વેરાવળમાં આવારા તત્વોને રોકવા ચોપાટી વિસ્તારની બાઉન્ડ્રીમાં ટુ-વ્હીલરની અવર-જવર પર પ્રતિબંધ : અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામુ

06 December 2018 02:04 PM
Veraval
Advertisement

વેરાવળ તા.6
વેરાવળ ખાતે દરીયા કિનારે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્રારા રૂા.15 કરોડના ચોપાટી બનાવવા માટે વિકાસ પ્લાન મંજુર થયેલ છે અને હાલમાં આ મુજબ ચોપાટી વિકસાવવાની કામગીરી કાર્યરત છે જેમાં આવારા તત્વો દ્વારા ખલેલ પહોંચાડવામાં આવે છે અને રાત્રીનાં સમય દરમ્યાન તોડફોડ કરવામાં આવે છે જેથી સરકારી કામગીરીમાં વિક્ષેપ ના થાય અને સરકારનાં વિકાસનાં કામો યોગ્ય રીતે પૂર્ણ કરી શકાય તેમજ વેરાવળ શહેરનાં લોકોને એક રમણીય ફરવાલાયક સ્થળ મળી શકે તે માટે આવારા તત્વો સામે યોગ્ય પ્રતિબંધ ફરમાવવો જરૂરી છે જે અંતર્ગત અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.આર.મોદીને મળેલ સત્તાની રૂઇએ ચોપાટી વિસ્તારમાં જે બાંધકામ થઇ રહેલ છે તેના ફરતે બાઉન્ડ્રી આવેલ છે જે બાઉન્ડ્રીની અંદરનાં સમગ્ર ફ્લોરીંગ ઉપર તમામ ટુ-વ્હીલરની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવેલ છે. આ ઉપરાંત ચોપાટીમાં આવેલ ફુડ પ્લાઝાનાં વિસ્તારમાં રમત-ગમત રમવા ઉપર, ચોપાટી ખાતેનાં ટોઇલેટ બ્લોકસની બાજુએ આવેલ ફીશ સ્કલ્પચર ઉપર અવર-જવર કરવા ઉપર, ચોપાટી ખાતે ટોઇલેટ બ્લોક નં.2 ઉપર અવર-જવર કરવા ઉપર પ્રતિબંધ કરવામાં આવેલ છે. આ જાહેરનામુ સરકારી ફરજ ઉપર રહેલા કર્મચારીઓ, ચોપાટીનાં વિકાસની કામગીરી કરતા કોન્ટ્રાક્ટરનાં કર્મચારીઓ તેમજ ચોપાટી વિસ્તારમાં આવેલ દરગાહની સેવા-પૂજા કરતા માણસોને લાગુ પડશે નહી. આ જાહેરનામુ તાત્કાલીક અસરથી તા.3-1-2019 સુધી અમલમાં રહેનાર છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર ઠરનાર હોવાનું જણાવેલ છે.


Advertisement