અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની કોઈ દરખાસ્ત જ નથી

07 November 2018 02:14 PM
Ahmedabad Gujarat
  • અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની કોઈ દરખાસ્ત જ નથી

યુપીમાં રોજ એક શહેરના નામ બદલી વાહવાહ થાય છે ગુજરાતમાં એક સીટીના નામ બદલામાં વિધ્ન :છેક નરેન્દ્ર મોદી શાસનથી ભાજપનું ચૂંટણી વચન પણ યુપીને જે ‘નડતુ’ નથી તે ગુજરાતને નડે છે: નામ બદલી એ ભાજપની જ માંગ હતી જે હવે ભુલાવી દેવાઈ

Advertisement

અમદાવાદ: ઉતરપ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ ધડાધડ એક બાદ એક શહેરોના નામ બદલી રહ્યા છે અને ગઈકાલે ફૈઝલાબાદને ‘અયોધ્યા’ નામ આપીને હવે પાટનગરને લખનૌ નહી. લક્ષ્મણપુર નામ આવશે તેવા સંકેત છે. વાસ્તવમાં અગાઉ મોગલ શાસકોએ નામ બદલ્યા હતા. હવે તે જૂના નામ ફરી સામે આવી રહ્યા છે. પરંતુ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અથવા તો તે પુર્વે પણ જયારે ભાજપનું શાસન હતું તે સમયે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનો પ્રસ્તાવ ભાજપે ર્ક્યો હતો પણ કોઈ અકળ કારણોસર ગુજરાતમાં તેમ થઈ શકયું નથી. અમદાવાદનું નામ બદલાય તેમાં ભાગ્યે જ કોઈ વિરોધ થયાની શકયતા છે છતાં રાજય સરકાર કોઈ ચૂંટણીની રાહ જુએ છે કે કેમ તે પ્રશ્ર્ન છે. રસપ્રદ બાબત એ છે કે ફૈઝલાબાદનું નામ અયોધ્યા કરવા માટે ગુજરાત સરકાર યુપીના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથને અભિનંદન આપે છે પણ રાજયના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ કહે છે કે અમદાવાદનું નામ કર્ણાવતી કરવામાં કાનૂની વિધ્ન છે. અમોને જો આ માટે ટેકો આપીએ તો અમો તૈયાર છીએ. જો કે ગત માર્ચ માસમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની પ્રક્રિયા ચાલુ છે. તેઓએ કહ્યું કે આ નામ બદલવા માટે અમોને સંસદમાં બેતૃતીયાંશ બહુમતી જોઈએ. વાસ્તવમાં ગુજરાત કોંગ્રેસને આ નામ બદલવા સામે વાંધો જ નથી. બાપુનગરના ધારાસભ્ય અને અમદાવાદના પુર્વ મેયર હિમ્મતસિંહ પટેલે ખુદે વિધાનસભામાં આ પ્રશ્ર્ન વારંવાર ઉઠાવીને અમદાવાદનું નામ કર્ણાવતી કયારે કરાશે તે પૂછયું જ છે. જો કે વિધાનસભાનું રેકર્ડ કહે છે કે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની કોઈ દરખાસ્ત જ નથી. હવે ગુજરાતે જ આ દરખાસ્ત ન કરી હોય તો પછી કેન્દ્ર તેનો પ્રતિભાવ આપે તેવો મુદો જ કર્યો છે. હાલના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ વિધાનસભામાં ધારાસભ્ય નીઝાર, સુનીલ ગામીતના એક પ્રશ્ર્નના જવાબમાં કહ્યું હતું કે 31 માર્ચ 2018ની સ્થિતિએ અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની કોઈ દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલવામાં આવી જ નથી. આમ વાત તો ગુજરાતમાંથી જ અટકી છે અને સંસદમાં બે તૃતીયાંશ બહુમતીની જરૂર પડતી હોય તો તે યુપીના સીએમને કેમ નથી ખબર?
તેઓ પાંચ વખત સાંસદ રહી ચૂકયા છે છતાં ધડાધડ નામો બદલે છે. ગુજરાતમાં તો તેની દરખાસ્ત જ નથી. પ્રશ્ર્ન એ નથી કે અમદાવાદનું નામ બદલવાની કોઈ સ્થિતિ ફરી જવાની છે પણ ભાજપ તેના સતાવાર પત્રવ્યવહાર, પરિપત્ર, સૂચનામાં કર્ણાવતી નામ વાપરે છે. મહારાષ્ટ્રમાંથી બોમ્બેમાંથી મુંબઈ- કલકતાનું કોલકતા આવા અનેક ફેરફારો થઈ ચૂકયા છે. છેલ્લા 20 વર્ષમાં કોઈ સરકારને બેતૃતીયાંશ બહુમતી નથી આપી તો કેમ થયા? રસપ્રદ બાબત એ છે કે અગાઉ મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદનું નામ કર્ણાવતી કરવા માટે પ્રસ્તાવ મોકલ્યો હતો તે મનમોહન સરકારે નકાર્યા હતો. હવે તો ખુદ નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન છે છતાં કેમ પ્રસ્તાવ પણ નહી?


Advertisement