હત્યા બાદ છબીલ પટેલે અમેરિકાની ફલાઇટ પકડી! બે ‘મારા’ એ ખૂન કર્યુ

10 January 2019 11:38 AM
Morbi Gujarat
  • હત્યા બાદ છબીલ પટેલે અમેરિકાની ફલાઇટ પકડી! બે ‘મારા’ એ ખૂન કર્યુ

પોલીસને મળતી એક બાદ એક કડી : મીઠી ખારેક ‘ચર્ચા’માં : રૂપાલાને મુખ્યમંત્રી બનાવવા જયંતી ભાનુશાળી કંઇ પણ કરવા તૈયાર હતા...!

Advertisement

અમદાવાદ તા.10
ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ ઉપપ્રમુખ જયંતિ ભાનુશાળીની હત્યા કોણે અને શું કામ કરી તેની તપાસ તો પોલીસે શરૂ કરી છે. જો કે આ હત્યા પાછળ ભાજપના જ નેતા છબીલ પટેલ હોવાનો આરોપ ભાનુશાળીના પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે પરંતુ છબીલ પટેલ સિવાય પણ આ હત્યા પાછળ કોને ફાયદો થાય તેમ હતો અથવા ભાનુશાળી કોને નડી રહ્યા હતા તે બાબત પણ મહત્ત્વની છે. દરમિયાન છબીલ પટેલ હત્યા બાદ અમેરિકા નીકળી ગયા હતા. મંગળવારે સવારે પ વાગ્યે તેઓ અમદાવાદથી ઉડી ગયા છે.
ભાજપના નેતા છબીલ પટેલ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે તેઓ જયંતિ ભાનુશાળીના રાજકીય હરિફ હતા પરંતુ છબીલ પટેલ પટેલ ભાજપમાં આવ્યા બાદ ભાનુશાળીને ટિકિટ કાપી છબીલ પટેલને ટિકિટ આપવામાં આવી હતી. આમ હરિફ એક જ રાતમાં દુશ્મન થઈ ગયા હતા. છબીલ પટેલ અને ભાનુશાળી એકબીજાને રાજકીય રીતે પૂરા કરવા માટે તત્પર હતા. આ દરમિયાન જયંતિ ભાનુશાળી સામે કથિત દુષ્કર્મની ફરિયાદ થઈ હતી. ભાનુશાળી માનતા હતા કે આ ફરિયાદ છબીલ પટેલના ઈશારે થઈ છે. જો કે બાદમાં છબીલ પટેલ અને ભાનુશાળી વચ્ચે સમાધાન થયું હતું અને હાઇકોર્ટમાં દુષ્કર્મની ફરિયાદ પાછી ખેંચાઈ હતી.
જો કે પહેલી નજરે દેખાતું સમાધાન ભાનુશાળીને મંજૂર ન હતું. આ સમાધાન બાદ દિલ્હી પોલીસમાં છબીલ પટેલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. છબીલ પટેલ માની રહ્યા હતા કે આ ફરિયાદ પાછળ ભાનુશાળી છે. આ ઘટના પછી છબીલ પટેલ ખાસ્સા નારાજ હતા અને તેઓ જાહેરમાં કહેતા હતા કે પોતાને બદનામ કરનાર ભાનુશાળીને તેઓ ખતમ કરશે. આમ ભાનુશાળીનો પરિવાર આ હત્યા અંગે છબીલ તરફ શંકા વ્યકત કરે છે, તેના ચોક્કસ કારણો પણ છે.
મોટા આસામી
અમદાવાદના નરોડા વિસ્તારમાં ખાલી બારદાનનો ધંધો કરતા અત્યંત સામાન્ય વેપારીમાંથી અબડાસાની ટિકિટ મળ્યા પછી જયંતિ ભાનુશાળી કરોડોના આસામી બની ગયા હતા. કચ્છના વિવિધ વિસ્તારમાં તેમની વાડીઓ હતી, જ્યાં ભાજપના અનેક રાષ્ટ્રીય અને રાજ્યના અનેક નેતાઓ તેમના મહેમાન બન્યા હતા. જયંતિ ભાનુશાળીની મહેમાનગતી માણી ચૂકેલા ભાજપના અનેક નેતાઓ અને ઉદ્યોગપતિઓના રહસ્ય જયંતિ ભાનુશાળી પાસે હતા. ભાનુશાળી ખાસ મહેમાનો માટે મીઠી ખારેક ખાવા આવો તેવા શબ્દનો પ્રયોગ કરતા હતા. આ મીઠી ખારેક ખાનાર મહેમાનના રાઝ ખોલી નાખવાની ધમકી પણ ભાનુશાળી આપી રહ્યા હતા, તેવી પણ એક ચર્ચા છે. આમ પોલીસ માટે તપાસનો વિષય છે કે મીઠી ખારેક કોણ છે અને કયા નેતાઓ અને વેપારીઓ મીઠી ખારેક ખાઈ ગયા હતા, જેમને જાહેર કરવાની ભાનુશાળી ધમકી આપી રહ્યા હતા. આમ ભાનુશાળીના મહેમાન થયેલી જ વ્યક્તિએ હત્યા કરી હોવાનો અંદાજ છે. આ હત્યા બે શખ્સોએ કર્યાનું પવન મૌર્ય જણાવી રહ્યો છે.
રૂપાલા કનેકશન
જયંતિ ભાનુશાળી ઘણા લાંબા સમયથી કેન્દ્રીયમંત્રી પુરૂષોત્તમ રૂપાલાને મુખ્યમંત્રી બનાવવા માટે દોડાદોડી કરી રહ્યા હોવાની જાણકારી પણ મળી રહી છે. ભાનુશાળીનો દાવો હતો કે તેમની પાસે વીસ કરતા વધુ ધારાસભ્યો છે. તેઓ પુરૂષોત્તમ રૂપાલાને સીએમની ખુરશી પર બેસાડવાની માગણી કરી રહ્યા હતા. તેમના નજીકના સૂત્રોના દાવો છે કે ભાનુશાળી બહુ જલદી નવા જૂની કરવાના મૂડમાં હતા. કદાચ તેઓ સરકાર પાડી નાખે તેવી પણ શક્યતા હતી. આ એક કારણ પણ છે કે ભાનુશાળીની હત્યા થઈ હોય. પરંતુ જો આ જ કારણ હશે તો ગુજરાત પોલીસ ક્યારેય હત્યાના મૂળ કારણ સુધી પહોંચી શકશે નહીં. કારણ કે આ કારણથી જો ભાનુશાળીની હત્યા થઈ હશે તો તેનો દોરી સંચાર કોઈ બહુ મોટી વ્યક્તિનો હશે.
છબીલ પટેલ
છબીલ પટેલ ખૂબ નારાજ હતા અને તેઓ કોઈ પણ રીતે ભાનુશાળીનો ખતમ કરવા માગે છે તેવું અનેક વખત બોલી ચૂક્યા છે. આ સંજોગોમાં કોઈ છબીલ પટેલને ઊંટ બનાવી પોતાનું કામ તેમની પાસે કરાવી ગયું હોવાની પણ શંકા છે અથવા છબીલ પટેલ અને ભાનુશાળીની દુશ્મની જાણીતી છે જેમાં કોઈ ત્રાહીતે પોતાનો હિસાબ પૂરો કર્યો એ ગણતરી સાથે કે આખી ઘટના માટે છબીલ પટેલ જ જવાબદાર ઠરશે, તેવું પણ હોઈ શકે છે. આમ આ ઉપરાંતના પણ અન્ય કારણ હોઈ શકે છે પરંતુ પહેલી નજરે સપાટી ઉપરના આ કારણો છે.


Advertisement