બિલ્ડરલોબી રાજી: હાઈરાઈઝ બિલ્ડીંગમાં વધુ પાર્કીંગ-મોટી ખુલ્લી જગ્યા મળશે

05 November 2018 05:46 PM
Rajkot Gujarat
  • બિલ્ડરલોબી રાજી: હાઈરાઈઝ બિલ્ડીંગમાં વધુ પાર્કીંગ-મોટી ખુલ્લી જગ્યા મળશે

12થી18 મીટરના રોડ પર 30 મીટરની ઉંચાઈની છુટ્ટ આપતી રાજય સરકાર : બિલ્ડરો કે ગ્રાહકોને કોઈ આર્થિક નફો-નુકશાન નથી પરંતુ સુવિધા પ્રોજેકટ પ્લાનીંગ માટે ખૂબ ઉપયોગી કદમ હોવાનો બિલ્ડરોનો નિર્દેશ: નાના ઔદ્યોગીક પ્લોટ તથા ગામતળના પ્લોટનો પણ વર્ષો જુનો પ્રશ્ર્ન ઉકેલાયો

Advertisement

રાજકોટ તા.5
રાજય સરકાર દ્વારા બિલ્ડરલોબીને દિવાળીની ભેટ આપી હોય તેમ હાઈરાઈઝ બિલ્ડીંગમાં વધારાની ઉંચાઈની છુટ્ટ આપી છે. પરિણામે ગગનચૂંબી ઈમારતોમાં પાર્કીંગ-ગ્રાઉન્ડની વધુ જગ્યા મળી શકશે. ઉપરાંત હવા ઉજાશ વધશે. ઔદ્યોગીક નાના પ્લોટ તથા ગામતળની જગ્યામાં પણ રાજય સરકારે છુટછાટો આપી હોવાથી બિલ્ડર લોબી તેને દિવાળીની ભેટરૂપે ગણી રહી છે.
રીયલ એસ્ટેટ લોબી દ્વારા જીડીસીઆર જોગવાઈઓની કેટલીક ટેકનીકલ મુશ્કેલીઓ વિશે રાજય સરકારમાં રજુઆત કરી હતી તેનો હકારાત્મક પડઘો પડયો હોય તેમ તકલીફો દુર કરતા સુધારાને મંજુરી આપી દેવામાં આવી હતી. બિલ્ડરોના કહેવા પ્રમાણે નવા ફેરફારોથી કોઈ ભાવની દ્રષ્ટીએ કોઈ નફા-નુકશાની નથી છતાં ટેકનીકલ તકલીફોમાંથી રાહત મળી જાય તેમ છે. બિલ્ડરોમાં આનંદની લાગણી છે.
રાજકોટ બિલ્ડર એસોસીએશનના પ્રમુખ પરેશભાઈ ગજેરાએ વાતચીતમાં કહ્યું કે 12થી18 મીટર સુધીના રોડ પર 30 મીટર ઉંચાઈની મંજુરી આપવામાં આવી છે જે અગાઉ 25 મીટર હતી. એફએસઆઈમાં કોઈ વધારો નથી એટલે બાંધકામ દ્રષ્ટીએ કોઈ લાભ નથી. પરંતુ પાર્કીંગ અને ખુલ્લી જગ્યા વધુ મળશે. ગ્રાઉન્ડ ફલોર તથા પ્રથમ માળે પાર્કીંગ રાખવાના સંજોગોમાં તે જગ્યા ઉંચાઈમાં મજરે મળશે એટલે 8 માળને બદલે 9કે10 માળ પણ થઈ શકશે. રહેણાંક માટેના માળ નહીં બની શકે. પરંતુ પાર્કીંગ કે ખુલ્લી જગ્યામાં તેનો ઉપયોગ થશે. વાહનોની વધતી સંખ્યાથી ગીચતા અને પાર્કીંગની ડીમાંડ વધતી જાય છે ત્યારે આ પગલુ ઘણુ મહત્વપૂર્ણ બનશે.
તેઓએ કહ્યું કે 15-17 વર્ષ પુર્વે 12 મીટરના રોડ પર 30 મીટરની ઉંચાઈ મળતી જ હતી તે ઘટાડીને 16.50 મીટર કરાઈ હતી અને પછી 25 મીટર કરવામાં આવી હતી. ઓછી ઉંચાઈને કારણે પ્રોજેકટ પ્લાનીંગમાં ટેકનીકલ મુશ્કેલીઓ પડતી હતી. નિર્ધારિત એફએસઆઈ વાપરવામાં ઘણી તકલીફ પડતી હતી. હવે નવા સુધારા અંતર્ગત ઉંચાઈ વધારાના બિલ્ડરો પાર્કીંગ તથા અન્ય ખુલ્લી વધુ રાખી શકશે. માર્જીન 4.50 મીટરને બદલે 6 મીટર કરાતા બે બિલ્ડીંગો વચ્ચે મોટી ખુલ્લી જગ્યા રહી શકશે.
ઉંચાઈ વધારાની છુટ્ટથી બાંધકામમાં કોઈ વધારો નહીં થવાનું અને ભાવની દ્રષ્ટીએ-ફલેટ-મકાન-સસ્તા મોંઘા થવા જેવી કોઈ અસર પડવાની નથી તેવી ચોખવટ તેઓએ કરી હતી.
બિલ્ડર એસોસીએશનના ઉપપ્રમુખ ધ્રુવિક પટેલે પણ સૂર પુરાવતા એમ કહ્યું કે નવા સુધારાથી ભાવની દ્રષ્ટીએ બિલ્ડર કે ગ્રાહકોને કોઈ લાભ-નુકશાન નથી. પરંતુ નવા પ્રોજેકટોમાં ગ્રાઉન્ડ મોટુ મળશે એટલે પાર્કીંગ-ગાર્ડન જેવી વધારાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાશે. આ સિવાય અન્ય એક મહત્વપૂર્ણ લાભ નવા પ્રોજેકટો પ્લાનીંગ એકદમ ‘ફીટ’ થઈ શકશે.
જાણીતા બિલ્ડર જેનીસ અજમેરાએ પણ કહ્યું કે ઉંચાઈ વધારાની છુટ્ટ સામે માર્જીન વધારવામાં આવ્યું છે. કોઈને આર્થિક નફા નુકશાન નથી પરંતુ સુવિધા તથા પ્રોજેકટ ડિઝાઈનમાં મોટો લાભ થશે. આ ટેકનીકલ મુદાઓ હતા તેનો ઉકેલ લાવીને સરકારે હકારાત્મક વલણ દાખવ્યું છે.
બિલ્ડરોના કહેવા પ્રમાણે 500 મીટર સુધીના નાના ઔદ્યોગીક પ્લોટ ફરજીયાત માર્જીનમાં કાપ મુકાયો છે. ત્રણને બદલે બે સાઈડ માર્જીનની છુટ્ટ મળી છે. ઉદ્યોગકારોના આ ઘણા જુના પ્રશ્ર્નનું નિરાકરણ આવ્યુ છે. આજ રીતે ગામતળના ખુલ્લા પ્લોટમાં 25 ટકા જગ્યા ખુલ્લી રાખવાની જોગવાઈ રદ થતા તે પણ ઘણુ રાહતપૂર્ણ કદમ છે.


Advertisement