જયંતીભાઇને ધમકીઓ મળતી હતી : રેન્જ આઇજીને પણ અરજી કર્યાનો ધડાકો

09 January 2019 12:22 PM
Morbi Gujarat
  • જયંતીભાઇને ધમકીઓ મળતી હતી : રેન્જ આઇજીને પણ અરજી કર્યાનો ધડાકો
  • જયંતીભાઇને ધમકીઓ મળતી હતી : રેન્જ આઇજીને પણ અરજી કર્યાનો ધડાકો
  • જયંતીભાઇને ધમકીઓ મળતી હતી : રેન્જ આઇજીને પણ અરજી કર્યાનો ધડાકો

ચાલુ ટ્રેનમાં પૂર્વ ધારાસભ્યની હત્યા પ્રીપ્લાન્ડ : મહિલા સહિત પાંચ સામે ગુનો નોંધાયો ; 20 દિવસ પહેલા ચાલુ કારે ફોન આવ્યો હતો : કોંગ્રેસમાંથી આવેલા છબીલ પટેલ ચૂંટણી હારી જતા ‘દાઝ’ હતી : કુટુંબના ખુલ્લા આક્ષેપો

Advertisement

(હિમાંશુ ભટ્ટ) મોરબી તા.9
કચ્છ જીલ્લાના ભુજથી સોમવારની રાતે અમદાવાદ તરફ જતા અબડાસા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઇ ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં ગોળીઓ ધરબીને હત્યા કરી નાખવામાં આવી હતી જેથી ગુજરાતના રાજકારણમાં ફરી પાછો ગરમાવો આવી ગયો છે. ખાસ કરીને જયંતીભાઈના ભાઈ તેમજ પત્નીએ અબડાસાના પૂર્વ ધારસભ્ય અને થોડા સમય પહેલા જ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ છબીલભાઈ પટેલે જ જયંતીભાઈની હત્યા કરાવી છે તેવો સનસની ખેજ આક્ષેપ કર્યો છે જેથી ગુજરાતમાં ચકચાર મચી ગઈ છે. ગઈકાલે જયંતીભાઈના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે અમદાવાદ સિવિલ ખાતે લઇ જવામાં આવ્યો હતો અને આ કેસની તપાસ માટે તાત્કાલિક સીટની રચન કરીને ગુનો પણ નોંધી લેવામાં આવ્યો છે જો કે, મહત્વની વાત એ છે કે, જયંતીભાઈને અવારનવાર જાનથી મારી નાખવાની ધમકી મળતી તેવું તેની સાથે છેલ્લા 12 વર્ષથી રહેતા ડ્રાઈવરે જણાવ્યું છે અને જયંતીભાઈ કાર નહિ પરંતુ ટ્રેનમાં જ વધુ મુસાફરી કરતા હોવાથી હત્યારાએ પુરેપુરી રેકી કરીને પ્રેઈપ્લન મર્ડરની આ ઘટનાને અંજામ આપ્યો છે તેવો આક્ષેપ પણ જયંતીભાઈના પરિવારે કર્યો હતો.
હાલમાં અમદાવાદ ખાતે રહેતા અને કચ્છ જીલ્લાની અબડાસા બેઠકના પૂર્વ ધારાસભ્ય જયંતીભાઈ ભાનુશાળી વિદ્યાર્થીઓને એક કાર્યક્રમમાં તેમજ ગૌ સેવાના કાર્યક્રમમાં હાજરી આપવા માટે ભુજ ગયા હતા. સોમવારની રાત્રીના દસેક વાગ્યે તે ભુજથી સયાજી એક્સપ્રેસ ટ્રેનમાં એસી કોચમાં અમદાવાદ તરફ જઈ રહ્યા હતા અને ત્યાર પહેલા તેમણે તેની પત્ની મધુબેન સાથે પણ ફોનમાં વાત કરી હતી. આ ટ્રેન ગાંધીધામની આસપાસમાં હશે તેવા સમયે જ જયંતીભાઈની ચાલુ ટ્રેનમાં ગોળીઓ ધરબીને હત્યા કરી નાખવામાં આવી હતી જો કે તે જ કોચમાં મુસાફરી કરી રહેલા અન્ય મુસાફરે ટીટીને આ અંગેની જાણ કરી હતી જેથી રાત્રે 2 વાગ્યાની આસપાસ મોરબી જીલ્લાના માળિયા રેલ્વે સ્ટેશન ખાતે સયાજી ટ્રેનને રોકવામાં આવી હતી રેલને પોલીસ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા પંચનામું કાર્ય બાદ સવારે ચાર વાગ્યે લાશને ટ્રેનમાંથી નીચે ઉતારી લઈને ટ્રેનને આગળ રવાના કરવામાં આવી હતી અને આ બનાવ અંગે મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવતા તેના પત્ની મધુબેન, ભાઈ શંભુભાઈ ભાનુશાળી સહિતના પરિવારજનો તાત્કાલિક અમદાવાદથી માળિયા સિવિલે આવી ગયા હતા અને તે સમયે મૃતકના ભાઈએ છબીલભાઈ પટેલ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા.
શંભુભાઈ ભાનુશાળીએ એવું જણાવ્યું હતું કે, કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં આવેલા છબીલભાઈ પટેલને ભાજપમાંથી અબડાસા બેઠકની ટીકીટ મળી હતી છતાં પણ તે હારી ગયા હતા જેથી તેની હાર માટે તે પહેલાથી જ જયંતીભાઈને દોષિત ગણાવતા હતા અને અવારનવાર જુદાજુદા માધ્યમથી જયંતીભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ મળતી હતી ઘણી વખત ફોન ઉપર પણ ધમકી મળતી હતી એટલે જ તો ગત સાત તારીખે રેન્જ આઇજીને જયંતીભાઈએ લેખિત અરજી આપી હતી જેમાં તેમણે છબીલભાઈ તરફથી તેને ખતરો છે તેવી દહેશત પણ વ્યક્ત કરી હતી જો કે, પોલીસે તેને ગંભીરતાથી લીધેલ ન હોવાથી આ હત્યાનો બનાવ બન્યો છે તેવું તેના પરિવારનું કહેવાનું થાય છે. મૃતકના પત્ની તો છબીલભાઈને જ તેના પતિના હત્યારા છે તેવું ગઈકાલે જાહેરમાં કહેતા હતા.
જેની ચાલુ ટ્રેનમાં ગોળીઓ ધરબીને નિર્મમ હત્યા કરવામાં આવી તે જયંતીભાઈ ભાનુશાળીના ડ્રાઈવર વિનોદ ઠાકોર સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી જયંતીભાઈને મોબાઈલ ફોન ઉપર જુદ્જુદા નંબરો ઉપરથી જાનથી મારી નાખવાની ધમકી મળતી હતી છેલ્લે લગભગ 15 થી 20 દિવસ પહેલા જ તે કારમાં બેઠા હતા ત્યારે જ તેને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી વધુમાં પરિવારજનોએ જણાવ્યું હતું કે, તે કચ્છ બાજુ જવાના હોય કે પછી લાંબી મુસાફરીમાં જવું હોય તો કાર નહિ પરંતુ ટ્રેનની મુસાફરી કરે છે તે હત્યારા સારી રીતે જાણતા હોય અને આ હત્યાના બનાવને અંજામ આપતા પહેલા પુરેપુરી રેકી કરવામાં આવી હોય તેવી પણ આશંકા વ્યક્ત કરી છે.
એસ.પી.વાઘેલા
મોરબી જીલ્લાના એસપી ડો.કરનરાજ વાઘેલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, જયંતીભાઈને મોઢાના ભાગે તેમજ છાતીના ભાગમાં એમ કુલ મળીને બે ગોળી મારવામાં આવી છે જેના કારણે તેનું મોત નીપજ્યું છે જો કે, કઈ પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે કેટલા ફાયરીંગ કરવામાં આવ્યા હતા તે બધી વિગતો તપાસનો વિષય છે પરંતુ હાલમાં જે કોચમાંથી જયંતીભાઈની લાશ મળી છે તે કોચમાંથી એક લાઈવ કાર્ટીસ અને ખાલી મેગ્જીન મળી આવ્યા છે અને જયંતીભાઈની લાયસન્સ વાળી પિસ્તોલ તેની બેગમાંથી મળી આવી છે જેથી પોલીસ દ્વારા તેને કબજે લેવામાં આવલે છે અને પરિવારજનોની ઈચ્છા મુજબ જયંતીભાઈના મૃતદેહનું પીએમ કરવા માટે લાશને અમદાવાદ સિવિલ ખાતે મોકલી આપવામાં આવેલ છે અને રેલવે પોલીસની હદમાં ગુનો બન્યો હોવાથી રેલ્વે પોલીસ, સ્થાનિક પોલીસ સહિતની સીટની રચના કરવામાં આવી છે અને આરોપી સુધી પહોચવા માટે હાલમાં જુદીજુદી દિશામાં તપાસ શરુ કરવામાં આવી છે.
આરપીએફ એસપી
રાજકોટ આરપીએફના એસપી ભાવનાબેન પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, સોમવારે રાતે કંટ્રોલ મારફતે જાણ થઇ હતી કે, પૂર્વ ધારાસભ્યની ચાલુ ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે જેથી રેલ્વે પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને ભુજથી રવાના થયેલ ટ્રેનને ગાંધીધામ ખાતે રોકવા માટે તાત્કાલિક ફોન કરવામાં આવ્યા હતા જો કે, જ્યાં સુધી ગાંધીધામ રેલ્વે પોલીસને મેસેજ મળ્યો ત્યાં સુધીમાં સયાજી એક્સ્પ્રેસ ટ્રેન ત્યાંથી નીકળી ગઈ હોવાથી આ ટ્રેનને મોરબી જીલ્લામાં આવતા માળિયા રેલ્વે સ્ટેશન ખાતે રોકવાનો આદેશ કરવામાં આવ્યો હતો જેથી ત્યાં ટ્રેનને રોકીને રેલ્વે પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઘટનાને અંજામ આપીને નાશી છુટેલા આરોપીઓ કયાંથી ટ્રેનમાં ચડ્યા હતા અને કઈ જગ્યાએ ઉતરી ગયા છે તે સહિતની જુદીજુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
ગુનો
પૂર્વ ધારાસભ્યની હત્યા ભાજપના જ અબડાસા બેઠક ઉપરથી છેલ્લે વિધાનસભાની ચુંટણી લડેલા છબીલભાઈ પટેલ દ્વારા કરાવવામાં આવી છે તેવો આક્ષેપ મૃતકની પત્ની, ભાઈ અને પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો અને એક મહિલા સહીત કુલ મળીને પાંચ શખ્સોની સામે હત્યાનો ગુનો પણ નોંધી લેવામાં આવ્યો છે ત્યારે આગામી દિવસોમાં આ કેસમાં કેટલાક ચોકાવનારા ખુલાશા થાય તો નવાઈ નહિ.


Advertisement