ધારાસભા ચૂંટણીઓમાં રાજકોટમાંથી 300 કરોડનો સટ્ટો

06 December 2018 06:11 PM
Rajkot Gujarat
  • ધારાસભા ચૂંટણીઓમાં રાજકોટમાંથી 300 કરોડનો સટ્ટો

બુકીઓના મતે રાજસ્થાન-મધ્યપ્રદેશમાં કોંગ્રેસનો હાથ ઉપર, છતીસગઢમાં કાંટે કી ટકકર રહેવાનો અંદાજ

Advertisement

રાજકોટ તા.6
રાજસ્થાન અને તેલંગણામાં આવતીકાલે મતદાન થવા સાથે પાંચ રાજયોમાં વિધાનસભાની ચૂંટણી પુરી થવાની છે ત્યારે સટ્ટાબજારમાં જંગી માત્રામાં દાવ લાગી રહ્યા છે. બુકીઓના મતે રાજસ્થાન તથા મધ્યપ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસને બહુમતી બેઠકો મળશે જયારે છતીસગઢમાં કાંટે કી ટકકરનો ઘાટ છે.
બુકીબજારના સૂત્રોએ કહ્યું કે દેશભરની જેમ રાજકોટમાં પણ જંગી સટ્ટો લાગ્યો છે. રાજકોટમાં 200થી300 કરોડના ચૂંટણી દાવ લાગ્યા હોવાનો અંદાજ દર્શાવવામાં આવી રહ્યો છે.
દેશના પાંચ રાજયોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે તેમાં મધ્યપ્રદેશ, મિઝોરમ તથા છતીસગઢમાં મતદાન અગાઉ જ પૂર્ણ થઈ ગયુ હતું. જયારે રાજસ્થાન અને તેલંગાણામાં આવતીકાલે મતદાન યોજવાનું છે. ચારેય રાજયોની ચૂંટણીના પરિણામો આગામી 11મીએ જાહેર થવાના છે તે પુર્વે બુકીબજારમાં ધમધમાટ વધી ગયો છે અને જંગી માત્રામાં દાવ લાગવા માંડયા છે.
બુકીઓના કહેવા પ્રમાણે રાજસ્થાનમાં વિધાનસભાની 200 બેઠકો છે તેમાંથી કોંગ્રેસને 125 થી127 તથા ભાજપને 58થી60 બેઠકો મળવાના ભાવ બોલાય છે.
મધ્યપ્રદેશમાં 230 બેઠકો છે તેમાંથી કોંગ્રેસને 119 થી 121 અને ભાજપને 95થી97 બેઠકો મળવાના ભાવ બોલાય છે.
છતીસગઢમાં 90 વિધાનસભા બેઠકો છે. બુકીબજારમાં કાંટે કી ટકકર હોવાનું જણાય છે. ભાજપને 41થી43 અને કોંગ્રેસને 42થી44 બેઠકો મળવાનો ભાવ બોલાય છે. આ રાજયમાં બન્ને પક્ષો વચ્ચે એકાદ-બે સીટનુ જ અંતર રહેવાનો બુકીઓનો મત છે.
તેલંગણામાં વિધાનસભાની 119 બેઠકો છે. બુકી બજારમાં માત્ર ટીઆરએસના જ ભાવ બોલાય છે અને આ પાર્ટીને 56થી58 બેઠકો મળવાનો અંદાજ મુકાય છે.
બુકીઓના કહેવા પ્રમાણે ક્રિકેટ હોય કે ચૂંટણી, હવે લગભગ તમામ સટ્ટા ઓનલાઈન થઈ ગયા છે. દુનિયાના કોઈપણ છેડેથી દાવ લાગી શકે છે. મોટાભાગના પંટરો ઓનલાઈન જ રમે છે. રાજકોટમાંથી જ વિધાનસભા ચૂંટણીઓ પર 200થી300 કરોડનો સટ્ટો રમાયાનો અંદાજ છે. સટ્ટો રમવાની આદત ધરાવતા હોવા ઉપરાંત રાજકીય આગેવાનો તથા રાજકારરમાં રસ લેનારાઓ મોટાપાયે દાવ લગાવતા હોય છે.

રાજય કોંગ્રેસને ભાજપને
સંભવિત બેઠક સંભવિત બેઠક
રાજસ્થાન 125-127 58-60
મધ્યપ્રદેશ 119-121 95-97
છતીસગઢ 42-44 41-43


Advertisement