જસદણની બેઠક પર સૌ પ્રથમ 196રની ચૂંટણીમાં કોંગ્રેસને વિજય: રૂા.3માં સાયકલ ભાડે રાખી પ્રચાર-પ્રસાર થયો હતો

17 December 2018 01:12 PM
Jasdan Gujarat
  • જસદણની બેઠક પર સૌ પ્રથમ 196રની ચૂંટણીમાં કોંગ્રેસને વિજય: રૂા.3માં સાયકલ ભાડે રાખી પ્રચાર-પ્રસાર થયો હતો

ચૂંટણીમાં ઉમેદવાર દીઠ મત પેટીઓ હતી: સફેદ કપડા પર ગતીથી પેઇન્ટીંગ કરી પોસ્ટરો તૈયાર થતા હતા: બેલેટ પેપરમાં ઉમેદવાર નામ પર બોલપેનથી ચોકડી મત પડતા: રૂા.10 થી 1પ હજારના ખર્ચે ઉમેદવારો ચૂંટણી જીતતા હતા: દેશી ભુંગળામાં પ્રચાર-પ્રસાર જેવી બાબતો આજની યુવા પેઢી માટે આશ્ર્વયજનક: એક હજાર સ્લીપ લખવા રૂા.10નું વેતન મળતું હતું

Advertisement

(ધર્મેશ કલ્યાણી) જસદણ તા.17
મહારાષ્ટ્રમાંથી ગુજરાત રાજ્ય અલગ બન્યા બાદ સૌપ્રથમ 1962માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં જસદણ બેઠકની ચુંટણી નો પણ સમાવેશ થાય છે. વર્ષ 1962માં યોજાયેલી વિધાનસભાની જસદણ બેઠકની ચૂંટણીમાં અંદાજે 45000 જેટલા મતદારો હતા. જેમાં કોંગ્રેસના વિજેતા ઉમેદવાર વસંતપ્રભા જયસુખલાલ શાહને 11186 મત મળ્યા હતા.
જ્યારે તેના હરીફ ઉમેદવાર પ્રજાસત્તાક પાર્ટીના ઉમેદવાર ગેલાભાઈ કરશનભાઇ છાયાણી ને 6504 મત મળતા કોંગ્રેસના વસંતપ્રભા શાહનો 4682 મતે વિજય થયો હતો. એ સમયે કુલ ચાર ઉમેદવારો હતા અને 40.79 ટકા મતદાન નોંધાયું હતું.
અંદાજે 56 વર્ષ પહેલા યોજાયેલી આ ચૂંટણીની રસપ્રદ હકીકતો વર્ણવતા જસદણના 86 વર્ષના વણિક એડવોકેટ રતિભાઈ સુખલાલભાઈ અંબાણીએ જણાવ્યું હતું કે એ સમયની ચૂંટણીમાં મત કુટીરની અંદર જેટલા ઉમેદવાર હોય તેટલી સંખ્યામાં મતપેટી રાખવામાં આવતી હતી અને દરેક મતપેટી ઉપર ઉમેદવારનું નામ લખવામાં આવતું હતું જે ઉમેદવારને મત આપ્યો હોય તેના નામની મતપેટીમાં જ બેલેટ પેપર નાખવામાં આવતું હતું. બેલેટ પેપર ઉપર પસંદગીના ઉમેદવારના નામ ઉપર બોલપેન થી ચોકડી મારી ને મત આપવામાં આવતો હતો. ગામડાઓમાં ઘોડા અને સાયકલ લઈને ઉમેદવારના અને પક્ષના કાર્યકરો પ્રચાર માટે જતા હતા એ સમયે મોબાઈલ, લેન્ડલાઈન, ગાડી, મોટરસાયકલ, કોમ્પ્યુટર સહિતની કોઈ જ સુવિધાઓ ન હતી પરંતુ કાર્યકરો મોટા કાગળમાં ઉમેદવારના પ્રચારનું લખાણ જુદા-જુદા કલરની બોલપેનથી લખીને દીવાલો ઉપર લગાવતા હતા. જ્ઞાતિવાદ હતો નહીં. કોઈપણ કાર્યકરો કે સરપંચ ને ચૂંટણી સમયે એક પણ રૂપિયો આપવાની પ્રથા ન હતી. યુવાનો તેમને નોકરી મળી જાય તેવી આશાએ જે તે ઉમેદવારને જીતાડવા માટે એક પણ રૂપિયો લીધા વગર સેવાની ભાવનાથી પ્રચાર કરતા હતા. સફેદ કપડા ઉપર ગળી વડે પ્રચારનું લખાણ તૈયાર કરી બેનરો લગાડવામાં આવતા હતા.
એ સમયે ભણતરનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાથી લોકો પછાત અને અશિક્ષિત હતા અને ગામમાં વકીલો અને ડોકટરો જે ઉમેદવારના નામની સમાજમાં ભલામણ કરે તેને નાગરિકો જીતાડતા હતા. અંદાજે 10,000 થી 15,000 રૂપિયાના ખર્ચમાં જ સમગ્ર ચૂંટણી જીતી જવાતી હતી. એ સમયે ત્રણ રૂપિયામાં આખો દિવસ સાઈકલ ભાડે મળતી હતી અને પ્રચાર કરવા માટે જે લોકો જાય તેને ઉમેદવાર તરફથી દિવસ દીઠ ત્રણ રૂપિયાનું સાયકલ ભાડું જ મળતું હતું. અન્ય કોઈ રકમ મળતી નહી. ત્યારના જમાનામાં કોમ્પ્યુટર નહીં હોવાથી દરેક મતદારોને ઘરે આપવામાં આવતી મતદાનની સ્લિપ યુવા વર્ગ પાસે ઉમેદવારો લખાવતા હતા અને યુવાનોને એક હજાર સ્લીપ લખવાના દસ રૂપિયા મળતા હતા. ત્યારે સંયુક્ત પરિવારની પ્રથા હોવાથી દરેક પરિવારમાં સાતથી આઠ લોકો હતા. સમગ્ર પરિવાર આવી સ્લીપ લખવાની કામગીરી કરી અને રોજગારી મેળવતો હતો. સ્લીપ લખવાના પાંચ રૂપિયા મળતા હોવાથી યુવાનો તેમજ સામાન્ય પરિવારના લોકો ચૂંટણીની રાહ જોઈને બેસતા હતા અને ચૂંટણી આવે એટલે રાજી થઇ જતા હતા.
દોઢસો રૂપિયા આસપાસ સાઈકલ વેચાતી મળતી હોવાથી કેટલાક પરિવારના લોકો સ્લીપની એકત્ર થયેલી રકમના મહેનતાણામાં થી સાઇકલ વેચાતી લેતા હતા અને મર્સીડીસ ગાડી છોડવી લાવ્યા જેટલો આનંદ મેળવતા હતા. ચુંટણીની સભા માટે ભવ્ય મંડપ, સોફા,ખુરશી સાઉન્ડ સિસ્ટમ કંઈ જ ન હતું પરંતુ વણિક પરિવારના સુખી લોકોના ઘરેથી બાકડા લાવીને તેના ઉપર બેસીને જસદણના જાહેર ચોકમાં પ્રચાર માટેની સભા રાખવામાં આવતી હતી. ગામડાઓમાં આઠ-દસ બળદગાડા એકસાથે શણગારીને ઉમેદવારો તેમજ કાર્યકરો પ્રચાર માટે જતા હતા કાર્યાલય કે હોટલમાં જમવાની વ્યવસ્થા ન હતી. પરંતુ કાર્યકરો ગામડામાં સગાસંબંધીને ત્યાં કે તેમના પક્ષના કાર્યકરોને ત્યાં જમવાનું રાખતા હતા અને ત્યાં જ રાતવાસો કરતા હતા. આક્ષેપબાજી નુ રાજકારણ હતું નહીં પરંતુ ઉમેદવારોમાં કાર્યકરોમાં અને તમામ મતદારોમાં તમામ લોકોમાં નીતિમત્તા, પ્રામાણિકતા અને સિદ્ધાંતો હતા. આક્ષેપબાજી કે કાદવ ઉછાળવાનું રાજકારણ હતું નહીં પરંતુ તંદુરસ્ત હરીફાઈ હતી. કાર્યકરો પણ નિષ્ઠાથી કામ કરતા હતા. એ સમયે કોંગ્રેસ પક્ષનો જમાનો હતો. જ્યારે અન્ય પક્ષો પણ હતા ત્યારે પક્ષના નામે જ પ્રચાર થતો હતો અને પક્ષના નામે જ ચૂંટણીઓ લડાતી હતી. સાઉન્ડ સિસ્ટમ કે ડીજે હતા નહીં પરંતુ દેશી ભૂંગળું લઈને પ્રચાર કરવામાં આવતો હતો. મહિલાઓનું મતદાન ખૂબ જ ઓછું રહેતું હતું લોકો ચાલીને મતદાન કરવા જતા હતા. જસદણ માં બે ગાડી હતી જેઓ ભાડે આપતા હતા. ઉમેદવાર કોઈ કોઈ વાર એમ્બેસેડર કે ફિયાટ ગાડી ભાડે કરીને પ્રચારમાં જતા જ્યારે કાર્યકરો સાઇકલ લઇ ને પ્રચારમાં જતા હતા. જસદણ રાજવી પરિવાર પાસે દરબાર ગઢમાં ગાડી હતી. રાજવી પરિવાર સક્ષમ ઉમેદવારને વિનામૂલ્યે ચૂંટણી સમયે પ્રચાર માટે ગાડી વાપરવા આપવાની મદદ કરતા હતા.

જસદણ પેટા ચુટણી માટે વહીવટી તંત્રની પુરજોશમાં તૈયારી
વિધાનસભા પેટા ચૂંટણીનુ આગામી તા. 20 ડિસેમ્બરના રોજ મતદાન તથા તા. 23 ડિસેમ્બરના રોજ મત ગણતરી કરવામાં આવનાર છે જેના ભાગ રૂપે ચૂંટણીપંચ દ્વારા જસદણ ખાતે મોડેલ સ્કુલ, કમળાપુર રોડ, જીલેશ્વર પાર્ક પાસે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.અહીં ઈ.વી.એમ સહિતના ચૂંટણી સાહિત્યનું રીસીવીંગ તથા ડિસ્પેચિંગ સેન્ટર કરવામા આવ્યુ છે. તેમજ મતદાન બાદ ઇ.વી.એમ મશીનોને સાચવવા માટેના સ્ટ્રોંગ રૂમ પણ અહીં બનાવવામાં આવ્યા છે જેની સુરક્ષા માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તા.23મીના રોજ આજ સ્થળે યોજાનાર મત ગણતરીના અન્વયે મતગણત્રી સેન્ટરને સાધનીક રીતે સજ્જ કરવા સાથે અહીં મિડીયા સેન્ટર પણ તૈયાર કરવામાં આવનાર છે. જેના દ્વારા મતગણતરીની માહિતી પ્રિન્ટ ઈલેકટ્રોનિક સહિતના માધ્યમોને આપવામાં આવશે.
તા. 20મીના રોજ યોજાનાર ચુંટણી નિર્ભય અને ન્યાયીક તથા મુકત વાતાવરણમાં યોજાય તે અન્વયે ચુંટણી પંચ દ્વારા સધન આયોજન થયેલ છે. મતદારોમાં નિર્ભયતાનું વાતારવરણ જળવાઇ તે માટે જસદણ ખાતે અર્ધ લશ્કરી દળ બી.એસ.એફના જવાનો તથા પોલીસના જવાનો દ્વારા શહેરના વિવિધ માર્ગો પર ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. જેમાં બી.એસ.એફના જવાનો તથા પોલીસ જવાનો મળીને કુલ 125 જેટલા જવાનો આ ફ્લેગ માર્ચમાં સામેલ થયા હતા.


Advertisement