ભારતમાં વિંડીઝનો રકાસ, દુબઈમાં પાક. સામે ઓસ્ટ્રેલિયન હાર નથી

07 November 2018 05:11 PM
Sports
  • ભારતમાં વિંડીઝનો રકાસ, દુબઈમાં પાક. સામે ઓસ્ટ્રેલિયન હાર નથી

એશિયન ભૂમિ પર વિદેશી ક્રિકેટ ટીમો ફલોપ: છેલ્લા 10 વર્ષમાં સૌથી ખરાબ દેખાવ

Advertisement

રાજકોટ તા.7
ભારતીય પ્રવાસે રહેલી વેસ્ટઈન્ડીઝની ટીમ એક પછી એક મેચ હારતી રહી છે. ટેસ્ટ, વન-ડે તથા ટી20 એમ ત્રણેય પ્રકારના ફોર્મેટમાં ભારતે પ્રવાસી ટીમને પરાસ્ત કરી છે. એશિયા ઉપખંડમાં ક્રિકેટ પ્રવાસે આવતી વિદેશી ટીમોનો મોટાભાગે રકાસ જ થતો હોય છે. અત્યારે સંયુક્ત અરબ અમીરાતમાં રમાતી ક્રિકેટ શ્રેણીમાં પણ પાકીસ્તાન સામે ઓસ્ટ્રેલિયાનો રકાસ જ છે.
એશિયન ભૂમિ પર પ્રથમ ટેસ્ટ મેચ 85 વર્ષ પુર્વે રમાયો હતો. મુંબઈ જીમખાના ખાતે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ રમાયો હતો. સ્વાભાવિક રીતે પ્રવાસી ઈંગ્લેન્ડ 9 વિકેટ મેચ જીતી હતી. આ ટેસ્ટ બાદના વર્ષોમાં બીન એશિયન ટીમો એશિયાઈ ભૂમિ પર 450 ટેસ્ટમેચ રમી ચૂકી છે. સૌથી વધુ 109 ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડની ટીમ રમી છે. તેમાંથી 24માં વિજય મેળવ્યો હતો. ઓસ્ટ્રેલિયા 97 ટેસ્ટમેચ રમ્યુ છે તેમાંથી 28માં જીત મેળવી હતી. સૌથી વધુ 32 ટેસ્ટ મેચમાં જીત દક્ષિણ આફ્રિકાની ટીમે મેળવી છે.
છેલ્લા દસ વર્ષમાં એશિયન ભૂમિ પર ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટઈન્ડીઝ સહિતની અર્ધોડઝન નોન-એશિયાઈ ટીમોનો દેખાવ વધુને વધુ નબળો પડી રહ્યો છે.
છેલ્લા એક દાયકામાં એશિયાઈ ભૂમિ પર ટેસ્ટ ક્રિકેટ રમનારી ટીમોમાં સૌથી ખરાબ દેખાવ ઝીમ્બાબ્વેનો રહ્યો છે. સંયુક્ત આરબ અમીરાતમાં પાકીસ્તાન સામે 1-0થી શ્રેણી હારનાર ઓસ્ટ્રેલિયા ખરાબ દેખાવમાં નંબર-ટુ છે. છેલ્લા દસ વર્ષમાં એશિયન ભૂમિ પર 26 મેચ રમનાર ઓસ્ટ્રેલિયા માત્ર 3માં જીત મેળવી શકયુ છે. જયારે 17મા પરાજય હતો. 2002 થી 2006ના વર્ષો દરમ્યાન વિશ્ર્વની સૌથી મજબૂત ટીમનો દરજજો ધરાવતી ઓસ્ટ્રેલિયાએ એશિયન ભૂમિમાં 12માંથી 10 ટેસ્ટમાં જીત મેળવી હતી એટલે જીતની કુલ ટકાવારી ઉંચી છે. બાકી છેલ્લા દાયકાનો દેખાવ સાવ નબળો થઈ ગયો છે.
ભારતમાં 14માંથી 10 ટેસ્ટ ઓસ્ટ્રેલિયા હાર્યુ છે. સંયુક્ત આરબ અમીરાતમાં પાકીસ્તાન સામે 4માંથી 3 ટેસ્ટ અને શ્રીલંકામાં ત્રણેય ટેસ્ટમાં પરાસ્ત થયુ છે. ગત વર્ષે ઢાકામાં બાંગ્લાદેશ સામે પણ હાર થઈ હતી. 2008 થી એશિયન ધરતી પર ઓસ્ટ્રેલિયાની બેટીંગ એવરેજ માત્ર 28.03ની રહી છે. ઝીમ્બાબ્વેની સૌથી ખરાબ 27.05ની છે.
ઓસ્ટ્રેલિયા કરતા ઈંગ્લેન્ડનો દેખાવ સારો છે. દસ વર્ષમાં ઈંગ્લેન્ડ 23માંથી 6 ટેસ્ટ જીત્યુ છે.


Advertisement