સ્ટેચ્યુ ઓફ યુનિટી : બેસતા વર્ષના દિવસે 20 હજાર લોકોએ મુલાકાત લીધી : ટિકિટ લેવા લાઈન લાગી

10 November 2018 06:12 PM
Gujarat
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી : બેસતા વર્ષના દિવસે 20 હજાર લોકોએ મુલાકાત લીધી : ટિકિટ લેવા લાઈન લાગી

હવેથી એક દિવસમાં લોકોને જ પ્રવેશ મળશે : આગામી સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ રહેશે

Advertisement

ગાંધીનગર : દિવાળીના તહેવાર પર રજા હોવાના કારણે દેશ અને દુનિયાના સહેલાણીઓ માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું સ્થળ હોટ ફેવરિટ બન્યું છે અને તેની મુલાકાત લેનારાઓની સંખ્યામાં વધારો થતાં મોટી સંખ્યામાં પ્રાવાસીઓ ઊમટ્યા હતા.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોવા માટેની ટિકિટ લેવા માટે પણ બે કિલોમીટર સુધી લાંબી લાઈન લાગી હતી. નવા વર્ષના એક જ દિવસમાં ર૦ હજાર જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી, ભાઇબીજના દિવસે એટલે કે ગઇ કાલે પણ પ્રવાસીઓનો આવો જ ધસારો રહ્યો હતો.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ગેલેરીમાં જવા માટેની લિફ્ટમાં એક દિવસમાં પ૦૦૦ લોકો જઇ શકે છે, તેના કારણે સરકાર દ્વારા પ્રવાસીઓની સંખ્યા નક્કી કરવામાં આવી છે. તેથી હવે રોજ પ૦૦૦ લોકોને સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે પરવાનગી મળશે.

સરદાર પટેલની ૧૮ર મીટરની ઊંચી પ્રતિમા પર ૧પર મીટરની ઊંચાઈએ બનેલી વ્યૂઇંગ ગેલેરી પ્રવાસીઓમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની છે. આ ગેલેરીમાંથી સરદાર સરોવર ડેમ, વિંધ્યાચલ પર્વત સહિત વેલી ઓફ ફ્લાવર, વનરાજી અને પ્રાકૃતિક સૌંદર્યનો નયનરમ્ય નજારો માનવા પ્રવાસીઓનો ભારે ધસારો થયો હતો, જેના કારણે ટિકિટબારી પણ બંધ કરવી પડી હતી.

હવેથી દિવસમાં પાંચ હજાર લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. જાહેર જનતા માટે આ પ્રતિમા સવારના ૯ થી સાંજના પ કલાક સુધી ચાલુ રાખવામાં આવશે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈ રહ્યા છે કે બસની સુવિધા પણ ઓછી પડી રહી છે. એક જ દિવસમાં ર૦ હજારથી વધુ પ્રવાસીઓ કેવડિયા કોલોની ખાતે પહોંચ્યા હતા, જેના કારણે એસટી નિગમને પ૦ લાખથી વધુની આવક થઈ છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું સ્થળ સોમવારે પ્રવાસીઓ માટે બંધ રહેશે.


Advertisement