કૈસી પહેલી હૈ યે, કૈસી પહેલી જિંદગાની..!

20 November 2018 02:20 PM
Woman
  • કૈસી પહેલી હૈ યે, કૈસી પહેલી જિંદગાની..!

સદા ને માટે જેની કાયા અને સાંવલો રંગ હાસ્ય અને ઉપહાસનું પાત્ર રહ્યાં, માત્ર 14 વર્ષની ઉંમરે જીવનના ગૂંચવાળા ભર્યા તથ્યોને નાથવા જેણે આત્મહત્યા જેવું પગલું ભર્યું, તો ડગલેને પગલે મળતી અવહેલનાને પણ મીઠું ઝેર સમજી પચાવી જાણી જેણે પોતાની જીજીવિષાને કાયમ રાખી, અને આજે 64 વર્ષની ઉંમરે પણ હિન્દી સિનેમા તેમજ કરોડો ચાહકોના દિલો પર રાજ કરતી ‘ભાનુરેખા ગણેશન’ સાચે જ નારી શક્તિની અનોખી મિશાલ છે.

Advertisement

રડા જેવો ભારીભરખમ શબ્દ સંભળાય કે તરત શરીરે કંપારી છૂટી જાય. ને એમાય વળી ગ્લેમરની દુનિયામાં વધતી ઉંમર ને ઢળતી સાંજના આંગણે આવી પહોંચેલ વયોવૃદ્ધ અભિનેત્રી પોતાની કાયાને લોકો સામે તો ઠીક અરીસામાં પણ જોવાનું ટાળતી હોય છે. ક્યારેક આંખોના ઉંબડ તળે ઘેરાયેલ કાળાશને છુપાવવાનો ડોળ તો વળી ક્યારેક ચહેરા પર ઉપસી આવેલ સુંવાળી રેખાના ઓપને ડામવા અભિનેત્રીઓ નીતનવા ડોળ કરતી રહે છે.
મારી પહેલાંની પેઢી વહીદાજી, નંદાજી, હેલનજીની વાત કરીએ કે પછી મારી જ પેઢીની અભિનેત્રીઓ હેમાજી, શર્મિલાજી, બધી જ સ્ત્રીઓ પોતાની કારકિર્દીમાં ટોપ પર રહી સ્ટારડમ ભોગવ્યું છે. અને હવે પ્રમાણમાં શાંત જીવન ગાળે છે. અને એમાય મુમતાઝ, રીના રોય, યોગિતા બાલી અને શબાનાજી, મૌસમી જેવા કેટલાંય મોટા નામો આજે ધીમે ધીમે વિસરાવા લાગ્યા છે. મારા પ્રેક્ષકો આજે પણ મને ચાહે છે અને 60 વર્ષે પણ એમને હું ગ્લેમરસ અને ખૂબસૂરત દેખાઉ છું. એ મારે માટે ગૌરવ અને સંતોષની લાગણી છે.
જો કે આમ જોવા જઈએ તો મારી જિંદગીમાં સંતોષ થાય એવું બહુ બન્યું નથી. જે જોઈતું હતું તે મેળવવા માટે સતત સંઘર્ષ કરવો પડ્યો છે. ઘણીવાર વિચારું તો લાગે કે મારી જિંદગીમાં હું એ બધું જ પામી છું જે પામવાની ઝંખના જગતની કોઈપણ સ્ત્રીને હોય. સુંદરતા, સંપત્તિ, પ્રસિદ્ધિ, સ્વતંત્રતા, સલામતી, સફળતા અને પ્રેમ.
હા, પ્રેમ બહુ લોકોએ કર્યો મને, મેં પણ બહુ લોકોને પ્રેમ કર્યો, પરંતુ આજ સુધી મારી પાસે કોઈની પરિણીત પત્ની હોવાનું ગૌરવ નથી. અમિતજી સાથેના મારા સંબંધને લઈને મીડિયામાં કઈકેટલી ચર્ચાઓ થતી રહે છે. પરંતુ એ બધાથી અલગ રહીને હંમેશા મેં મારો મારગ કંડાર્યો છે.

કભી હસના, કભી રોના, જીવન સુખ દુખ કા સંગમ,

કભી પતઝડ, કભી સાવન યે તો આતા જાતા મૌસમ..

 જીવન તો બસ સુખ દુખ કા સંગમ. 

 


ફિલ્મી કેરિયરમાં મેં અનેક ફિલ્મો કરી અનેક વાર ઉતાર ચઢાવનો સામનો પણ કર્યો. આમ જોઈએ તો પહેલી વાર હું જ્યારે ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે કાળી, જાડી અને થોડી બેવકૂફ ટાઈપની મદ્રાસણ છોરી હતી. જે વખતે મારી જ હરોળમાં ઉભેલ તરુણ ભાદુરી, શબાના અને મૌસમી જેવી છોકરીના આંખોના અંબડ તળે એક મહાત્વાકાંક્ષાની છડી દેખીતી રીતે વર્તાઈ આવતી, પરંતુ મારા માટે ફિલ્મો કદાચ કમાવવાની રીતથી વધુ કશું જ નહોતું. મારું બાળપણ બહુ અભાવોમાં વીત્યું. મારી માં પુષ્પાવલી સાઉથની ફિલ્મોની સ્ટાર હતી. એ પણ મારા જેટલી જ બેવકૂફ હતી એટલે એનું સ્ટારડમ કે એની આવડતને એ પોતાના ફાયદામાં વાપરી શકી નહિ. 1940-50માં પુષ્પાવલીનું નામ જેમિની સ્ટુડિયો સાથે બહુ આદરથી લેવાતું. 1947માં એસ.એસ વાસણ સાથે મારી માની ફિલ્મો ધૂમ મચાવતી. ત્યારે એ બે બાળકોની માં હતી. દીકરો બાપુજી અને રમા. જેમના પિતા વાસન હતા. વાસનના લગ્ન થઇ ચૂક્યા હતા, એટલે એ મારી માંને કંઈ આપી શકે તેમ નહોતા. લગભગ એ જ સમયે એક કેમેસ્ટ્રીના પ્રોફેસરે પોતાની નોકરી છોડીને જેમિની સ્ટુડિયોઝમાં કામ કરવાનું શરૂ કર્યું. એનું નામ રામાસ્વામી ગણેશન હતું. એ યુવાન છોકરાને મિસ માલિની નામની ફિલ્મમાં મારી માં સામે નાનકડો રોલ મળ્યો. ફિલ્મના સેટ ઉપર મારી માં અને એ યુવાન છોકરા રામાસ્વામી ગણેશન વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો. પ્રોડ્યુસર અને દિગ્દર્શક વાસનના નાક ઉપર આ પ્રેમ પ્રકરણ ચાલતું રહ્યું પણ કોઈને કશી ખબર પડી નહિ. મિસ માલિની સુપરહિટ થઇ. એ પછી વાસને હિન્દી ફિલ્મ બનાવી સંસાર પૂરી થતા જ પોતાના ડ્રીમ પ્રોજેકટની જાહેરાત કરી. દિલીપકુમાર, દેવઆનંદ અને પુષ્પાવલીની સાથે ઈન્સાનિયત નામની ફિલ્મની જાહેરાત થઇ. મારી માં જેટલી જ મૂરખ હશે એવું હવે લાગે છે અથવા તો હું મારી માં જેટલી મૂરખ છું કારણ કે એ વખતે વાસનને મારી માંને એ રામાસ્વામીના પ્રેમસંબંધની ખબર પડી ગઈ હતી. એટલે એણે મારી માને એ રામાસ્વામી અને આ બીગ બજેટ સુપરસ્ટાર હિન્દી ફિલ્મની વચ્ચે પસંદગી કરવાનું કહ્યું. મારી માએ રામાસ્વામી ગણેશનને પસંદ કરીને ફિલ્મની સાથે વાસનને પણ છોડી દીધા. પ્રેમના નામે અમે બંનેએ જીંદગીમાં ખૂબ ભોગવ્યું છે. ઘણું છોડ્યું છે, ઘણું ગુમાવ્યું છે. કોઈક પ્રેમ કરે તો એ જે માંગે તે આપી દેવું. એ થાકી જાય, હારી જાય એને અબખે પડી જાય ત્યાં સુધી આપ્યા જ કરવું એ અમારા બંનેની કમજોરી છે. અમને બંનેને આખી જિંદગી જે જોઈતું હતું એ ન મળ્યું. સ્વીકાર અને સન્માન!
મારી માં છેલ્લે સુધી મને લગ્ન કરવાનું કહેતી રહી. આખરે થાકીને એણે પણ મને કહેવાનું બંધ કરી દીધું. આખરે મેં અને મારી માએ સ્વીકારી લીધું કે ઉપરવાળાએ અમારી કુંડળીમાં લગ્ન જીવનનું સુખ લખ્યું જ નથી. મારી એ જ નિર્ણય કર્યો. જેમિની સ્ટુડિયો અને વાસન બંનેને છોડવાનો એ સાચો હતો કે નહિ એવો સવાલ એને એ જ વખતે થયો જ નહિ. એને માટે કારકિર્દીથી વધુ મહત્વનો પ્રેમ હતો એટલે રામસ્વામી-જેમિની ગણેશન સાથે બે ફિલ્મો સાઈન કરીને એણે એસ.એસ.વાસન સાથેનો કોન્ટ્રાક્ટ તોડી નાંખ્યો. રામાસ્વામીએ પણ જેમિની સ્ટુડિયો છોડી દીધો. પણ એને ફિલ્મો મળતી રહી. એણે પોતાનું નામ રામાસ્વામી ગણેશનમાંથી જેમિની ગણેશન કરી નાંખ્યું.
ફરી એ જ ચીલો જેમિની ગણેશન સ્વામી સાથે પણ ચાતર્યો. મારી માં અને જેમિની ગણેશનના સંબંધોની ખબરો છપાતી રહી. આખી તમિલ ઇન્ડસ્ટ્રી જાણતી હતી કે પુષ્પાવલી ખુલ્લમખુલ્લા જેમિની ગણેશનની બીજી પત્ની તરીકે રહેતી. એ જ પ્રકારના હક્કો ભોગવતી. મારા પિતા કિંગ ઓફ રોમાન્સ કહેવાતા. એમની આંખો એમની ઋજુતા અને અત્યંત ચોકલેટી લુકે એમને રોમેન્ટિક હીરો તરીકે જબરદસ્ત પ્રસિદ્ધિ આપી.
પરંતુ મારા પિતા એમને નામ કે સન્માન કશું જ ન આપી શક્યા. બે બાળકો હોવા છતાં મારી માં જ્યારે ગર્ભવતી થઇ ત્યારે એણે મારા પિતાને કહ્યું હું આ સંતાનને જન્મ આપીશ. અને માં પુષ્પાવલી અને પિતા ગણેશનના અંશ લઇ મેં જન્મ લીધો. માએ મારું નામ પાડ્યું ‘ભાનુરેખા’. પિતાની અનિચ્છાએ પણ માએ મારા નામ પાછળ ભાનુરેખા ગણેશનનું નામ ચડાવ્યું. અને અનિચ્છાએ પણ એ નામ મારા વ્યક્તિત્વનો એક ભાગ બન્યું.
ત્રણ ત્રણ બાળકોને મોટા કરવાની જવાબદારી સાથે સાથે શૂટિંગ, મહેનત અને પોતાની જાતને સાચવવાના પ્રયત્નોની વચ્ચે એ ચોથી વાર માં બની અને જ્યારે રાધાને જન્મ આપતી હતી ત્યારે અપ્પા બીજી એક સ્ત્રી સાથે પ્રેમ સંબધે બંધાયા. બીજી તરફ માં પુષ્પાવલી જેમિની ગણેશન સાથે સંબંધ ટકાવી રાખવાના પ્રયત્ન કરી રહી હતી. છેલ્લે એવો અપન સમય આવ્યો કે પિતાનું મુખ જોવાનો અવસર પણ ભાગ્યે જ મળતો. અપ્પાની બીજી પત્નીના સંતાન નારાયણીને મૂકવા સ્કૂલ આવતા જેમાં હું પણ ભણતી. મોટી સુંદર મજાની મોટરકારમાંથી પિતાને બાય કહીને નારાયણી ઉતરતી અને મારો જીવ કકડી ઉઠતો. એ જ વખતે મેં રંગુલા રત્નમ નામની એક ફિલ્મ કરી. હું ખૂબ જ નાની હતી પણ મહત્વનું એ હતું કે મને મારી માં સાથે સેટ ઉપર પુષ્કળ સમય વિતાવવા મળતો.
મારી માં નવરાશના સમયમાં અમને પૂરતો સમય આપતી અને અમને ખૂબ જ વહાલ કરતી. માં અમને બધાને ફિલ્મી દુનિયાથી અળગા રાખવા માંગતી હતી. એ ઈચ્છતી હતી કે અમે બધા ખૂબ ભણીએ આગળ વધી અને સમાજમાં નામ કમાઈએ. પરંતુ મને સ્કૂલ જવું બિલકુલ ગમતું નહિ. એમાય હું જાડી, કાળી અને કદરૂપી હતી. ક્યારેક સ્કૂલના મેદાનમાં કલાકો સુધી બેસી રહેતી તો ક્યારેક વર્ગખંડની બારીમાંથી રસ્તા પર વિહરતી વસાહતોની વેદીને માણ્યા કરતી. ક્લાસમાં સહુ કોઈ મને લોટ્ટા કહીને ચીડવતા.
1968માં ઘરની પરિસ્થિતિ ભયાનક બની ગઈ. ચાર સંતાનો હોવા છતાય માંએ મદ્રાસના જાણીતા સિનેમેટોગ્રાફર કે પ્રકાશ સાથે લાગણીના સંબંધ બાંધ્યા. પ્રકાશ માં સાથે લગ્ન કરવા તો તૈયાર હતા પણ અમને અપનાવવા તૈયાર નહોતા. અને માં પણ અમને છોડીને નાસી જાય તેવી સંવેદનાહીન તો નહોતી જ. માએ પાછલા બારણે પ્રકાશ સાથેના સંબંધ ચાલુ રાખ્યા. પ્રકાશ સાથેના સંબંધમાં એને બીજા બે બાળકો થયા. હવે અમે છ ભાઈ-બહેન હતા. મારી માં એક જ કમાનાર અને હવે તેની ઉંમર પણ આડે નડવા લાગી હતી. હિરોઈનના રોલ મળવાના ઓછા થઇ ગયા હતા એટલે આવક પણ ઘટી ગઈ હતી.
ઘરમાં પ્રવેશેલા અભાવો સમાજનો અસ્વીકાર અને રોજ સમાજ સમક્ષ હાસ્યનું પાત્ર બનતું મારું વ્યક્તિત્વ મને ખટકવા લાગ્યું હતું. ટૂંકમાં મારી જીંદગી 14 વર્ષ સુધીમાં તો એટલી બધી ગૂંચવાઈ ગઈ કે એક દિવસ મેં આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો. મને લાગ્યું કે મરી જવું એ જ આ બધામાંથી છૂટવાનો સહેલો રસ્તો છે.
પણ સદભાગ્યે હું બધી ગઈ. મારી આંખ ખૂલી ત્યારે માં મારી નજર સામે બેઠી હતી. ભીની આંખે
એણે મને પૂછયું હું તને ત્રણ ચોઈસ આપું છું, સ્કૂલ સિનેમા કે લગ્ન?
લગ્ન અને સ્કૂલ તો મારા મિજાજમાં હતા જજ નહિ અને હંમેશને માટે મને અવનવા સેટ, ભભકદાર લાઈટો, સુંદર મજાના સૂરોનો આચ્છાદંસ અને પોતીકી દુનિયાનો આસ્વાદ, કરોડો ચાહક, અને એવોર્ડ્સની વણઝાર મને આકર્ષતી. અને મેં સિનેમા તરફ પસંદગી ઢોળી. મને ખબર નહોતી કે મેં જે પસંદ કર્યું છે એ સહેલું નહોતું. સમય જતા સમજાયું કે સિનેમા પણ આકરેકાઠે છે. 1968માં એક ફિલ્મમાં નાના કલાકાર તરીકે ને બે-ચાર સેક્ધડના લીડ રોલ મળ્યા પણ એનાથી પરિવારનું ગુજરાન ચાલે તેમ નહોતું.
એ દિવસોમાં મારી માને રેસ રમવાની ટેવ પડી. જ્યારે અમને ખબર પડી ત્યારે તો માએ મોટું દેવું કરી નાંખ્યું હતું. ક્યારેક દેવાવાળા તો ક્યારેક ગુંડા અમારા ઘેર આવી ચડતા અને અમે ચૂપચાપ ટેબલ નીચે કબાટમાં ભરાઈને છુપાઈ રહેતા. હું આ બધામાંથી છૂટવા ધમપછાડા કરવા લાગી હતી. એવામાં અચાનક મુંબઈની હોરોઈનના નખરાથી કંટાળેલ કુલજીત પાલ મદ્રાસ આવી ચઢ્યો. એ વખતે એક સ્ટુડિયોમાં એણે મને જોઈ. કોઈએ તેને માહિતી આપી. એ જ સાંજે કુલજીતજીએ ઘેર આવી મને પૂછયું તમે હિન્દી બોલી શકો છો? મેં તરત હા પાડી. કુલજીતે બેએક ડાયલોગ મને આપી બોલવા કહ્યું. અને કુલજીતને હું ગમી ગઈ. કુલજીતે અમને મુંબઈ આવવા કહ્યું. પરંતુ મારી માએ એક ફિલ્મ માટે મુંબઈ આવવા માટે ના કહી. અને કુલ્જીતે માં સાથે ચાર ફિલ્મના કોન્ટ્રાક્ટ સાઈન કર્યા. ફિલ્મના મૂહુર્તના દિવસે અભિનેતા રાજકુમારે કુલજીતની મજાક ઉડાવતા કહ્યું તું આફ્રિકાનો છે? તને કાળી ને જાડી છોકરીઓ જ ગમે છે, પણ આ છોકરીઓ ક્યારેય હિન્દી સિનેમામાં ચાલશે નહિ. મને ખૂબ અપમાન લાગેલું. મેં નક્કી કર્યું જ્યાં સુધી હિન્દી સિનેમાને વળતો જવાબ નહિ આપું ત્યાં સુધી મારા મનને શાતા નહિ વળે. એક દિવસ એવો જરૂર આવશે જે દિવસે આ ઇન્ડસ્ટ્રી મને સાઈન કરવા લાઈન લગાવશે.

ઓવર ટુ હોસ્ટ
વાર્તાની માફક જીવી કાઢો જીવન આખું, એમાં કઈ ખોટું નહિ, પણ છેક છેલ્લે બેએક પાના કોરા રાખવા, મૂડ માફક અંત જેને જે ગમે તે વંચાય છે.


Advertisement