પેપર લીક કેસમાં દિલ્હીનો નિલેશ હજુ પોલીસની પકકડથી દૂર: કુલ 12 શખ્સોની ધરપકડ

05 December 2018 01:39 PM
Gujarat
  • પેપર લીક કેસમાં દિલ્હીનો નિલેશ હજુ પોલીસની પકકડથી દૂર: કુલ 12 શખ્સોની ધરપકડ

કયાંથી અને કેવી રીતે ફુટયુ સહીતના સવાલ અનુતર: મોટા માથાની સંડોવણીની શંકા

Advertisement

રાજકોટ તા.5
રાજયભરમાં ખળભળાટ સર્જી રહેલા પોલીસ લોકરક્ષક દળની પરીક્ષાના પેપરલીક પ્રકરણમાં તપાસ-દરોડાનો દોર જારી જ રાખવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પેપર ફોડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર તરીકે નિલેશ નામના શખ્સનું નામ ખુલ્યુ છેતેનું પગેરુ દબાવવામાં આવી રહ્યું છે.
રવિવારે યોજાયેલી લોકરક્ષકદળની પરીક્ષાનું પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી હતી. 90000થી અધિક જગ્યા માટે 9 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવા ઉમટયા હતા. તેઓને રઝળવાનો વખત આવ્યો હતો અને ભારે આક્રોશ ફેલાવા સાથે તોફાની છમકલા પણ થયા હતા. રાજય સરકાર પણ પેપરલીકથી ભીંસમાં આવી હોય તેમ એટીએસથી માંડીને તમામ સુરક્ષા એજન્સીઓને તપાસમાં કામે લગાડવામાં આવી હતી.
પ્રથમ દિવસે જ પાંચ શખ્સોની ધરપકડ કરીને મહત્વની સફળતા મેળવી હતી.
આ પેપર કયાંથી અને કેવી રીતે ફુટયુ તે દિશામાં તપાસનો દોર લંબાવવામાં આવ્યો હતો. પેપર દિલ્હીથી લીક થયાનુ અને નિલેશ નામના શાસની મહત્વની ભૂમિકા હોવાનું બહાર આવતા તેના સગડ દબાવવામાં આવી રહ્યા છે. મોબાઈલ લોકેશનના આધારે તેનુ પગેરુ મેળવવાના પ્રયત્નો છે. જો કે, તેના તમામ મોબાઈલ બંધ મળતા હોવાને કારણે પોલીસ તેના સુધી પહોંચી શકતી નથી. વડોદરાનો યશપાલ સોલંકી પણ હજુ પોલીસના હાથમાં આવ્યો નથી.
પોલીસના સૂત્રોએ કહ્યું કે પેપર લીક પ્રકરણમાં અત્યાર સુધીમાં 12 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને વધુ કેટલાકના નામ ખુલ્યા હોવાથી તેઓને અટકાયતમાં લેવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પકડાયેલા શખ્સોમાં સંદીપ ચૌધરી, નવા વાઘડીયા, ઉતમસિંહ ભાટી, અજયસિંહ પરમાર, જયેન્દ્ર રાવલ, ભરત ચૌધરી, રૂપલ શર્મા, મનહર પટેલ, મુકેશ પટેલ, પી.વી.પટેલ, પ્રિતેશ પટેલ અને નરેન્દ્ર ચૌધરીનો સમાવેશ થાય છે.
આ પ્રકરણમાં અત્યાર સુધીમાં 12 શખ્સોની ધરપકડ કરવામાં આવી હોવા છતાં મુખ્ય સુત્રધારો પોલીસ પકકડથી દૂર છે. પેપરનોના જવાબ અનુતર છે. ભાજપના ત્રણથી વધુ આગેવાનો પકડાયા હોવાથી રાજય સરકાર પણ ભીંસમાં છે.


Advertisement