ઓટોક્ષેત્રના તહેવારો બગડયા: કાર ઉત્પાદકોએ ઉત્પાદનમાં ‘બ્રેક’ લગાવી

07 November 2018 03:31 PM
India
  • ઓટોક્ષેત્રના તહેવારો બગડયા: કાર ઉત્પાદકોએ ઉત્પાદનમાં ‘બ્રેક’ લગાવી

માલ ભરાવો ઓછો કરવા રજાના દિવસો વધારી દીધા

Advertisement

મુંબઈ તા.7
કાર ઉત્પાદકો માટે આ વર્ષના તહેવારો સૌથી ખરાબ બન્યા છે. પરિણામે ઉત્પાદનમાં કાપ સહિતના પગલા વિચારવાનું શરૂ કર્યુ છે. દેશના ટોપટેન કાર ઉત્પાદકો નવેમ્બરના ઉત્પાદનમાં 25 ટકાનો કાપ મુકે તેવા સંકેત છે. મહિના દરમ્યાન 70000થી 85000 કારનું ઓછું ઉત્પાદન કરશે.
ઉત્પાદન ઘટાડવા તથા માલભરાવો ઓછો કરવા માટે મારૂતી સુઝુકી, ટોયોટા કિર્લોસ્કર તથા ફોર્ડ ઈન્ડીયાએ દિવાળી પર પ્લાન્ટ દસ દિવસ બંધ રાખવાનું નકકી કર્યુ છે. મહીન્દ્રા, ટાટા મોટર્સ, હોન્ડા કાર્સ તથા રેનો નિસાને પણ પાંચ-છ દિવસની રજા પાડી દીધી છે. ફોકસવેગન દ્વારા 2થી19 નવેમ્બરનું વેકેશન રાખવામાં આવ્યું છે. તહેવારોમાં અમુક દિવસ પ્લાન્ટ બંધ રાખવામાં આવતા હોય છે. પરંતુ આ વખતે ગાળો લાંબો રાખવામાં આવ્યો છે તેની પાછળનું કારણ માલ ભરાવો ઓછો કરવાનું છે.
કાર ઉત્પાદક કંપનીઓ જો કે, ડીમાંડમાં ઘટાડો-માલભરાવો હોવાની કબુલાત આપવામાં ખચકાટ દર્શાવતા રહ્યા છે. પરંતુ માહિતગાર સૂત્રોએ કહ્યું કે માલબેક ઘટાડવા જ પ્લાન્ટ વધુ દિવસો બંધ રાખવાનું નકકી થયું છે. વિક્રેતાઓ પાસે પણ 30-35 દિવસને બદલે 50-55 દિવસનો સ્ટોક થઈ ગયો છે. ઈંધણના ઉંચા ભાવ સહીતના કારણોએ અપેક્ષિત ખરીદી થઈ નથી. દ્વિચક્રી વાહનોના વેચાણમાં 15થી35 ટકા તથા કારના વેચાણમાં 10થી25 ટકાનો ઘટાડો છે. ઓટો ક્ષેત્ર દ્વારા હવે વેચાણ વધારવા માટે આકર્ષક ઓફર આપવાનું શરૂ કરાયું છે. પરિણામે આવતા મહિનાઓમાં માર્જીન પર અસર થઈ શકે છે.


Advertisement