ભાજપની માઠી: મુંદ્રા તાલુકા પ્રમુખે રાજસ્થાન પ્રચારમાં શરાબ પીને ધમાલ મચાવી

04 December 2018 06:19 PM
kutch
  • ભાજપની માઠી: મુંદ્રા તાલુકા પ્રમુખે રાજસ્થાન પ્રચારમાં શરાબ પીને ધમાલ મચાવી

સૌરાષ્ટ્રના એક સાંસદને કચ્છ પ્રચારમાં ભાગવું ભારે થઈ પડયા બાદ વધુ એક ઘટના બારમેરની ઘટનાનો વિડીયો વાયરલ: હોટલમાં મધરાતે શરાબના નશામાં સમગ્ર વિસ્તાર માથે લીધો: માંડ માંડ સમજાવીને રૂમમાં લવાયા: રાજયમાં પ્રચાર કરી રહેલા કાર્યકર્તાઓને પરત બોલાવી લેવા તૈયારી

Advertisement

રાજકોટ તા.4
ગુજરાત ભાજપની હાલ માઠી બેઠી હોય તેવા સંકેત છે. એક તરફ પેપર કાંડમાં પક્ષના કાર્યકર્તાઓના નામ ઉછળી રહ્યા છે અને તપાસ દરમ્યાન વધુ ધડાકા ભડાકા થાય તેવી શકયતા છે તો બીજી તરફ રાજસ્થાનમાં પ્રચાર માટે ગયેલા ગુજરાત ભાજપના કાર્યકર્તાઓ અહીં પક્ષના પ્રચારના બદલે પક્ષની આબરૂનો પ્રચાર કરી રહ્યા હોય તેવી સ્થિતિ છે. બે દિવસ પહેલા ગુજરાતના એક સાંસદ દેવજીભાઈએ રાહુલ ગાંધીને પપ્પુ કહેતા સ્થાનિક લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને તેણે ભાજપના નેતા સામે આક્રોશ વર્ષાવીને તેમને સભા સ્થળ છોડી જવાની ફરજ પડી હતી અને માફી પણ મંગાવી હતી. તો બીજી તરફ હાલમાં જ એક બીજો વીડીયો વાયરલ થયો છે તેમાં કચ્છ ભાજપના નેતા હોટલમાં દારૂ પીને ધમાલ મચાવતા સ્થાનિક લોકોએ તેમની ધોલાઈ કરી હતી. ટીવી ચેનલના રીપોર્ટમાં મુંદ્રા તાલુકા ભાજપ પ્રમુખ વાલજીભાઈ ટાપરીયા બારમેર વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે ગયા છે અને તેઓએ હોટલમાં દારૂ પીને ધમાલ મચાવી હતી જેના કારણે આસપાસના લોકો ભારે ઉશ્કેરાઈ ગયા હતા. થોડોક વખત તો ભાજપના નેતાના સમજાવવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેઓએ પોતાના સીન જમાવવાનું ચાલુ રાખતા જ અંતે લોકોએ તેની ધોલાઈ કરી હતી અને નશો ઉતારી દીધો હતો. સુત્રોના જણાવ્યા મુજબ અહીં તેમની સાથે આવેલા ભાજપના અગ્રણીઓએ માન માન મામલો થાળે પાડયો હતો. અને કચ્છ ભાજપના નેતાને રૂમમાં સુવડાવી દીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી રાજસ્થાનમાં પ્રચાર કરવા માટે ભાજપના અનેક કાર્યકર્તાઓને મોકલવામાં આવ્યા છે. તે સમયે આ ઘટનાથી પક્ષનું મોવડી મંડળની ચિંતા વધી ગઈ છે અને વધુ કોઈ વિવાદ સર્જાય તે પૂર્વ કાર્યકરને પરત બોલાવી લેવાની સુચના આપવામાં આવી છે.


Advertisement