ખેડૂતોના હિત માટે વિઠ્ઠલભાઈનો વારસો જાળવી રાખતા મંત્રી જયેશભાઈ રાદડીયા

06 December 2018 01:45 PM
Dhoraji
  • ખેડૂતોના હિત માટે વિઠ્ઠલભાઈનો વારસો જાળવી રાખતા મંત્રી જયેશભાઈ રાદડીયા

દિલ્હી સુધી રજૂઆત કરી પાકવિમાનો પ્રશ્ર્ન ઉકેલતા ખેડૂતોમાં રાહત

Advertisement

(સાગર સોલંકી/ભોલાભાઈ સોલંકી)
ધોરાજી તા.6
સૌરાષ્ટ્રના રાજકોટ અને મોરબી જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકો અને વિમા કંપનીઓની ભુલના કારણે પ્રિમિયમ ભરવા છતા કુલ 1311 જેટલા ખેડુતોની વર્ષ 2016ની પાક વિમાની રકમ ફસાઈ હતી. આ અંગે સૌરાષ્ટ્રના ખેડુત નેતા વિઠલભાઈ રાદડીયાના પગલે ચાલીને તેમના પુત્ર કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાએ દિલ્હી સુધી સતત રજૂઆતો કરતા કુલ 1311 ખેડૂતોની રૂા.11.40 કરોડની પાકવિમાની રકમ ચૂકવવાની કાર્યવાહી કરવા ભારત સરકારના કૃષિ વિભાગે આદેશ કરેલ છે.
પરિણામે માત્ર રાજકારણ ખેલવા માટે ખેડૂતોને નામે છાસવારે લીંબડજશ ખાટવાનો પ્રયાસ કરતા કોંગ્રેસના નેતાઓની બેધારી નિતી ખુલ્લી પડી ગઈ છે. ગોંડલ તાલુકાના 798 સહિત કુલ 1311 ખેડૂતોએ સેન્ટ્રલ બેંક, આઈસી આઈસી આઈ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તેમજ યુકો બેંકમાં પાકવિમાના પ્રિમીયમ ભરેલ હોવા છતા બેંકો અને વિમા કંપનીઓની ભુલના કારણે 1311 ખેડૂતોને 2016ના વર્ષનો પાકવિમો મળેલ નહીં. આ અંગે રાજકોટ ડીસ્ટ્રીકટ બેંકના ચેરમેન અને રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા સમક્ષ ખેડૂતોએ રજૂઆત કરી હતી અને બેંકો સામે આંદોલન પણ કર્યા હતા. મંત્રી રાદડીયાએ કોઈપણ જાતનું રાજકારણ વચ્ચે લાવ્યા વગર વિવિધ બેંકોના મેનેજમેન્ટ, વિમા કંપની તેમજ કેન્દ્ર સરકારમાં સતત છેક દિલ્હી સુધી રૂબરૂ રજૂઆતો કરી ખેડૂતોના હિતમાં તાત્કાલિક નિર્ણય કરવા ભલામણો કરી હતી જેના પગલે વિમા કંપનીઓને 1311 ખેડુતોનો રૂા.11.40 કરોડનો પાક વિમાની રકમનું ચૂકવણું કરવા અંગેના આદેશો ભારત સરકારના કૃષિ વિભાગે કરેલા છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં ખેડુતો માટે કાયમ લડતો કરતા ખેડૂતનેતા વિઠ્ઠલભાઈ રાદડીયાની કાર્ય પધ્ધતિથી જ 1311 ખેડૂતોના ફસાયેલ પાકવિમા માટે સફળ રજૂઆતો કરી જયેશ રાદડીયાએ વારસો જાળવી રાખેલ છે અને મોરના ઈંડા ચિતરવા પડે નહીં તે કહેવત સાર્થક કરી છે. જયારે ખેડૂતોના નામે માત્ર આંદોલનના નાટક કરી રાજકીય રોટલા શેકતા કોંગ્રેસના નેતાઓની બોલતી બંધ કરી દીધી છે.


Advertisement