ચૂંટણી આચારસંહિતાના પગલે સૌરાષ્ટ્ર યુનિ.ના નવા કુલપતિની નિમણુંક વધુ એક માસ ઘોંચમાં પડશે

16 November 2018 05:14 PM
Gujarat Saurashtra
  • ચૂંટણી આચારસંહિતાના પગલે સૌરાષ્ટ્ર યુનિ.ના નવા કુલપતિની નિમણુંક વધુ એક માસ ઘોંચમાં પડશે

કાર્યકારી કુલપતિ ડો.નિલામ્બરીબેને યુનિ.ની શાસનધૂરા સંભાળ્યાને તા.23ના છ માસ પૂર્ણ છતા પગલા લેવામાં સરકાર નિરસ

Advertisement

રાજકોટ તા.16
રાજકોટ જિલ્લાની જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થવા પામેલ છે. સંભવત આજ અથવા આવતીકાલે આ પેટા ચૂંટણીનું જાહેરનામુ પ્રસિઘ્ધ કરી દેવામાં આવનાર હોય આ પેટા ચૂંટણીની આચારસંહિતા જાહેરનામુ પ્રસિઘ્ધ થયા બાદ તુરંત જ લાગુ પડી જનાર હોય સૌરાષ્ટ્ર યુનિ.ના નવા કુલપતિની નિમણુંક આ પેટા ચૂંટણીની આચારસંહિતાના પગલે વધુ એક માસ ઘોંચમાં પડશે.
સૌરાષ્ટ્ર યુનિ.માં ડો.પ્રતાપસિંહ ચૌહાણની કુલપતિ પદની ટર્મ પૂરી થયા બાદ ઇન્ચાર્જથી જ યુનિ.ના વહિવટનું ગાડુ ગબડાવવામાં આવી રહ્યું છે. પ્રતાપસિંહ ચૌહાણની ટર્મ ગત તા.24 ફેબ્રુઆરી 2018ના પૂરી થયા બાદ રાજય સરકાર દ્વારા આ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ તરીકે ડો.કમલભાઇ ડોડીયાની નિમણુંક કરવામાં આવી છે. ડો.કમલભાઇ ડોડીયાએ પણ ત્રણ માસ યુનિ.નો વહિવટ સંભાળ્યા બાદ કાયમી કુલપતિની નિમણુંક કરવાના બદલે રાજય સરકાર દ્વારા ફરી કાર્યકારી કુલપતિ તરીકે ડો.નિલામ્બરીબેન દવેની નિમણુંક કરવામાં આવી છે.
કાર્યકારી કુલપતિ ડો.નિલામ્બરીબેન દવેએ યુનિ.ની શાસનધૂળા સંભાળ્યાને આગામી તા.23મીના રોજ છ માસ પૂરા થનાર છે. પરંતુ રાજય સરકાર દ્વારા હજુ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હોમટાઉન એવા રાજકોટની સૌરાષ્ટ્ર યુનિ.ના કાયમી કુલપતિની નિમણુંક કરવામાં હજુ નિરસતા દાખવવામાં આવી રહી છે. જેના કારણે યુનિ.ના વહિવટ શીથીલ બની જવા પામેલ હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે.
હવે જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીનું કાઉન્ટાડાઉન શરૂ થવા પામેલ હોય અને એક-બે દિવસમાં જ આ પેટા ચૂંટણીનું જાહેરનામુ બહાર પડનાર હોય ચૂંટણીની આચારસંહિતા લાગુ પડતાની સાથે જ આ યુનિવર્સિટીના કુલપતિની નિમણુંક વધુ એક માસ ઘોંચમાં પડશે. આ પ્રકરણે ઉચ્ચ શિક્ષણ જગતમાં સારી એવી ચર્ચા જગાવી મૂકી છે.


Advertisement