ગુજરાતના ધંધા-વ્યાપારમાં મંદી? ઈ-વે બીલ ઘટયા

04 December 2018 02:11 PM
Gujarat
  • ગુજરાતના ધંધા-વ્યાપારમાં મંદી? ઈ-વે બીલ ઘટયા

એપ્રિલથી પ્રથમ વખત ગુજરાત કરતા મહારાષ્ટ્રમાં વધુ ઈ-વે બીલ જનરેટ: સરકારી અધિકારી દિવાળી રજાનું કારણ આપે છે પણ ટ્રાન્સપોર્ટર કહે છે આ દિવાળીએ ધંધો જ ન હતો

Advertisement

અમદાવાદ તા.4
ચાલુ વર્ષે એપ્રીલ માસથી જીએસટી હેઠળના માલના પરિવહન માટે ઈ-વે બીલ ફરજીયાત બનાવી દેવાયું છે. અને તેમાં અત્યાર સુધી ગુજરાતે પ્રથમ સ્થાન મેળવ્યું હતું પરંતુ નવેમ્બરમાં મહારાષ્ટ્ર દ્વારા ગુજરાતનું આ સ્થાન આંચકી લેવાયું છે. ખાસ કરીને દિપાવલીના સમયે જે પ્રકારે મોંઘા ઉત્પાદનોનું મોટુ પરિવહન થયુંં તેમાં ગુજરાતનો ફાળો ઓછો હતો. મહારાષ્ટ્ર એ ઉત્પાદક રાજય હોવાથી તેને ગુજરાતનું સ્થાન છીનવી લીધુ છે. રાજયના કોમર્શીયલ વિભાગ દ્વારા જાહેર કરાયેલા ડેટા મુજબ નવેમ્બર માસમાં રાજયમાં 26.08 લાખ ઈ-વે બીલ જનરેટ થયા હતા. જે મહારાષ્ટ્ર કરતા ઓછા હતા. મહારાષ્ટ્રમાં કુલ 26.13 લાખ ઈ-વે બીલ જનરેટ થયા હતા. ગુજરાતમાં માલનું પરિવહન 34.7 ટકા ઘટયુ છે. ઓકટોબર માસમાં આ આંકડો 41.63 લાખ ઈ-વે બીલનો હતો. આ અંગે ચેકપોસ્ટ વિભાગના જોઈન્ટ કમિશ્ર્નર આર.આર. પટેલનું કહેવું છે કે પ્રારંભથી જ ગુજરાત નંબર વન રહ્યું હતું. એક માત્ર નવેમ્બર મહિનામાં દિવાળીના તહેવારોમાં ગુજરાતમાં જ વેપાર ધંધા નવા વર્ષ પછી એક સપ્તાહ સુધી બંધ રહેશે. અને તેના કારણે માલનું પરિવહન મર્યાદીત થઈ જાય છે. જો કે ટ્રાન્સપોર્ટ અગ્રણીઓ કહે છે કે ગુજરાતના ધંધામાં મંદી હતી. દિપાવલી પછી ટ્રાન્સપોર્ટ બંધ રહે પણ તે પૂર્વે નવેમ્બરમાં અત્યંત વ્યસ્ત સમય હોય છે પરંતુ રાજયમાં એકંદરે પરિવહનમાં મંદી છે. આ વર્ષે ઘરાકી પણ ઓછી હતી તેથી વેપારીઓએ સાવચેતીથી માલ મંગાવ્યો તેવો દાવો અખીલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ મુકેશ દવેએ કર્યો હતો. એપ્રીલ અને મે માસમાં આ સીસ્ટમ અમલી બનાવ્યા બાદ ગુજરાત દેશમાં સતત નંબર વન રહ્યું હતું.


Advertisement