તહેવારોની મોસમમાં બંધ બેંકો વચ્ચે શહેરીજનોની એટીએમ તરફ દોડ

07 November 2018 03:57 PM
Jamnagar
  • તહેવારોની મોસમમાં બંધ બેંકો વચ્ચે શહેરીજનોની એટીએમ તરફ દોડ

ત્રણ દિવસની રજાઓ વચ્ચે એટીએમમાં નાણા ખુટી જવાની પણ શકયતા

Advertisement

જામનગર તા.7
છેલ્લા ત્રણ દિવસથી દિવાળીની તહેવારોની શરૂઆત થઇ ચુકી છે. છેલ્લા બે દિવસથી બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. શહેરીજનોએ બજાર તરફ કુચ કરતા મંદીના માહોલનો છેદ ઉડયો હતો. તો બીજી તરફ તહેવારોની આ ભરમાર વચ્ચે બેંકોમાં પણ ટુંકુ વેકેશન પડી જતાં ખરીદીમાં મસગુલ શહેરીજનોએ એટીએમ તરફ નજર કરી નાણા ઉપાડવા દોડ મુકી છે. અમુક સ્થળોએ તો લાઇનો પણ જોવા મળી હતી જ્યારે હજુ ત્રણ દિવસ બેંક બંધ રહેવાની હોવાથી શહેરીજનોને આર્થિક વ્યવહાર એટીએમ પર નિર્ભર રહેશે. ત્યારે એટીએમમાં પણ નાણા ખુટી જવાની શકયતાઓ તોળાઇ રહી છે.
આ વર્ષે નબળા ચોમાસાના પગલે તમામ ધંધામાં મંદીનું મોજુ ફરી વળ્યું છે. બીજી તરફ મોંઘવારીએ પણ માજા મુકતા બજારમાં સુનકાર વર્તાઇ રહ્યો છે. નબળા વર્ષને લઇને દિવાળીના તહેવારોના અગાઉના એક સપ્તાહ સુધી શહેરીજનોનો કોઇ સળવળાટ સામે નહીં આવતા વેપારીઓ પણ મુંઝાઇ ગયા હતાં પરંતુ દિવાળીના આગલા બે દિવસોમાં શહેરીજનોને બજાર તરફ પગલા લંબાવતા વ્યપાર ધંધામાં તેજી જોવા મળી હતી. ઇલેકટ્રોનીકથી માંડી કપડા અને આભુષણો સહિતની માર્કેટમાં હાલારીઓનો ધસારો જોવા મળ્યો હતો. આ વખતે નબળા વર્ષને લઇને વેપારીઓ દ્વારા પણ મહદઅંશે પ્રદર્શન અને ઓછા સેલનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે જેમ-જેમ દિવાળી નજીક આવતી ગઇ તેમ-તેમ ગ્રાહકો બજાર તરફ ઢળતા મંદીનો આ માહોલ તેજીમાં પલટાયો હતો. દિવાળીના અંતિમ બે દિવસોમાં લોકોએ કરેલી ખરીદીના પગલે માર્કેટમાં કરોડો રૂપિયાનું નાણું ઠલવાયું છે. શહેરીજનોએ દિવાળીના બજેટને બજારમાં ઠાલવી દીધું છે. ત્યારે હવે રોકડની કડાકુટ ઉભી થશે કેમ કે આગામી ત્રણ દિવસ સુધી તમામ બેંકો બંધ રહેશે. જેને લઇને ગઇકાલે રાતથી જ શહેરના એટીએમમાં ભીડ જોવા મળી હતી. આ પ્રવાહ ધીરે-ધીરે વધતો જશે. એટીએમની નાણા સગ્રહની મર્યાદા અને તહેવારોની લાંબી રજાઓ વચ્ચે એટીએમમાં પણ નાણા ખુટી જવાની શકયતાઓ છે. આ શકયતાઓને લઇને પણ અમુક લોકોએ એટીએમ તરફ દોડ લગાવી હોવાનું જાણવા મળ્યું છે.


Advertisement