એડીલેડ તા.6
આજથી ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે અહી પ્રારંભ થયેલા પ્રથમ ટેસ્ટ મેચમાં પ્રથમ દિવસે ભારતે ચેતેશ્ર્વર પુજારાની ટેસ્ટ ક્રિકેટમાં 16મી સદી સાથે 9 વિકેટે 250 રન નોંધાવ્યા છે. ભારતે આજે ટોસ જીતીને દાવ લેવાનું પસંદ કર્યુ હતું. પરંતુ તેનો પ્રારંભ નબળો રહ્યો હતો. ઓપનર કે.એલ.રાહુલ 2 રને અને મુરલી વિજય 11 રને તથા કેપ્ટન કોહલી 3 રને આઉટ થઈ ગયા હતા. જેના કારણે ભારત માટે મુશ્કેલ સ્થિતિ આવી ગઈ હતી. પરંતુ સૌરાષ્ટ્રના બેટસમેન ચેતેશ્ર્વર પુજારાએ એક છેડો સાચવી રાખ્યો હતો અને 246 દડામાં 7 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 123 રન નોંધાવીને ભારતને પૂર્ણ ધબડકામાંથી બચાવ્યું હતું. તેને એક તબકકે રોહીત શર્માનો સાથ મળતો હોય તેવું જણાયું હતું. મીડલ ઓર્ડરમાં બેટીંગ કરવા આવેલા શર્માએ 61 દડામાં 37 રન બનાવ્યા હતા. પરંતુ તેના ગયા બાદ આર.અશ્ર્વિન 25, ઋષભ પંત 25 સાથે આઉટ થયા. ચેતેશ્ર્વરે પોતાની 16મી સદી નોંધાવી હતી અને તે પ્રથમ દાવમાં ભારતનો તારણહાર સાબીત થયો હતો. પુજારાએ ઓસ્ટ્રેલિયા સામે ઓસ્ટ્રેલિયામાં પ્રથમ સદી નોંધાવી છે. જયારે આ ટીમ સામે તેની ત્રીજી સદી હતી અને તેણે ટેસ્ટ ક્રિકેટમાં 5000 રન પણ પુરા કર્યા છે. આજની ઈનીંગમાં એકમાત્ર પુજારા જ ઓસ્ટ્રેલિયાના બોલરો સામે જીવતદાન વચ્ચે પણ સારી રીતે રમી શકયો હતો.
ચેતેશ્ર્વર પુજારાએ રાહુલ સાથે રીધમ જાળવી ટેસ્ટ ક્રિકેટમાં 5000 રન પુરા કર્યા
ટેસ્ટ ક્રિકેટમાં 3000-4000 તથા 5000 રન પુરા કરવામાં રાહુલ જેટલી જ ઈનિંગ રમી: આ માર્ક વટાવનાર ભારતનો 12મો ખેલાડી બન્યો
રસપ્રદ બાબત એ છે કે પુજારા અને રાહુલ દ્રવિડ કે જે બંને એક સમાન ટીમ ઈન્ડીયા માટે ધ વોલ જેવુ બિરુદ ધરાવે છે. તેણે 3000-4000 અને 5000 ટેસ્ટ રન એક જ સમાન ઈનિંગ્સમાં બનાવ્યા છે. આમ તેણે આજે 65મો ટેસ્ટ રમ્યો હતો. તેને યાદગાર બનાવી દીધો છે. તેણે કુલ 5028 રન પુરા કર્યા છે. જો કે તે આજે કમનસીબે એક સુપર્બ ડાયરેકટ થ્રોથી રનઆઉટ થયો હતો અને મેદાનમાં તાળીઓના ગડગડાટથી તેણે વિદાય લીધી હતી. પુજારાએ આ સાથે 108 ઈનિંગમાં 5000 રન પુરા કર્યા છે અને તે 5000 રન પુરા કરનાર 12મો ભારતીય ટેસ્ટ પ્લેયર બન્યો છે. પુજારાએ તેની ટેસ્ટ કેરીયરમાં 16 સદી અને 19 અર્ધસદી નોંધાવી છે અને સૌથી વધુ 206 રન અણનમ કર્યા છે.