ગુજરાતના જાણીતા ભજનિક હેમંત ચૌહાણનો આજે જન્મદિવસ

07 November 2018 05:07 PM
Rajkot
  • ગુજરાતના જાણીતા ભજનિક હેમંત ચૌહાણનો આજે જન્મદિવસ

Advertisement

ગુજરાતના જાણીતા ભજનિક હેમંત ચૌહાણનો આજે જન્મદિવસ છે. મીઠો અવાજ ધરાવતા હેમંતભાઈએ ભજનોને ગુજરાતના કરોડો લોકોના હોઠ અને હૃદય સુધી પહોંચાડ્યાં છે. તેમના અવાજમાં તમે કોઈ પણ ભજન ,ગુરુવાણી સાંભળીએ તો સમાધિમાં જતા રહીએ. આવા ભજન સમ્રાટ જેમના નામે અનેક રેકોર્ડ છે તેવા હેમંતભાઈનો આજે 63 મો જન્મ દિવસ છે ત્યારે "સાંજસમાચાર" પરિવાર તેઓને અભિનંદન પાઠવે છે.
હેમંતભાઈનો જન્મ 7.11.1955 વિક્રમ સંવત 2011, આસો વદી આઠમને સોમવારે સૌરાષ્ટ્રના જસદણ તાલુકાના કુંદણી ગામે થયો હતો. તેમના દાદા રામજીદાદા ભજનના રંગમાં રંગાયેલા હતા. તેમની કેડમાં ઝૂલતાં, આંગળી પકડીને ગલીઓમાં ફરતાં નાનકડો હેમંત ભજનના પાઠ ભણવા માંડ્યો.
તેમના દાદા હેમંતભાઈ પાસે ભજનો વારંવાર ગવડાવતા. તેઓ કહેતા કે ભજન યાદ તો રહેવું જ જોઈએ. સાથે સાથે અસલ ઢાળમાં ગવાવું પણ જોઈએ. ઘરમાં રામાયણ અને મહાભારતના પાઠ થતા. હેમંતભાઈએ રાજકોટની બાજુમાં આવેલા ત્રંબા ગામમાં દસમાં ધોરણ સુધી અભ્યાસ કર્યો.
પછી સંગીતનો વિધિસરનો અભ્યાસ કર્યો. તેમણે સંગીતનું પાયાનું જ્ઞાન મેળવવા મધ્યમા સુધી તાલીમ લીધી. અભ્યાસ દરમિયાન જ આકાશવાણી રાજકોટમાં સ્વર પરીક્ષા આપી અને પાસ થયા. હેમંતભાઈને ભજનિક તરીકે પ્રથાસ્પિત કરવામાં અને સફળતા અપાવવામાં આકાશવાણી રાજકોટનું મોટું પ્રદાન છે.
તાજેતરમાં જ તેમના નામે 8000 ગીતોનો રેકર્ડ બન્યો છે જે ગુજરાત માટે ગૌરવની વાત છે. હેમંત ચૌહાણ ગુજરાતના ખ્યાતનામ ભજનિક અને ઊચ્ચકોટિના લોકગાયક છે. તેમનું વિશેષ પ્રદાન ભજન ક્ષેત્રે છે, તેમણે ગુજરાતી ભજન-સંતવાણીનાં અનેક આલ્બમોમાં પોતાનો સ્વર આપ્યો છે. આ ઉપરાંત ગુજરાતી ગરબાનાં સેંકડો આલ્બમોમાં પણ તેમણે પોતાનોનો સ્વર આપ્યો છે.
શ્રોતાને શબ્દેશબ્દ સંભળાય અને સમજાય તે રીતે બિલકુલ સ્પષ્ટ ઉચ્ચારણ સાથે ગાવું એ તેમની સૌથી મહત્વની વિશેષતા છે. પંખીડા ઓ પંખીડા , વિણેલાં મોતીનું હે માનવ વિશ્વાસ કરી લે, હળવી વાણીનું તું રંગાઇ જાને રંગમાં વગેરે તેમની અત્યંત લોકપ્રિય થયેલી રચનાઓ છે. હિન્દી ભજનનાં પણ તેમનાં કેટલાંક આલ્બમ બહાર પડેલાં છે, જેમાં કહત કબીર ભાગ 1 અને 2 અને પ્રદીપ ભજન નોંધનીય છે.સંતવાણી - ગરબાના ગાયન ઉપરાંત તેઓએ પોતાના કેટલાંક આલ્બમોમાં સંગીત પણ આપ્યું છે.


Advertisement