તહેવારો છતાં વેપારજગત હતાશ: મોદી સરકારે ‘પ્રાણ ફુંકવા’ ધરખમ પગલા લેવા પડશે

07 November 2018 03:29 PM
India
  • તહેવારો છતાં વેપારજગત હતાશ: મોદી સરકારે ‘પ્રાણ ફુંકવા’ ધરખમ પગલા લેવા પડશે

આઈફોન, કાર, સોનુ જેવી વૈભવી ચીજોના વેચાણમાં મોટો ઘટાડો: અન્ય ચીજોમાં પણ રીટેઈલ વેપાર ઘટયો: ઓનલાઈન ખરીદીના ટ્રેન્ડથી રીટેલર્સોને બેવડો ફટકો

Advertisement

મુંબઈ તા.7
નાણાં-રોકડની ખેંચ, બેંકો દ્વારા ધિરાણ પર નિયંત્રણો, ઉંચા ભાવ તથા ઓનલાઈન ખરીદીના ટ્રેન્ડ જેવા કારણોથી રીટેઈલ વેપારીઓ માટે દિવાળીની રોનક ઝાંખી રહી છે. આઈફોન, કાર, સોનુ જેવી વૈભવી ચીજોની ખરીદી-વેચાણ સાવ નબળુ રહ્યું હોવાથી હતાશા છે.
ડોલર સામે રૂપિયાના ધોવાણથી એપલનો આઈફોન ભારતમાં વધુ મોંઘો બન્યો છે. પેટ્રોલ-ડીઝલના ઐતિહાસિક ઉંચા ભાવ તથા નાણાં કટોકટીને કારણે કાર જેવા વાહનોના વેચાણને ફટકો લાગ્યો છે. દિવાળીના તહેવારો પણ તેમાં રોશની પાથરી શકયા નથી. આ જ રીતે દશેરાથી દિવાળી સુધી સોનાની ખરીદીમાં ઝગમગાટ રહેતો હોય છે. પરંતુ આ વર્ષે ગાયબ હતો. ઝવેરીઓએ ડીસ્કાઉન્ટ, સ્કીમો ઓફર કરવાનો વખત આવ્યો હતો છતાં ખરીદીમાં-ગ્રાહકોમાં કોઈ મોટો ઉત્સાહ કે આકર્ષણ ઉભુ થઈ શકયુ ન હતું.
વેપાર જગત- રીટેઈલ ક્ષેત્રની તહેવારોમાં પણ આવી ખરાબ હાલતથી હતાશાનો માહોલ છે. જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે અર્થતંત્રમાં પ્રાણ ફુંકવા માટે નવા વૈકલ્પિક કદમ ઉઠાવવાનું અનિવાર્ય થઈ પડયું છે. ખાસ કરીને આવતા વર્ષે લોકસભાની સામાન્ય ચૂંટણી છે તે પુર્વે મોટા-ધરખમ પગલા લેવાનું જરૂરી થઈ પડયું છે. ઈંધણ પરની આબકારીમાં થોડો ઘટાડો, ધિરાણ નિયમો હળવા કરવા રિઝર્વ બેંકને દબાણ, નબળા-અછતના વર્ષમાં ખેડુતોને સહાય જેવા કદમ ઉઠાવવામાં આવ્યા હોવા છતાં ઘણા અપુરતા અને અસરહીન માલુમ પડી રહ્યા છે.
વેપારીઓ ખુલ્લેઆમ એવો દાવો કરી રહ્યા છે કે દિવાળીની ગણના મહાપર્વ તરીકે થાય છે. હિન્દુઓના નવા વર્ષમાં લોકો હોશે હોશે- ઉત્સાહભેર મોટી ખરીદી કરતા હોય છે. તમામ વેપારક્ષેત્રમાં ઉમંગ છલકાતો હોય છે. પરંતુ આ વખતે વેપાર ઉદ્યોગોમાં હતાશા છે. એકથી વધુ કારણોની અસરથી સેન્ટીમેન્ટ નબળુ પડી ગયુ હોવાના કારણોસર કોઈ ઉત્સાહ નથી.
દર વર્ષની જેમ આ સાલ પણ વેપારીઓએ સ્ટોક કર્યો હતો પરંતુ તેનો નિકાલ શકય બન્યો નથી. દુકાનો ભરચકક રહેતી હોય છે. પગ મુકવાની પણ જગ્યા રહેતી નથી. પરંતુ આ વર્ષે સ્થિતિ વિપરીત હતી.
નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ભારતીયોની આવકમાં વૃદ્ધિ થઈ છે. ખર્ચ કરવાની વૃતિ પણ વધી છે. બચતનો ટ્રેન્ડ ઓછો થવા સાથે લોન લઈને પણ ખર્ચ કરવાનું વલણ છે છતાં આ વખતે વિવિધ કારણોએ ગ્રાહકોના હાથ બંધાયેલા રહ્યા છે. આ વખતે રોકડની અછતનો મોટો ફટકો પડયો છે. ઉપરાંત નોન બેંકીંગ ફાઈનાન્સ કંપનીઓમાં કટોકટીની હાલતથી ધિરાણને બ્રેક લાગી હોવાથી અસર છે, છુટ્ટથી ધિરાણ ન મળતા લોકમાનસને અસર થઈ છે.
રીટેઈલ વેપારીઓને ફટકો છે તો બીજી તરફ એમેઝોન-ફલીપકાર્ટ જેવી ઓનલાઈન-ઈકોમર્સ કંપનીએ વેચાણમાં વૃદ્ધિનો દાવો કરી રહી છે. મોટા-ધરખમ ડીસ્કાઉન્ટની ઓફર થતી હોવાને કારણે પણ લોકોમાં તે તરફનો ટ્રેન્ડ છે. આ કારણ પણ રીટેઈલ જગત માટે ફટકારૂપ છે. ઈ-કોમર્સ કંપનીઓએ એવો દાવો કર્યો છે કે કપડા-પગરખા ઉપરાંત ફર્નીચર, ટીવી જેવી ચીજોના વેચાણમાં પણ વધારો છે. સૌથી મોટુ વેચાણ સ્માર્ટફોનનું નોંધાયું છે.


Advertisement