પેપરલીક કેસમાં દિલ્હી કનેકશનનો ભેદ ખુલ્યો

06 December 2018 12:20 PM
Ahmedabad Gujarat
  • પેપરલીક કેસમાં દિલ્હી કનેકશનનો ભેદ ખુલ્યો

કોચીંગ કલાસ ચલાવતા નિલેશ પટેલ તથા દક્ષિણ ભારત પ્રિન્ટીંગ પ્રેસના કર્મચારીની સંડોવણી : 28 ઉમેદવારો પાસેથી 7-7 લાખ ઉઘરાવ્યા હતા: નાણા રિકવર કરવાની લાલચમાં કૌભાંડ ખુલ્લુ પડી ગયુ

Advertisement

અમદાવાદ તા.6
લોકરક્ષક ભરતી બોર્ડના પેપર લીક કેસમાં ગુજરાત પોલીસે દિલ્હી ગેંગની ગુજરાત લિંક મળી ગઈ હોવાનો દાવો કર્યો છે. યશપાલ સોલંકી દિલ્હીથી પ્રશ્ર્નપત્રના જવાબો સાથે ફલાઈટમાં 1લી ડીસેમ્બરે વડોદરા આવ્યો હતો અને તેણે મનહર પટેલને આપ્યું હતું. અત્યાર સુધીમાં પેપર લીક કેસમાં યશપાલ સોલંકી, મનહર પટેલ, મુકેશ ચૌધરી, પીએસઆઈ પી.વી. પટેલ અને રૂપલ પટેલની સંડોવણી હોવાનું બહાર આવી ચૂકયું છે. પરંતુ હવે સમગ્ર કૌભાંડના તાર કોચિંગ કલાસ સુધી પહોંચ્યા છે.
ટોચના પોલીસ અધિકારીએ જણાવ્યું કે, દિલ્હી અને ગુજરાત વચ્ચેની લિંક નિલેશ પટેલ છે, જે કોચિંગ કલાસનો માલિક છે. પ્રશ્ર્નપત્ર પ્રિન્ટ થાય તે પહેલા જ સાઉથ ઈન્ડિયામાં પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા વ્યકિતએ પેપર લીક કયુર્ં હતું. પોલીસના ટોચના સૂત્રોએ જણાવ્યું કે પેપર લીક કરનારો વ્યકિત નિલેશના સંપર્કમાં હતો. જે દિલ્હી ગેંગમાં ગુજરાતનો સભ્ય હોવાની શંકા છે. તપાસ અધિકારીએ જણાવ્યું કે નિલેશે બધા 28 ઉમેદવારો પાસેથી 7-7 લાખ રૂપિયા લીધા હતા.
પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, 29 નવેમ્બરની રાત્રે નિલેશે બધા 28 ઉમેદવારોને નાના ચિલોડા બોલાવ્યા હતા અને તેમને ચાર કારમાં બેસાડયા. તેણે બધાને પોતાના સ્માર્ટફોન બંધ કરવા કહ્યું. સૌથી પહેલા તેમને ગુરૂગ્રામ લઈ જવામાં આવ્યા. દિલ્હી જવાના રસ્તામાં વચ્ચે કાર બદલવામાં આવી હતી. બાદમાં તેમને જુદા જુદા ગેસ્ટ હાઉસમાં લઈ જવામાં આવ્યા અને પેપર આપવામાં આવ્યા. પકડાઈ જવાના ભયના કારણે ગેંગ દ્વારા ઉમેદવારોને ખાસ સૂચના આપી હતી કે આ પેપરનો સોશિયલ મીડિયા દ્વારા કોઈને વેંચે નહીં. પોલીસના સીનિયર અધિકારીએ કહ્યું, જો કે તેમ છતા યશપાલ સોલંકીએ આ પેપર અન્ય ઉમેદવારોને વેચી દીધું. સોલંકીએ 2જી ડીસેમ્બરની સવારે આ પેપર મનહર પટેલને આપ્યું. પેપર લીક થયાના 24 કલાકમાં જ મનહર પટેલની ધરપકડ કરાઈ હતી.
પોલીસે જણાવ્યું, આ લીક થયેલ પેપર ગાંધીનગરની શ્રીરામ હોસ્ટેલમાં, જયાં રૂપલ પટેલ કામ કરતી હતી, ત્યાં મનહર પટેલને આપવામાં આવ્યું હતું. રૂપલના પહેલાથી જ રાજકીય કનેકશન હોવાથી તેણે 10 ઉમેદવારોને હોસ્ટેલ પર પેપર વેચવા બોલાવી લીધા હતા. ગુજરાત પોલીસ મુજબ, રૂપલે પોતાને મળેલા પેપર અને તેના જવાબો સાચા છે કે નહીં તે સ્પષ્ટ કરવા માટે પોલીસ ભરતી બોર્ડના કલાસ 3 કર્મચારી ભરત બરોનાનો સંપર્ક કર્યો હતો. પોલીસના મુજબ બરોણાએ સમગ્ર ઘટના ભરતી બોર્ડના ચેરમેનને જણાવી દીધી અને એડિશ્નલ ડીજીપી વિકાસ સહાયે પરીક્ષા રદ કરી.


Advertisement