રેસકોર્ષ પાસેની કરોડોની જમીન PPPમાં સામેલ : ટેન્ડર જાહેર

07 November 2018 05:20 PM
Rajkot
  • રેસકોર્ષ પાસેની કરોડોની જમીન PPPમાં સામેલ : ટેન્ડર જાહેર

ઇન્કમટેકસ બિલ્ડીંગ પાછળનો બાવળીયા પરાનો 4143 ચો.મી.નો 100 ઝૂંપડા સાથેનો પ્લોટ ‘બજાર’માં : કલેકટરે જગ્યા સોંપી દીધી : ફરી મોટા વિવાદના એંધાણ

Advertisement

રાજકોટ તા.7
રાજકોટ મહાપાલિકામાં પ્રારંભથી જ વિવાદમાં રહેલી અને સરકારની યોજના મુજબ ચાલતી ઝુંપડાની જગ્યાએ પાકા આવાસો બાંધી બિલ્ડર સાથે ભાગીદારી કરતી પીપીપી યોજનાનું વધુ એક પ્રકરણ આજે દિવાળીના દિવસથી શરૂ થયું છે. કોર્પોરેશને પીએમએવાય હેઠળ વોર્ડ નં.2ના પૂરા શહેરમાં ક્રીમ ગણાતા રેસકોર્ષ વિસ્તારની બાવળીયા પરા ઝુંપડપટ્ટી પીપીપી હેઠળ લઇને આજે તેના ટેન્ડર બહાર પાડી દીધા છે. છેલ્લે પીપીપીની મીટીંગમાં આ કરોડોની કિંમતનો પ્લોટ બિલ્ડર સાથેની ભાગીદારીમાં લઇ લેવા નિર્ણય કરાતા અંતે કલેકટરે આ જગ્યા મહાપાલિકાને સોંપી છે.
વોર્ડ નં.2માં રેસકોર્ષ રીંગ રોડ પર આવકવેરા બિલ્ડીંગ પાછળ વર્ષો જુની બાવળીયાપરા ઝુંપડપટ્ટી આવેલી છે. અહીં 100 જેટલા ઝુંપડામાં વર્ષોથી પરિવારો રહે છે. શહેરની મઘ્યમાં હોવા છતાં આ જમીન રેવન્યુ એટલે કે કલેકટર તંત્રમાં આવતી હોય ત્યાં કોઇ ફેરફાર કે વિકાસ થતાં ન હતાં. છેલ્લે સરકારે આ જગ્યા પીપીપી હેઠળ સ્લમથી મુકત કરી વિકસાવવા , મનપાને આવક થાય તે રીતે પ્રિમીયમમાં લેવા અને ગરીબ પરિવારોને પાકા ફલેટ મળે તેવી યોજનામાં સામેલ કરવા પસંદગી કરી હતી. બાદમાં કલેકટર, મ્યુનિ. કમિશ્નર સહિતના અધિકારીઓની હાજરીમાં મળેલી પીપીપી કમીટીની મીટીંગમાં આ જગ્યા પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપમાં લેવા નિર્ણય કરવામાં આવ્યો હતો.
આજે મ્યુનિ. કોર્પોરેશને સ્લમ પુન: વસન યોજના હેઠળ આ જગ્યા ડેવલપ કરી રેવન્યુ સર્વે નં.478ની 4143 ચો.મી. જમીન બિલ્ડર્સની ઓફર માટે ખુલ્લી મુકી છે.મહાપાલિકાએ સક્ષમ ડેવલપર્સ અને કોન્ટ્રાકટર પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળની આ સ્કીમ માટે ઓફર મંગાવી છે. તા.22/11 સુધી ઓનલાઇન ટેન્ડર મળી શકશે. તા.6/12 સુધી આ ટેન્ડર કોઇપણ પાર્ટી ભરી શકવાની છે. આ જગ્યાએ રહેલા 100 જેટલા ઝુંપડાની જગ્યાએ બિલ્ડરે રૈયાધાર, બિસપ હાઉસ સહિતની જગ્યાની જેમ ફલેટની આવાસ યોજના બનાવી દેવાની રહેશે. કોન્ટ્રાકટ ફાઇનલ થાય ત્યારે આવાસ બને ત્યાં સુધી આ પરિવારોને વૈકલ્પિક વ્યવસ્થા માટે માસીક ભાડુ આપવાની શરત હોય છે.
4143 ચો.મી. જગ્યામાંથી બિલ્ડર કેટલી જગ્યામાં હાઇરાઇઝ એપાર્ટમેન્ટ બાંધશે, બાકીની કેટલી જમીન પોતાની પાસે રાખીને તે પેટે મનપાને પ્રિમીયમ આપશે તે સહિતની આ ટેન્ડર પ્રક્રિયા છે. પરંતુ ભૂતકાળની જેમ આ પ્રાઇમ લોકેશનની કલેકટર (સરકાર) દ્વારા સોંપવામાં આવેલી જમીન પર પીપીપી યોજના બેસાડવાની કાર્યવાહી ફરી મનપા ફરતે વિવાદની જેમ વિંટળાઇ તેવી શકયતા છે. કારણ કે વિરોધપક્ષ કાયમ યોજનાનો વિરોધ કરીને ભ્રષ્ટાચારનો આક્ષેપ કરે છે. ચૂંટણીમાં પણ હવે પીપીપીના મુદા બને છે. પરંતુ બિલ્ડર અને સરકાર તંત્ર હાથ મિલાવે એટલે વિવાદ ઉઠયા વગર રહેતા નથી.
સામે સરકારી તંત્ર એવુ કહે છે કે આવી ઝુંપડપટ્ટી ખાલી કરીને કોઇને બેઘર કરવા, મોટા ખર્ચ કરીને આવાસ યોજનાઓ બનાવવી તેના કરતા પીપીપીનો વિકલ્પ કેન્દ્ર અને રાજય સરકાર આપી રહી છે. સરકારી તંત્રને કોઇ ખર્ચ થતો નથી અને સૌથી મોટો સ્લમ ફ્રી સીટીનો હેતુ પણ સરે છે. ભૂતકાળમાં કોર્પોરેશનને જુદી-જુદી પીપીપી યોજનાથી સારા પ્રિમીયમ મળ્યા છે. સૌથી પહેલી પીપીપી રૈયાધાર આવાસ યોજનામાં લોકો રહેવા આવી ગયા છે અને આજે સાંજે મુખ્યમંત્રી આ જગ્યાએ ગરીબો સાથે દિવાળી પણ ઉજવવાના છે.
હવે આજે દિવાળીના દિવસે પ્રશ્ર્નાર્થમાં રહેલી બાવળીયા પરા પીપીપી આવાસ યોજના ટેન્ડરમાં આવી ગઇ છે. જિલ્લા તંત્રએ પણ જમીન સોંપવાની કાર્યવાહી તત્કાલ કરી આપી છે. આથી હવે ઓફર આવે અને યોગ્ય લાગે તેના પરથી રાજકોટના હાર્દ જેવા વિસ્તારમાં પણ પીપીપી યોજનાના પાયા નંખાય તેવી તૈયારી કચેરીમાં ફાઇલ કક્ષાએ થવા લાગી છે.


Advertisement