વડોદરા કોર્પોરેશનમાં કલાર્કની ભરતીમાં કૌભાંડની ગંધ: સૌરાષ્ટ્ર યુનિ.ના વિદ્યાર્થી જ પાસ: તપાસના આદેશ

05 December 2018 05:03 PM
Gujarat

લોકરક્ષક દળના પેપરલીક કાંડ પછી નવી-નવી શંકાઓ વડોદરાના કોઈપણ પરીક્ષાર્થી ઉતીર્ણ ન થયા; ગંભીર આક્ષેપો

Advertisement

રાજકોટ તા.5
વડોદરા મહાનગરપાલિકામાં મસમોટા ભરતી કૌભાંડની શંકા સેવાઈ રહી છે. 2016માં થયેલી કલાર્કની ભરતીમાં પસંદગી પામેલા તમામ ઉમેદવારો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોવાથી કૌભાંડ આચરાયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. મામલો થાળે પાડવા તત્કાલ તપાસના આદેશ મેયર દ્વારા આપવામાં આવ્યા છે.
વિગતો મુજબ વડોદરા મહાનગરપાલિકામાં વર્ષ 2016માં કલાર્કની 140 બેઠકો માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. આ બેઠકો ઉપર નોકરી માટે 40 હજાર જેટલી અરજીઓ થઈ હતી. વિવિધ સ્થળો અને શૈક્ષણિક સંસ્થાઓના ઉમેદવારોએ અરજી કરી હતી. ત્યારબાદ મહાનગરપાલિકાએ ઉમેદવારોની પસંદગી પણ કરી હતી.
અલબત આ પસંદગી પ્રક્રિયામાં કૌભાંડ આચરાયું હોવાના આક્ષેપો થયા છે. કલાર્કની જગ્યા ઉપર સીલેકટ થયેલા તમામ ઉમેદવારો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોવાનું જાણવા મળે છે.
પરિણામે ભરતી અંગે તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. વડોદરા મહાનગરપાલિકાની કલાર્કની ભરતીમાં વડોદરાના એકપણ ઉમેદવારની પસંદગી થઈ નથી!
મહાનગરપાલિકાની ભરતીમાં કથિત કૌભાંડની તપાસ કરવા વિવિધ કક્ષાએ રજુઆતો કરવામાં આવી છે. વડોદરાના મેયરે પણ તપાસના આદેશ આપ્યા છે.


Advertisement