સૌરાષ્ટ્ર યુનિ.ના અધ્યાપકો-કર્મચારીઓ માટે ‘ડ્રેસકોડ’ લાવવા પ્રસ્તાવ

06 December 2018 06:25 PM
Rajkot Gujarat
  • સૌરાષ્ટ્ર યુનિ.ના અધ્યાપકો-કર્મચારીઓ માટે ‘ડ્રેસકોડ’ લાવવા પ્રસ્તાવ

રાત્રી કોલેજ શરૂ કરવા સરકારને ભલામણ કરવા પણ રજૂઆત: શનિવારે યોજાનાર સેનેટ સભા માટે સેનેટ મેમ્બર ડો. પ્રિયવદન કોરાટ, ડો. ધરમ કાંબલીયા અને લીલાભાઈ કડછા દ્વારા પ્રસ્તાવ રજૂ કરાયા

Advertisement

રાજકોટ તા.6
સૌરાષ્ટ્ર યુનિ.નો 53મો પદવીદાન સમારોહ અને સેનેટની વાર્ષિક સભા આગામી તા.8ને શનિવારે આયોજિત કરવામાં આવી છે.
યુનિ.ની યોજાનારી આ સેનેટ સભામાં સેનેટ મેમ્બરો સર્વશ્રી ડો. પ્રિયદન કોરાટ, ડો. ધરમ કાંબલીયા તથા ડો. લીલાભાઈ દ્વારા પ્રસ્તાવો રજૂ કરવામાં આવેલ છે.
જેમાં શિક્ષણના હિતમાં દરેક જિલ્લા મથકો પર સ્થાનક કક્ષાની રાત્રી કોલેજો શરૂ કરવા માટે રાજય સરકારને ભલામણ કરવા માંગણી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિ. સંલગ્ન કોલેજો સૌરાષ્ટ્ર તેમજ સૌરાષ્ટ્રની બહારના વિસ્તારોમાં પણ ચાલી રહી છે.
જેમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટયુટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ મુંબઈ, સરકારી કોલેજ દિવ, વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટીટયુટ ઓફ ફોરેસ્ટ દહેરાદૂન- ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન ડીપાર્ટમેન્ટ ગાંધીનગર, ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ ભોપાલ અને સલીમ અલી સેન્ટ ફોર ઓનીયોલોજી એન્ડ નેચરલ હિસ્ટ્રી કોઈમ્બતુરનો સમાવેશ થાય છે. આ સંજોગોમાં જો રાત્રી કોલેજો શરૂ કરવામાં આવે તો વિદ્યાર્થીઓની સુવિધામાં વધારો થાય તેમ છે. રાત્રી કોલેજો હાલ ગુજરાતમાં ચલાવતી ન હોય શ્રમજીવીઓ અને ધંધો રોજગાર કરતા લોકો જવાબદારીના કારણે અભ્યાસમાં જોડાઈ શકતા નથી જયારે મહારાષ્ટ્રમાં મુંબઈ યુનિ. દ્વારા રાત્રી કોલેજો ચલાવવામાં આવે છે. આ પેટર્નથી ગુજરાતમાં પણ રાત્રી કોલેજો શરૂ કરવા તેઓએ માંગ ઉઠાવી છે.
આ ઉપરાંત સેનેટ મેમ્બર ડો. ધરમભાઈ કાંબલીયા દ્વારા પણ પ્રસ્તાવ રજૂ કરાયેલ છે જેમાં તેઓએ જણાવેલ છે કે યુનિ.ના શૈક્ષણિક કર્મચારીઓ, આસી. પ્રોફેસરો, એસો. પ્રોફેસર અને પ્રોફેસર માટે યુનિફોર્મની જોગવાઈ અમલમાં મૂકવા અને તેનો ખર્ચ યુનિ.ના ફંડમાંથી ચૂકવવાની જોગવાઈ કરવા જણાવેલ છે.
જયારે સેનેટ મેમ્બર ડો. લીલાભાઈ કડછા દ્વારા રજિસ્ટ્રાર અને પરીક્ષા નિયામકની જગ્યાની અરજીઓના સંદર્ભે પૂછાયેલા એક પ્રશ્ર્નના જવાબમાં યુનિ. દ્વારા જણાવાયેલ છે કે રજિસ્ટ્રારની જગ્યા માટે 17 અને પરીક્ષા નિયામકની જગ્યા માટે 38 અરજીઓ આવેલ છે. અહીં એ ઉલ્લેખનીય છે કે યુનિ. દ્વારા આટલી અરજીઓ આવ્યા પછી પણ આ જગ્યાઓ હજૂ ભરવામાં આવી નથી.


Advertisement