ઉમેદવાર કરતા નોટાના મત વધે તો ચૂંટણી રદ

07 November 2018 12:59 PM
India
Advertisement

મુંબઈ: દેશની ઈવીએમ આધારીત ચૂંટણીમાં સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ‘નન ઓફ ધ એબોવ’ (નોટા) ઉપરોક્ત કોઈ ઉમેદવારને મત નહી તે રીતે વોટીંગ કરવાનો જે અધિકાર અપાયો છે તેમાં મહારાષ્ટ્ર ચૂંટણી વિભાગે એક ડગ આગળ વધીને જાહેર કર્યુ કે મહાપાલિકાથી લઈને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જો કોઈ ઉમેદવાર કરતા ‘નોટા’ને વધુ મત મળે તો તે પછી તે ચૂંટણી જ રદ કરીને નવેસરથી ચૂંટણી યોજવાની રહેશે. મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેકશન કમીશને ગઈકાલે આ મતલબનું જાહેરનામું બહાર પાડયું હતું.
રાજયમાં પંચાયત તથા પાલિકાઓની ચૂંટણીઓ યોજવાનો અધિકાર રાજય ચૂંટણી પંચ પાસે છે. દેશમાં આ પ્રકારનો નિયમ અમલમાં મુકયો હોય તેવી આ પ્રથમ ઘટના છે. રાજય ચૂંટણી પંચના સેક્રેટરી શ્રી શેખર ચાનેએ જણાવ્યું છે. તા.9 ડિસે.ના અહમદનગર, ધુલે અને અન્યત્ર જયાં સ્થાનિક ચૂંટણી યોજાય છે ત્યાં આ આદેશનો અમલ કરવામાં આવશે. અગાઉ સુપ્રીમ કોર્ટ એક વિવાદમાં નોટાના મતોની ગણતરીથી પરિણામ પર કોઈ અસર નહી થાય તેવો ચૂકાદો આપ્યો હતો.


Advertisement