ગુજરાત હોમગાર્ડમાં હજુ આટલું ખૂટે છે..!

06 December 2018 02:33 PM
Gujarat
Advertisement

ગુજરાતમાં હોમગાર્ડમાં ફરજ બજાવતા હજારો જવાનોની જે સ્થિતિ છે તેમાં હજુ પણ ઘણો સુધારો કરવાનો બાકી છે. આ દિશમાં રાજ્ય સરકારે સંવેદનશીલતા દાખવીને કેટલાંક ઉદાર નિર્ણય લેવાની જરૂર છે. જો આમ કરવામાં આવે તો ગુજરાતમાં ફરજ બજાવતા હોમગાડર્સના જવાનોની ફરજનિષ્ઠતા, પ્રમાણિકતા અને મનોબળમાં અનેકગણો વધારો થઈ શકે તેમ છે.
જાણકારોના કહેવા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધી રાજ્યના હૉમગાર્ડમાં ફરજ બજાવતા જવાનોનું દૈનિક ભથ્થું માત્ર રૂા.પ0 હતું જે મશ્કરી સમાન હતું. નરેન્દ્રભાઈ મોદીની મુખ્યમંત્રી તરીકેની બીજી ટર્મમાં આ ભથ્થામાં વધારો કરીને હોમગાર્ડનું દૈનિક ભથ્થું રૂા.300 કરવામાં આવ્યું હતું. આ પછી હજુ તેમાં કોઈ વધારો થયો નથી. દેશના અન્ય કેટલાંક રાજ્યોમાં હોમગાડર્સ જવાનોનું દૈનિક ભથ્થું રૂા.400 થી લઈને 700 સુધી છે. જેની સરખામણીમાં ગુજરાતમાં હજુ ઘણું ઓછું છે.
કેટલાંક રાજ્યમાં હોમગાર્ડના જવાન સરકારના અન્ય વિભાગના કર્મચારીઓની માફક નોકરીમાં કાયમી ગણવામાં આવે છે. જ્યારે ગુજરાતમાં હોમગાર્ડ જવાન હંગામી કર્મચારી છે. જો અન્ય સરકારી કર્મચારીની માફક તેને પણ કાયમી ગણી નોકરીની સલામતિનું કવચ આપવામાં આવે તો આ જવાનોની ફરજનિષ્ઠા, પ્રમાણિકતા અને મનોબળમાં હજુ ઘણો વધારો થઈ શકે તેમ છે.
અન્ય એક અગત્યનો મુદ્દો એ પણ છે કે, શાળા કે કૉલેજમાં એનસીસી કૅડેટ્સ તરીકે સેવા આપનાર વિદ્યાર્થી પાસે જો ‘સી’ સર્ટીફીકેટ હોય તો તેને કેટલીક સરકારી કે અર્ધસરકારી નોકરીમાં પ્રાયોરિટી આપવામાં આવે છે અને આમ તેને એક વધારાની લાયકાત ગણવામાં આવે છે. હોમગાર્ડ એ એનસીસી કરતાં એક સ્ટેપ ચડિયાતું ખાતું છે ત્યારે હોમગાર્ડના અનુભવને પણ એ રીતે સરકારી કે અર્ધસરકારી વિભાગની નોકરી માટે ધ્યાને લેવામાં આવે તેવો નિર્ણય જરૂરી છે.
જો કે, ઉપરોકત તમામ મુદ્દે રાજ્ય વ્યાપી અને સરકારી લેવલે નીતિ વિષયક નિર્ણય થવો આવશ્યક છે. ત્યારે આજે હોમગાર્ડ-ડે નિમિત્તે આ બાબતે પણ ગુજરાતની સરકાર હોમગાડર્સ જવાનો માટે સંવેદનશીલતા દાખવી આગામી સમયમાં યોગ્ય નિર્ણય કરે તેવું રાજ્યભરના હોમગાર્ડ કર્મચારીઓ ઈચ્છી રહ્યાં છે.


Advertisement