જસદણની ચૂંટણીમાં કાલે કુંવરજીભાઇ ફોર્મ ભરશે : કોંગ્રેસના ઉમેદવાર ગમે તે ઘડીએ જાહેર

29 November 2018 11:43 AM
Jasdan Gujarat Politics

કોંગ્રેસના દાવેદારોની યાદી દિલ્હી પહોંચી : ગઇકાલ સુધીમાં 36 વ્યકિતઓએ ઉમેદવારી ફોર્મ ઉપાડયા કોંગ્રેસના ઉમેદવાર તરીકે અવચરભાઇ નાકિયા અને ધીરજભાઇ શિંગાળાનું નામ ચર્ચામાં

Advertisement

(ધર્મેશ કલ્યાણી)
જસદણ તા.29
જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કાલે તા.30મીએ ભાજપનાં ઉમેદવાર કુંવરજીભાઇ બાવળીયા પોતાના ટેકેદારો અને ભાજપ આગેવાનોની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભરવા જનાર છે. જો કે હજુ કોંગ્રેસ પક્ષ તરફથી સત્તાવાર રીતે કોઇ ઉમેદવારનું નામ નક્કી થયુ નથી. પરંતુ ગઇકાલે અમદાવાદ ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની બેઠકમાં દાવેદાર ઉમેદવારોના નામોની યાદી દિલ્હી મોકલી દેવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. જસદણની બેઠકમાં કોંગ્રેસ પક્ષે દાવેદારોમાં અવચરભાઇ નાકિયા અને ધીરજભાઇ શીંગાળાનું નામ ચર્ચામાં કોળી સમાજના ઉમેદવાર કે પાટીદાર સમાજનાં ઉમેદવાર? કોણ નક્કી થશે તે અટકળો છે ત્યારે પાટીદાર સમાજ દ્વારા દબાણ થનાર હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
જસદણ વિધાનસભાની પેટાચૂંટણી માટે ગઈકાલે કોંગ્રેસના વિવિધ દાવેદારો પૈકીના એક દાવેદાર એવા નાથાભાઈ કુરજીભાઈ વાસાણી સહિત કુલ જુદી જુદી પાંચ વ્યક્તિએ ફોર્મ પાડ્યા હતા.ગઈકાલ સાંજ સુધીમાં કુલ 36 વ્યક્તિએ ફોર્મ પાડ્યા છે જોકે હજુ સુધી એક પણ ઉમેદવારી ફોર્મ ભરાયુ નથી. જસદણ બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે કુવરજીભાઈ બાવળિયા નિશ્ચિત છે પરંતુ કોંગ્રેસના ઉમેદવાર હજુ સુધી જાહેર થયા નથી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા દસ-બાર દિવસ પૂર્વે રાજકોટ ખાતે જસદણ બેઠકના દાવેદારોને સાંભળી લીધા બાદ પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે જસદણ બેઠક નો ઉમેદવાર તારીખ 28 સુધીમાં જાહેર થઈ જશે પરંતુ ભારે ખેંચતાણને પગલે હજુ સુધી ઉમેદવાર જાહેર થઇ શક્યો નથી. જસદણ બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે અવસર ભાઈ નાકિયા તેમજ ધીરજભાઈ શિંગાળાનું નામ ચર્ચામાં મોખરે છે. ગુજરાતના કોંગ્રેસના ટોચના એક રાજકીય આગેવાનના જણવ્યા મુજબ જસદણ બેઠક ઉપર કોંગ્રેસ પક્ષ કોળી સમાજના ઉમેદવારને ટિકીટ આપે તો પટેલ સમાજ નારાજ થાય અને પટેલ સમાજનું મતદાન ઓછું થાય ઉપરાંત કોળી સમાજના કુવરજીભાઈ બાવળિયા કેબિનેટ મંત્રી હોવાથી કોળી સમાજ તેમના તરફ ઢળે તો કોંગ્રેસના ઉમેદવારને પટેલ અને કોળી સમાજ એમ બંને જ્ઞાતિના મતો મેળવવામાં મુશ્કેલી પડે.
માટે જો પટેલ સમાજના ઉમેદવારને કોંગ્રેસની ટિકિટ આપવામાં આવે તો પાટીદાર અનામત આંદોલન તેમજ સ્થાનિક રાજકીય સ્થિતિ સહિત ની બાબતને લીધે ભાજપથી નારાજ હોવાથી ઉત્સાહભેર કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં મતદાન કરે અને પટેલ સમાજ ઉપરાંત કોળી સમાજના ભાજપ વિરોધી મત પણ કોંગ્રેસના ઉમેદવારને મળી શકે આ સ્થિતિ વચ્ચે કોંગ્રેસ પક્ષ કોળી ઉમેદવારને ટિકિટ આપવી કે પટેલ ઉમેદવારને તેની આખરી સમીક્ષા ચાલી રહી છે. જોકે હજુ બે દિવસ સુધી કોંગ્રેસના ઉમેદવાર જાહેર થાય તેવી શક્યતા નહીં હોવાનો કોંગ્રેસના જ એક દાવેદાર એ જણાવ્યું હતુ.
બીજી બાજુ મતદાનના આડે હવે માત્ર 21 દિવસ જ બાકી હોવા છતાં કોંગ્રેસના ઉમેદવાર જાહેર નહિ થતાં કોંગ્રેસ પક્ષમાં પણ ટોચની નેતાગીરી પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે. જસદણ બેઠક માટે 1,22,180 પુરુષ મતદારો તેમજ 1,09,936 સ્ત્રી મતદારો મળી કુલ 2,32,116 મતદારો નોંધાયેલા છે. તેમજ તારીખ 20-12 ના રોજ જસદણ-વિંછીયા સહિતના કુલ 262 મતદાન મથક ઉપર મતદાન યોજાવાનું છે. જસદણ બેઠકના ભાજપના ઉમેદવાર કુંવરજીભાઇ બાવળીયા આવતીકાલે તારીખ 30 11 ને શુક્રવારે બપોરે તેમનું ઉમેદવારી પત્રક જસદણ ચૂંટણી અધિકારી એ એ. એચ. ચૌધરી સમક્ષ રજૂ કરશે.


Advertisement