ધારાસભ્યો-સાંસદોએ સુચવેલા કામો 1પ દિમાં પૂરા કરવા પડશે : સરકારની તાકિદ

09 January 2019 05:28 PM
Gujarat
  • ધારાસભ્યો-સાંસદોએ સુચવેલા કામો 1પ દિમાં પૂરા કરવા પડશે : સરકારની તાકિદ

અધિકારીઓ દાદ દેતા ન હોવાથી સરકાર સફાળી જાગી

Advertisement

ગાંધીનગર તા.9
રાજ્યમાં જનતાના જનપ્રતિનિધિ એવા સાંસદો અને ધારાસભ્યો ના પોતાના મતવિસ્તાર માટે વિવિધ કામો અન્વયે રાજ્ય સરકાર ને લખેલા પત્રો ઉપરાંત મંત્રીઓ અને સંલગ્ન વિભાગીય અધિકારીઓને કરેલી રજૂઆતો ઠેબે ચઢાવવામાં આવે છે .
એટલું જ નહીં નિયત સમય મર્યાદામાં કરેલી રજૂઆત નો જવાબ આપવાની તસ્દી પણ લેવામાં આવતી નથી જોકે આ બાબતનો ભોગ સત્તાપક્ષ અને વિપક્ષ ના ધારાસભ્યો તેમજ સાંસદો છાશવારે બનતા હોય છે. પરિણામે પોતાની હૈયાવરાળ અને બળાપો જાહેરમાં કાઢતા નજરે ચઢતા હોય છે. પરંતુ વારે ઘડીએ બનતી આવી ઘટનાઓની ગંભીર નોંધ પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટીએ લીધી છે .અને નારાજગી વ્યક્ત કરતા ભારત સરકારને પણ ગુજરાત સરકારનું ધ્યાન દોરવા ની ફરજ પડી છે. પરિણામે કેન્દ્રએ ગુજરાત સરકારની આ મુદ્દાને લઈને ઝાટકણી કાઢી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે
પરિણામે સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વિશેષ ઠરાવ પ્રસિધ્ધ કરવો પડે છે .અને જેમાં ઉલ્લેખ કરવામાં આવે છે. કે સાંસદો અને ધારાસભ્યો ના પત્રો નો 15 દિવસની અંદર તેમની રજૂઆતો નો નિકાલ કરવો પડશે. એટલું જ નહીં આ પરિપત્રનો અમલ કરવાની કડક તાકીદ કરવામાં આવી છે.
રાજ્ય સરકારના વહીવટી તંત્રે પ્રસિદ્ધ કરેલા ઠરાવ થી એવી સૂચના આપી છે .કે સાંસદો અને ધારાસભ્યો ના પત્રો મળે થી એક અઠવાડિયામાં તેમના પત્રો ની પહોચ ને વચગાળાના જવાબ તરીકે ગણવામાં નહીં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્યો-સાંસદો દ્વારા મુખ્યમંત્રી વિભાગના મંત્રીઓ સચિવો ને પોતાની રજૂઆત કરતા પત્ર લખતા હોય છે ત્યારે આવા પત્રો ની પહોચ જે તે ધારાસભ્યને પહોંચાડ્યા બાદ જ સંબંધિત વિભાગને મોકલી આપવા ની કાર્યવાહી કરવામાં આવતી હોય છે.
જોકે સરકારે હવે થી તાકીદ કરી છે કે ધારાસભ્યો અને સાંસદો ના પત્ર મળ્યા તારીખથી તેનો જવાબ પંદર દિવસની અંદર જ આપી દેવો પડશે અને જો અનિવાર્ય કારણ હોય તો 15 દિવસમાં વચગાળાનો જવાબ પણ આપવો પડશે .અને ત્યારબાદ મોડામાં મોડા 2 મહિના માં તેમના પત્રનો આખરી જવાબ રજૂ કરવા માટે તાકીદ કરવામાં આવી છે.
જોકે કોઈ કર્મચારી અધિકારી ની બઢતી બદલી માટે ભલામણ કરવામાં આવી હોય ત્યારે તેવા કિસ્સાઓમાં સંબંધિત કર્મચારી અધિકારીઓના ખાનગી અહેવાલમાં તેની નોંધ કરવાની સુચના અમલી કરવા માટે પણ તાકીદ કરવામાં આવી છે એટલું જ નહીં વહીવટીતંત્ર, મેજિસ્ટ્રેટ, કલેક્ટર ,નાયબ કલેક્ટર, સામેની ફરિયાદ હોય તો તેવા કિસ્સાઓમાં પણ તાત્કાલિક કાર્યવાહી કરાય અને તે અંગેનો સર્વગ્રાહી અહેવાલ ભારત સરકારના સંલગ્ન મંત્રાલયને મોકલી આપવા માટેની પણ સુચના આપવામાં આવી છે .
અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે તાજેતરમાં બહાર પાડેલા આ ઠરાવમાં નવું કાંઈ જ નથી વર્ષોથી ધારાસભ્યો અને સાંસદો અને તેની રજૂઆતો નો યોગ્ય નિકાલ કરવાની સૂચનાઓ વહીવટી તંત્રને અપાયેલી છે. પરંતુ રાજ્ય સરકારમાં અધિકારીઓ અને કર્મચારીઓ તેનો ચુસ્તપણે અમલ કરતાજ નથી એટલુ જ નહી આ મુદ્દાને લઈને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ કેટલાક સાંસદોને ધારાસભ્યોએ રજૂઆતો પણ કરી હતી તેમ છતાં મુખ્યમંત્રીના આદેશ બાદ પણ અધિકારીઓ અને કર્મચારીઓ આ વાતને ગંભીરતાથી લેતા ન હતા .પરિણામે જનપ્રતિનિધિ ના પત્રો તરફ યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી. અને તે અંગેનો કોઈ પ્રતિભાવ સાંપડતો નહતો. ત્યારે આ અંગેની કેટલીક ફરિયાદો ભારત સરકારના કર્મચારીગણ લોક ફરિયાદ અને પેન્શન વિભાગ ને પણ કરવામાં આવી હતી .
મનાઈ રહ્યું છે કે સરકારી કાર્યક્રમો દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત ગુજરાત મોડલ ,વિકાસશીલ ગુજરાત ,નયા ગુજરાત જેવા વિશેષણોથી સંબોધન શરૂ કરવામાં આવે છે. પરંતુ ગુજરાતના વહીવટી તંત્ર ની વાસ્તવિકતા અને મંત્રીમંડળમાં બેઠેલા નેતાઓ મંત્રીઓ તેમજ સરકારી બાબુઓ દ્વારા જનપ્રતિનિધિઓ સાથે તેમજ નાગરિકો સાથે થતું ઉદ્ધતાઇ ભર્યુ વર્તન કેવું હોય છે. એ તો સરકાર દ્વારા પ્રસિદ્ધ કરેલા ઠરાવથીજ વ્યક્ત થાય છે.


Advertisement