કોંગ્રેસના રાજમાં ગરીબોની યોજનામાં વચેટીયા હતા અમે ગરીબોના ઉત્થાન માટે વચેટીયાને નાબુદ કર્યા: રૂપાણી

04 January 2019 01:57 PM
Porbandar
  • કોંગ્રેસના રાજમાં ગરીબોની યોજનામાં વચેટીયા હતા અમે ગરીબોના ઉત્થાન માટે વચેટીયાને નાબુદ કર્યા: રૂપાણી

પોરબંદરમાં 3414 લાભાર્થીઓને રૂ.1.61 કરોડની સહાયનુ વિતરણ

Advertisement

પોરબંદર તા.4
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્ય વ્યાપી ગરીબ કલ્યાણ મેળાનો ગાંધી જન્મ ભૂમિ પોરબંદરથી પ્રારંભ કરાવતા જાહેર કર્યુ કે, ગરીબો-દરીદ્ર નારાયણોની આર્થિક ઉન્નતિ અને કલ્યાણ માટે આ સરકાર સદૈવ સંકલ્પ બદ્ધ છે અને રહેવાની છે.
આ સંદર્ભમાં તેમણે મહાત્માગાંધીના અંત્યોદય-દરીદ્ર નારાયણના વિકાસથી જ સાચુ સ્વરાજ્ય અને સુરાજ્ય સ્થાપી શકાય તેવી નેમને સાકાર કરવાની દિશા આ સરકારે ગરીબ કલ્યાણ મેળાના સેવા યજ્ઞથી બતાવી છે એમ સ્પષ્ટપણે જણાવ્યું હતુ.
શ્રી વિજયભાઇ રૂપાણીએ આ વર્ષના ગરીબ કલ્યાણ મેળામાં નવતર અભિગમ અપનાવીને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસના કનેકસન મેળવેલી 2 લાખ જેટલી બહેનોને સ્ટેઇનલેસ સ્ટીલના 5 લીટરના પ્રેશર કૂકર આપીને સમયની બચત અને પૌષ્ટિક ખોરાક રાંધવાની તક આપી છે તેમ પણ જાહેર કર્યુ હતુ.
મુખ્યમંત્રીએ અંત્યોદય દરીદ્ર નારાયણના ઉત્થાન માટે સદૈવ પ્રતિબદ્ધ રાષ્ટ્રપિતા મહાત્માગાંધીની જન્મ ભૂમિ પરોબંદરના આંગણે આ મેળા અંતર્ગત 3414 લાભાર્થીઓને રૂ.1.61 કરોડની સહાય અર્પણ કરી હતી. વર્ષ દરમિયાન કુલ 15,467 લાભાર્થીઓને રૂ.11.12 કરોડની સહાય ગરીબ કલ્યાણ પૂર્વે વિતરણ થઇ ગઇ છે.
ગત વર્ષે યોજાયેલી ગરીબ કલ્યાણમેળાની 10મી કડીમાં આ જિલ્લાના ગરીબ વંચિત દરીદ્ર નારાયણોને કુલ 7 કરોડ 96 લાખની સહાય રાજ્ય સરકારે આપી હતી.
તેમણે સ્પષ્ટ કહ્યુ કે, ગુજરાતની આ સરકાર ગરીબોને તેમના હક્કનું આપી રહી છે કોઇ દાન કરતી નથી. આ સરકાર ગરીબોની આંગળી પકડી તેમને વિકાસની તક આપવા સરકાર કાર્યરત છે. કોઇ ઉપકાર ભાવ કરનારી નથી.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં દરીદ્ર નારાયણના કલ્યાણના આ સેવા યજ્ઞનો વિરોધ કરી રહેલી કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યુ કે, ભૂતકાળમાં ગરીબી હટાવોના માત્ર નારા તેમણે આપેલા પણ ગરીબ બાપડો બીચાડો ઠેરનોઠેર રહ્યો.
ભારતીય જનતા પાર્ટીએ સૌના સાથ સૌના વિકાસના મંત્ર સાથે સંપૂર્ણ પારદર્શિતા અને ભ્રષ્ટાચાર રહિત સુશાસનથી ગરીબી નાબુદી સાથે ગરીબ કલ્યાણમેળાના માધ્યમથી ગરીબોના સશક્તિકરણનો માર્ગ બતાવ્યો છે. તેમણે કહ્યુ કે, ગરીબ કલ્યાણમેળા વચેટીયા નાબુદી મેળા બન્યા છે અને કોંગ્રેસના શાસનમાં ફુલેલા ભ્રષ્ટાચારને નાથીને અમે ગરીબના હાથમાં સીધા જ નાણા-લાભ આપીએ છીએ.


Advertisement