હજુ ત્રણ દિવસ પહેલાની જ વાત છે, એક બાદ એક બોલર પરસેવાના રંજને મમળાવતા પોતાના કૌશલ્યને ખીલવવા એડી-ચોટીના દમ લગાવી રહ્યા હતાં. તેમ છતાંય નિરર્થક નીવડતા તમામ પ્રયત્નોના અંતે બોલ સીમારેખાને પાર પહોંચી રહ્યો હતો. ફરી 2009, 2010નો ઘટનાક્રમ યથાવત રીતે ઘટવા જઈ રહ્યો હતો. વિમેન્સ ટી-20 વર્લ્ડકપનાં ઇતિહાસમાં ભારત ત્રીજી વાર સેમિફાઈનલમાં આવીને બહાર ફેંકાવાની અણી પર ઉભું હતું. આમ તો આ વેળાએ મારે પીચ પર હોવું જોઈતું હતું. પરંતુ ડ્રેસિંગ રૂમમાં બેસીને હું સ્ક્રીન પર રમત નિહાળી રહી હતી. કારણ, પ્લેયિંગ ઈલેવનમાં મને સ્થાન મળ્યું નહોતું. છતાંય મેં નીલા રંગની જરસી પહેરી રાખી હતી. મેચનો આખરી બોલ ફેંકાયો, દૂર ખેલાડીને ભેદતો બોલ બાઉન્ડ્રી રેખાને પાર પહોંચી ગયો, નિ:સાસાભેર મેં નીચે તરફ માથું ઢાળ્યું.
ફરી એ જ ઘટનાક્રમ પુનરાવર્તન પામ્યો, તમામ ખેલાડીઓના ચહેરે હતાશાના વાદળ ઘેરાય વળ્યા હતાં. સૌ એકમેકને હૈયાધારણા આપી રહ્યા હતા. હજુ કેપ્ટન હરમનપ્રીતને હળવું આલિંગન આપી સાંત્વના પાઠવું તે પહેલા જ ટીવી સ્ક્રીનની એક સ્લાઈડમાં મોટા અક્ષરે સુરખીઓ ફરવા લાગી. મિતાલી રાજને પડતી મૂકતા ભારતને મળી કારમી હાર..! શું મિતાલી અને હરમનપ્રીત કૌર વચ્ચે આપસી રંજીશ અને ટકરાવ..? એમાંની એકાદ બે તો તરત અખબારની હેડલાઈન બની ગઈ તો કેટલીક ડ્રેસિંગરૂમમાં ઉપસ્થિત પ્લેયરના વ્યથિત મન પર પછડાય. હકીકતે એવું કંઈ હતું જ નહિ.
અપવાદ અને વિવાદોની ચડસાચડસી હરહંમેશને માટે એકમેકની પૂરક બનીને રહેતી. થોડા વખતમાં નવા મુદ્દાની સાથે જ બધી ચર્ચાઓ સમેટાયને અભરાઈએ ચડી જતી ને ફરી જયઘોષના નાદ ગુંજી ઉઠતા. જેનો શિકાર બનવાનું અને છૂટવાનું હવે ફાવી ગયું હતું. નીલા રંગની જરસીએ કંઈ કેટલું મને શીખવ્યું અને સમજાવ્યું હતું. માહોલ હળવો થતાં જ ડ્રેસિંગ રૂમમાંથી બહાર નીકળી હું ગ્રાઉન્ડ તરફ આવી. રાત્રીના કાળપને ઝંખતા બાકડા પર પડેલ પ્લેયર કીટને સહેજ ખસેડી તેના પર બેસી ઊંડા શ્ર્વાસ ભરી રહી હતી. કીટ પર પડેલ ગ્લવ્સ અને નેપ્કીનમાં ભળેલ પરસેવાની મહેક ધીમે રહીને વાતાવરણમાં વછૂટી રહી હતી.
સહેજ આંખ મીંચી હું પરસેવાની મહેકમાં જુના સંસ્મરણોમાં લસરવા લાગી.
મિતાલી..., મિતાલી..., ઉઠ દીકરા, રોજ સવારે આંખો મમળાવતી દીકરીને પથારીમાંથી ઉભી કરવા માંને ભારે જહેમત ઉઠાવી પડતી. પરંતુ તેથી તદ્દન વિપરીત પરિસ્થિતિ ઘરની હતી. રાજસ્થાન એરફોર્સમાં ઉપરી અધિકારી તરીકેની ફરજ બજાવતા પિતા દુરાઈ રાજના ઘરમાં શિસ્ત અને ચુસ્ત અનુશાસન હોય તે તો સ્વભાવિક છે.
પરંતુ મારી સર્વસામાન્ય ઓળખ હતી ‘આળસ’. શાળાએ પહોંચવાનો સમય સાડા આઠ હતો પરંતુ આઠ વાગે મને ઉઠાડવા માટે પણ માંને કાલાવાલા કરવા પડતા હતાં. શાળાની છેલ્લી પાટલીએ બેસી હું પોતાની જ ક્રિયામાં મસ્ત મગન રહેતી. જેમ તેમ કરીને સિકંદરા ગર્લ્સ હાઈસ્કૂલમાં મારું પ્રાથમિક શિક્ષણ આગળ વધી રહ્યું હતું.
એવામાં એક દિવસ શાળામાં વાર્ષિક મહોત્સવનું આયોજન કરાયું. તેની એક ડાન્સ ઇવેન્ટમાં મેં ભાગ લીધો. સદભાગ્યે મેં સારો ડાન્સ પણ કર્યો. અચાનક મને ડાન્સ પ્રત્યે રૂચી વધવા લાગી. મારી રૂચી જોઈ પિતાએ મને શાસ્ત્રીય નૃત્યના ભયાસ માટે અનુમતિ આપી.
બાળપણથી જ હું માતાની જેમ શાણપણથી કામ કરવામાં માનતી હતી. ઘરના કેટલાંય પ્રશ્ર્નો અને વિડંબનાનું બારીકાઇથી નિરીક્ષણ કર્યા બાદ જ તટસ્થ નિર્ણય પર આવવાનો ગુણ મને માંના વ્યવહારિક જીવનમાંથી મળ્યો હતો. દસ વર્ષ સુધી મેં શાસ્ત્રીય નૃત્યની તાલીમ લીધી. ખાસ્સી એવી નિપુણતા મેં નૃત્યમાં કેળવી લીધી હતી. પરંતુ ઉત્તરોતર આવતા શાળાના પરિણામ સહ જીવનના મૂલ્યોને આંકતા પિતાશ્રીની આંખોએ ખોળ્યું કે આ છોકરી ભણવા-લખવામાં કશું ઉકાળી શકે તેમ નથી. બરાબર એ જ વખતે પપ્પા ભાઈ મુથુન રાજને સચિન તેડુંલકર બનાવવાનું સપનું સેવી રહ્યા હતાં. પપ્પા ભાઈની તાલિમ પાછળ ઘણો સમય ફાળવતા. પરંતુ ભાઈના બેટે ચડતા દડાનાં વેગમાં તે રણકો જડતો ન હતો.
એમાયે અમારા આખાયે ઘરનો એક નિયમ હતો. સુનિલ પાજી, રવિ પાજી કે પછી ભારતની મેંચ ટીવી પર આવતી હોય એટલે ગમે તે ગમે તેવું કામ પડતું મૂકી જોવા દોડી જાય. એવા જ એક દિવસે ટીવી પર મેચને નિહાળી રહેલ મમ્મી-પપ્પાની ચુપકીદીને સાચવતા બહાર નીકળી મેં ભાઈનું બેટ પકડી સુનીલ પાજીની જેમ બેટ ઉગામ્યું, ને પાંગળું પ્રારબ્ધ પણ એ જ ઘડીએ જાગી ઉઠ્યું. ને કળા કરતા મોરની પાંખોને પપ્પાએ આંખની કીકીઓમાં સમાવી લીધી.
બસ એ જ દિવસથી બાપુ હાનિકારક, રોજ ભાઈ સાથે પપ્પા મને પણ ક્રિકેટની તાલીમ આપવા લાગ્યા. પપ્પાએ બંને ભાઈ-બહેનને ક્રિકેટ તાલિમ આપવા હૈદરાબાદ જઈને વસવાનું નક્કી કર્યું. બંને ભાંડુઓને પપ્પાએ ક્રિકેટ એકેડમી મોકલવાનો નિર્ણય કર્યો. અને મને પપ્પાના ચંગુલમાંથી છૂટ્યાનો હાંસકારો મળ્યો., અને ફરી એ જ રેખાંશ પર હું દોડવા લાગી. ક્રિકેટ એકેડમીમાં શાળાનું ગૃહકાર્ય તો ક્યારેક મસ્તીથી ટહેલતા ટહેલતા સમય વિતાવવા લાગી.
થોડાં જ દિવસમાં ટુર્નામેન્ટ નજીક આવી રહ્યા હતાં, શાળા સાથે પ્રેકટીસ, નૃત્ય બધું મેનેજ કરવું થોડું અઘરું બની રહ્યું હતું. એક દિવસ ટ્રેનમાં મુસાફરી કરતી વેળાએ મારા વેષ અને આભાને જોતાં કેટલાંક જુવાનિયાઓએ મારી તરફ નજર ફેંકતા કહ્યું, ‘હોકી પ્લેયર..?’ મેં નકારમાં માથું ધુણાવ્યું, વોલિબોલ, ટેનિસ..? ફરી મેં ના ભરી, તો..? ‘ક્રિકેટ’ શબ્દ મારા મોઢામાંથી સરયા કે તરત તેમનાં બંધ હોઠ ફફડી ઉઠ્યા, લડકી ઔર ક્રિકેટ.?, કુછ ઔર કર લો..! મારું હૈયું કોલસાની માફક સળગી ઉઠ્યું.
આપણા દેશમાં આજેય સ્ત્રીઓની શક્તિ બાબત શંકા સેવનારા લોકોની સંખ્યા ઘણી મોટી છે. મોટી ઉંમરની સ્ત્રીને મોટર ચલાવતી જોઇને, હાય..., હાય..., મણિબેન મોટર ચલાવે છે! જેવા કટાક્ષ કરનારાઓની સંખ્યા મહાનગરોમાં પણ ઓછી નથી. અને એવી ભૂલભરેલી ભ્રાંતિને તોડવાની મહામૂલી તક મને મળી તેનો મને આનંદ છે.
એ જ દિવસે મેં શિખા બાંધી, અને હૈદરાબાદની ટુર્નામેન્ટની એક મેચમાં નાબાદ 74 રનની મારી રમત પૂરી થયા બાદ મારી સ્ત્રી તરીકેની ઓળખ છતી થતા લોકોના ભવા ઉંચકાયા. ભારે વાહવાહી પણ મને મળી.
અમે બસ મેં રાહ પકડી, એ જ વખતે એક મોટો નિર્ણય મારે લેવાનો આવ્યો, નૃત્ય અને ક્રિકેટમાંથી એકની પસંદગી મારે કરવાની હતી. અને મેં ક્રિકેટ પર પસંદગી ઢોળી. સર્વસ્વ ઝોકી દેતા મેં બેટ અને બોલના ઇશારે જિંદગીની રફતાર આગળ ધપાવી. માત્ર 14 વર્ષની હતી ત્યારે મને ભારતીય મહિલા ટીમ માટે સ્ટેન્ડ બાય ખિલાડી તરીકે સ્થાન મળ્યું. ધીમે ધીમે મારી રમત અને ખંત પસંદગીકારોને ગમવા માંડ્યા. અને આખરે મારી ધીરજ ખૂટવા માંડી. પસંદગીકારોનાં લીસ્ટમાં તો મારું નામ રહેતું. પણ પ્લેયિંગ ઇલેવનમાં મારું સ્થાન બહુ જ દૂર રહેતું. સન 1997ના વર્લ્ડકપમાં મને રમવાની ખૂબ જ તાલાવેલી લાગેલી. દિન-રાત હું નેટ પર પરસેવો રેલાવી રહી હતી. અને પ્લેયિંગ ઈલેવન ખેલાડીઓનું લીસ્ટ આવતા જ મારું બાંધ તૂટી પડ્યું. એ રાતે પપ્પાનાં ખોળામાં માથું રાખી હું ખૂબ રડેલી. મમ્મીની જેમ ચુપચાપ આંસુ વહાવીને મને પણ ગુસ્સો ઠાલવી દેવાની આદત વારસામાં મળી હતી. પપ્પાએ મને ખૂબ સમજાવી અને મને સંબોધતા કહ્યું ’મેરી લેડી તેંદુલકર’ ઇતને સે થોડીના હાર માનેંગી..! અને "મારા ચહેરે હાસ્યની છળો ફૂટી વળી.
અથાક મહેનત અને પરિશ્રમ બાદ એ દિવસ આવ્યો, 26 જૂન 1999નો દિવસ જીવનની મીઠી યાદોમાનો એક છે. મિલ્ટન કિનેસના કેમ્પબેલ પાર્કમાં આર્યલેન્ડ સામે મેં પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમી હતી. પહેલી જ મેચમાં મેં પોતાની ક્ષમતા પૂરવાર કરતા અણનમ 114 રણ બનાવ્યા અને ટીમ વિજયી બની હતી. ત્યારબાદ તો એક બાદ એક વિક્રમ મારા બેટમાંથી સર્જાતા ગયા. અને આખરે ટીમ ઇન્ડિયાનું સુકાની પદ મને સોંપવામાં આવ્યું. એક બાદ એક મેચો હું રમતી ગઈ. કેટલાંક ચોંકાવનારા રેકોર્ડ્સ તો કેટલીક નિરાશાનાં પડખે જોકું મારવાનું આવડી ગયું હતું. સચિન તેંદુલકર અને રાહુલ દ્રવિડ જેવા ઉમદા બેટ્સમેનને આદર તરીકે સ્થાપી મેં મારી જહેમત ચાલુ રાખી.
આજેય એ દિવસ યાદ કરું છું ને મારું હામ ગગડી ઉઠે છે. 2013ના રોજ ભારતીય મહિલા ટીમે મારા નેતૃત્વ હેઠળ સુપર સિક્સમાં ક્વોલિફાય ન કરી શકી એ જ વખતે પિતાએ મારા પાસેથી કેપ્ટનશીપ છીનવી લેવાની માંગણી કરી હતી. પરંતુ પિતાના શબ્દોને આશિર્વચન સમજી તેમાં છુપાયેલા હાર્દને સમજતા મેં ખૂબ જ ખંત અને બારીકાઇથી મારી રમત સુધારી અને પોતાની રમત સાથે ટીમ અને દેશને છાજે એવી કેટલીય સિદ્ધિઓ અપાવી. એવી જ એક આનંદની પળ એટલે ઇંગ્લેન્ડની ધરતી પર પહોંચી અને તેની જ ટીમને ટેસ્ટ સીરીઝમાં પરાસ્ત કરવાઓ રોમાંચ પણ અનેરો હતો. એ જ અરસામાં સન 2015ના રોજ મને પદ્મશ્રી એનાયત કરાયો.
ત્યારબાદ ટીમ સાથે હરમનપ્રીત કૌર, મંધાના જેવી ધાક્કડ બેટ્સમેન મળી. અને એક ઉમદા સલાહકાર અને દોસ્ત કૌર સાથે ટીમ ઉત્તરોતર ખ્યાતી મેળવવા લાગી. એ જ અરસામાં હસતા મુખે મેં ટીમનું નેતૃત્વ યુવા ખેલાડી હરમનપ્રીત કૌરને સોંપ્યું. કેટલીય વખત રાજકારણ તો કેટલાય વિવાદોની વચ્ચે પણ મેં મારા કૌશલ્યને ક્યારેય ન છોડ્યું. અને તે કારણે જ કદાચ અનેક નિષ્ફળ ઇનિંગ્સને બાદ કરીને પણ ચાહકો મે 5500થી પણ વધુ રણ બનાવનાર અને સતત સાત હાફ સેન્ચ્યૂરી ફટકારનાર ઉમદા બેટ્સમેન તરીકે ચાહે છે.
તમામ ટીકાકારો, અવહેલના અને ઉપેક્ષાની વચ્ચે પણ મને મારી ટીમનું માં શિરમોર રહ્યું. અને આજે પણ ખુલ્લી આંખે એક જ સપનું સેવું છું, ઇન્ડિયન વુમન ક્રિકેટ ટીમના નામે વર્લ્ડ કપનું સન્માન,
અચાનક મારી ઉઘડી ગઈ, હકીકતનું ભાન થતાં જ હું સહેજ મલકાઈ ઉઠી. બાળપણમાં જોયેલું સ્વપ્ન સંજોગોવશાંત તત્કાલ સાકાર ન થાય પરંતુ એ સ્વપ્ન સાકાર કરવાની તીવ્ર ઝંખના તે તરફ દોરી જરૂર જતી હોય છે. જોરથી આવેલ એક પવનનું ઝોકું નીલા રંગની જરસી ને મારા શરીર સરખી ચાપતી ગઈ અને મારું હૃદય છલકી ઉઠ્યું.