇને આંખ અને છાતીમાં વાગી ગઇ હતી. હવે ટીટીઇએ પણ કહ્યું કે તેણે ગોળીનો અવાજ સાંભળ્યો હતો. 12:55 કલાકે ટ્રેનને ચેન ખેંચી રોકવામાં આવી હતી. એક માત્ર સાથી પેસેન્જર પવન મૌર્યને પણ મારી નાંખવાના હતા તેવી શંકા છે.
પુરાવો મળ્યો
જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં એક મહત્વની કડી પોલીસને હાથ લાગી છે. ભૂજથી અમદાવાદ તરફ આવી રહેલી ટ્રેનમાં ગોળી મારી હત્યા કરવાના આ કેસમાં પોલીસને આ સૌથી મોટો પુરાવો હાથ લાગ્યા છે. ગૂમ થયેલી બેગ પોલીસને મળી આવી છે,જે જયંતિ ભાનુશાળીની હોવાની માની હત્યારાઓ આ બેગ ઉઠાવી ગયા હતા. જોકે આ બેગ ભાનુશાળીની સામેની સીટ પર મુસાફરી કરી રહેલા પવન મોર્યની હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે બેગ પોતાના કબ્જામાં લઇ ફોરેન્સિક સહિતની તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તપાસનીશ એજન્સીને કચ્છ આડેસર પાસેથી હત્યારાઓ ઉઠાવી ગયેલ બેગ મળી છે. જો કે આ બેગ જયંતિભાઈ સાથે સહમુસાફરી પવન મૌર્યની હોવાનું બહાર આવ્યું છે. જો કે બીજી ચિંતાજનક વાત એ છે કે હત્યા કરીને હત્યારાઓએ બેગ જયંતિભાઈ હોવાનું તથા જયંતિભાઈ તેમની સાથે રીવોલ્વર રાખતા હોવાનું અનુમાન કરીને ઉઠાવી ગયા હતા. જયંતિભાઈના સરસમાન માંથી રિવોલ્વર મળી આવી હોવાનું મનાય છે એટલે અહીં એ પણ સચોટ રીતે પુરવાર થાય છે કે હત્યારાઓ પાસે જયંતિભાઈ બાબતેની જીણામાં જીણી માહિતી હતી.
દેહ પંચમહાભૂતમાં વિલીન
જયંતીભાઈના મૃતદેહનું વિડિઓ રેકોર્ડિંગ સાથે પોસ્ટમોર્ટમ કરાયું હતું. પીએમની વિધિ પૂર્ણ થયા બાદ તેમના પાર્થિવ દેહને નરોડા સ્થિત તેમના નિવાસસ્થાને લઇ આવવામાં આવ્યો હતો. અહીં તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવા રાજ્યસરકારના મંત્રીઓ, ધારાસભ્યો, ગુજરાત અને કચ્છ ભાજપના આગેવાનો ઉપરાંત મોટી સંખ્યામાં તેમના ટેકેદારો, મિત્રો, સ્નેહીજનો ઉમટ્યા હતા. ઘરથી તેમના પાર્થિવદેહને નરોડા મુક્તિધામ સુધી લવાયો હતો તેમની સ્મશાનયાત્રામાં રાજ્ય સરકારના મંત્રીઓ ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આર. સી. ફળદુ, વાસણભાઈ આહીર, સાંસદ
વિનોદ ચાવડા, પૂર્વ નાણા મંત્રી બાબુભાઇ મેઘજી શાહ, આગેવાનો ભીખુભાઈ દલસાણીયા, ગોરધન ઝડફિયા, રણછોડ રબારી, રમણલાલ વોરા કચ્છ ભાજપ ના આગેવાનો જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ, વરિષ્ઠ નેતા તારાચંદભાઈ છેડા, ધારાસભ્યો ડો. નીમાબેન આચાર્ય, માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી, ઘનશ્યામ રસિકભાઈ ઠક્કર, ભરત શાહ, દેવાંગ દવે સહિતના અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા. સ્મશાનગૃહમાં સદગતના ભાઈ શંભુભાઈ ભાનુશાલી સુનિલની સાથે જયંતીભાઈની પુત્રી ખુશાલીએ અગ્નિદાહ આપ્યો હતો. પોતાના પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરી ખુશાલી અગ્નિદાહ આપતી વેળાએ આઘાત થી બેશુદ્ધ થઈ ગઈ હતી. સમગ્ર ભાનુશાલી પરિવાર જયંતીભાઈની હત્યાના આઘાતમાં હતપ્રભ બની શોકમાં ગરકાવ થઈ ગયો છે.
ગુનો
તા.7મી જાન્યુઆરીની મધરાતે સયાજીનગરી ટ્રેનના વાતાનુકુલિત બર્થમાં નિંદ્રાધીન જયંતીભાઈની ક્રૂરતા પૂર્વક કરાયેલી હત્યાના બનાવમાં ગાંધીધામ રેલવે પોલીસે 8મી જાન્યુઆરીએ વિધિવત ગુનો દાખલ કર્યો છે આ અંગે ગાંધીધામ રેલવે પોલીસે આપેલી સતાવાર વિગત મુજબ સુનિલ વસંતલાલ ભાનુશાલીની ફરિયાદના આધારે તેમના કાકા જેન્તીભાઈ ભાનુશાલીની બંદૂકથી હત્યા કરવાનું કાવતરું રચી હત્યા કરવા બદલ (1) છબીલ નારાણભાઈ પટેલ (પૂર્વ ધારાસભ્ય) અને તેમને સાથ આપનાર (2) મનીષા ગોસ્વામી (વાપી), (3) જેન્તીલાલ જેઠાલાલ ઠક્કર (ડુમરા), (4) ઉમેશ પરમાર (પત્રકાર), (5) સિદ્ધાર્થ પટેલ (છબીલભાઈ નો પુત્ર), (6) સુર્જિતભાઉ (વાપી) અને અન્ય મળતીયાઓ વિરુદ્ધ કલમ 302, 120 (બી), 34 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસની તપાસ ડીવાયએસપી પી. પી. પીરોજીયા ચલાવી રહ્યા છે.


Advertisement