ગોંડલની કોલેજમાં ચાલુ પરીક્ષાએ દેરડીની વિદ્યાર્થીની બેભાન બની ઢળી પડી

06 December 2018 01:44 PM
Gondal

હોસ્પિટલમાં તાબડતોબ સારવાર બાદ છાત્રાને વાલીને સોંપાઇ

Advertisement

(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ તા.6
ગોંડલ મહિલા કોલેજમાં ચાલતી પરીક્ષા દરમ્યાન પરીક્ષાર્થીની અચાનક બેભાન થઈ જતા કોલેજ દ્વારા તાત્કાલિક હોસ્પિટલ ખસેડી સારવાર અપાવી વાલીને જાણ કરાઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર વનની પરીક્ષાઓ લેવામાં આવી રહી છે, ત્યારે અત્રેની મ્યુનિસિપલ મહિલા કોલેજમાં ચાલતી બી.એ.ની પરીક્ષામાં પરીક્ષા આપી રહેલી દેરડી કુંભાજી ની હિરલ ચંદુભાઈ ખાતરા ચાલુ પરીક્ષાએ અચાનક બેભાન થઈ ઢળી પડતા બનાવની ગંભીરતા સમજી પરીક્ષા સંચાલક પ્રોફેસર ડો આશાબેન પંડ્યાએ તુરંત સિવિલ હોસ્પિટલમાં તથા માનવ સેવા ટ્રસ્ટ ને જાણ કરતા માનવ સેવા ટ્રસ્ટ ના પ્રફુલભાઈ રાજ્યગુરુ અને બનાવથી વાકેફ બનેલા નગરપાલિકાના ઉપપ્રમુખ અર્પણાબેન આચાર્ય કોલેજે દોડી ગયા હતા અને વિદ્યાર્થીની હિરલ ખાતરાને બેભાન અવસ્થામાં એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ તાકીદની સારવાર અપાવી હતી.
બાદમાં તેમના દેરડીકુંભાજી ગામે રહેતા માતા-પિતાને જાણ કરાતા તેઓ પણ ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા, થોડા કલાકોની સારવાર બાદ હિરલ સ્વસ્થતા તેના વાલીઓને સોંપવામાં આવી હતી, હિરલ ના માતા પિતા ના જણાવ્યા મુજબ હિરલ ને આ પ્રકારે સ્વાસ્થ્યની મુશ્કેલી થતી હોય તેની દવા પણ શરૂ હોય પરીક્ષા દરમિયાન સ્વાસ્થ્ય બગળ્યું હતું પરંતુ કોલેજના પરીક્ષા સંચાલકની સતર્કતાને કારણે વિદ્યાર્થિનીને તાકીદની સારવાર મળી જતા સ્વસ્થ થવા પામી હતી.


Advertisement