સરકાર સોનાના કાંટે મગફળી ખરીદવા માંગે છે? બે-ત્રણ દિવસમાં જ પાવડા ભરવા પડે તેવો સંકેત

15 November 2018 06:30 PM
Gujarat
  • સરકાર સોનાના કાંટે મગફળી ખરીદવા માંગે છે?  બે-ત્રણ દિવસમાં જ પાવડા ભરવા પડે તેવો સંકેત

મગફળી ખરીદી શરુઆતથી જ સરકારની મુશ્કેલીનો પ્રારંભ

Advertisement

સતત બીજા વર્ષે રાજયમાં સરકાર દ્વારા મોટાપાયે ટેકાના ભાવથી મગફળી ખરીદીનો પ્રારંભ આજે થયો છે પણ માનવામાં આવે છે કે સરકારની મુશ્કેલીનો અહી અંત નથી પણ પ્રારંભ છે. એક તો આ સમગ્ર પ્રક્રિયામાં જે રીતે તોલમોલ કરીને કાર્યવાહી થઈ રહી છે અને દૂધનો દાઝયો છાશ ફુકે તે રીતે સરકારી અધિકારીઓ પણ અંટાઈ ન જાય તેની ચિંતા કરી રહ્યા છે. તેનાથી સમગ્ર પ્રક્રિયા કઈ રીતે આગળ વધશે તેમાં પ્રશ્ર્ન અત્યારથી જ સર્જાયા છે. ખાસ કરીને આ વર્ષે મગફળીનો પાક ઓછો થયો છે એવું જ નથી પણ ગુણવતાની દ્રષ્ટીએ પણ પ્રશ્ર્ન છે અને જયારે સરકાર વેચવા જશે ત્યારે વિવાદ પાર્ટ નંબર ટુ સર્જાશે પણ હાલ તો ખેડુતોની ફરિયાદ છે કે સરકાર સોનાના કાંટે મગફળી ખરીદવા માંગે છે. મગફળીના 50 ઢગલામાંથી 48 ઢગલા રીઝેકટ થાય છે. કયાંક ભેજની વાત કરાય છે તો કયાંક મગફળીના દાણાની ગુણવતા માટે અધિકારીઓ વાંધો ઉઠાવે છે. ખાસ કરીને જે સેમ્પલ લેવાની પદ્ધતિ છે તે ખેડુતોને સ્વીકાર્ય નથી. ખેડુતો પાસે મગફળીના ઢગલા કરાવીને બાદમાં રીઝેકટ થાય તે મગફળી પાછી કોથળામાં ભરવી પડે તો વળી તેની મજુરી દેવી પડે છે. આમ સમગ્ર પદ્ધતિ જે રીતે ગોઠવાય છે તેની સામે અત્યારે વિરોધ થતા અને આગામી દિવસોમાં સરકારને આંખો મીંચીને મગફળી ખરીદવી પડે તેવી સ્થિતિ છે.


Advertisement