શું ફર્ક છે ટેકાના ભાવ અને ભાવાંતર વચ્ચે : રાજય સરકારે આ સમજ આપવી જોઇએ

05 November 2018 05:30 PM
Rajkot Gujarat
  • શું ફર્ક છે ટેકાના ભાવ અને ભાવાંતર વચ્ચે : રાજય સરકારે આ સમજ આપવી જોઇએ

ખેડૂતો માટે ભાવાંતર યોજનામાં અંતે તો ખોટ જ જવાનો ભય : પારદર્શકતા પણ ઓછી

Advertisement

રાજકોટ તા.પ
રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાનો જે નિર્ણય લીધો છે તેમાં ટેકાના ભાવ અને ભાવાંતરનું ખોટુ અર્થઘટન કરાયું છે. રાજય સરકાર દ્વારા રૂા.4890 ટેકાના ભાવ અને રૂા.110 બોનસ મળીને રૂા.પ હજાર પ્રતિ કિવન્ટલનો ભાવ નક્કી કર્યો છે અને ખરીદી માટે નોંધણી શરૂ કરાઇ છે.
ટેકાના ભાવની યોજનાની જેમ જ ભાવાંતર યોજનામાં પણ નિયત ગુણવત્તા (એફ.એ.ક્યુ.) ધરાવતી મગફળીને જ મળવાપાત્ર થાય છે.
જો મગફળીનો માર્કેટ યાર્ડમાં વેચાણ ભાવ ટેકાના ભાવથી વધુ હોય તો કોઇ લાભ મળવાપાત્ર થતો નથી.
જો ખેડૂતોની મગફળીનો વેચાણ ભાવ ટેકાના ભાવથી ઓછો પરંતુ મોડેલ પ્રાઇઝથી વધારે આવે તો ભાવ ફેરની રકમ ટેકાના ભાવ અને વેચાણ ભાવના તફાવત જેટલી મળે છે.
જો ખેડૂતોને મગફળીનો વેચાણ ભાવ મોડેલ પ્રાઇઝથી ઓછો મળે તો ભાવ ફેરનો લાભ ટેકાના ભાવ અને મોડેલ પ્રાઇઝના તફાવત જેટલો જ મળે છે.
જો મોડેલ પ્રાઇઝ ટેકાના ભાવથી વધારે જાહેર થાય તો ખેડૂતને કોઇ લાભ મળવાપાત્ર નથી.
જે ખેડૂતે માર્કેટ યાર્ડમાં જે વેપાારીને માલ વેંચ્યો હોય તે વેપારીએ વેચાણની રકમ ખેડૂતોના ખાતામાં ઓનલાઇન જમા કરાવ્યા બાદ ભાવાંતર યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે.
ભાવાંતર યોજનામાં માર્કેટમાંથી માલનો પૂરવઠો ઓછો નથો નથી તેથી બજાર ભાવ પર તેની હકારાત્મક અસર પડવાની શક્યતા ઓછી રહે છે. જ્યારે ટેકાના ભાવની યોજના અંતર્ગત મગફળીની ખરીદી ફીઝીકલરૂપે થાય છે અને બજારમાં જથ્થો ઘટે છે. જેથી ઓવરઓલ બજાર ભાવ સુધરવાની શક્યતા રહે છે. જે ખેડૂતો આ યોજનામાં ન જોડાય તેને પણ ઉંચાા બજાચરભાવ મળવાની શક્યતા વધે છે. જે બાબતે પણ ધ્યાને લેવાની રહે છે.
ઉપરોક્ત બાબતો એક ઉદાહરણ સ્વરૂપે જોઇએ તો 15 ઓક્ટોબર-2018 થી 28 ઓક્ટોબર-2018ના ગુજરાત, કર્ણાટક અને આંધ્રપ્રદેશ કે જે મગફળી પકવતા રાજ્યો છે, તેને મગળીના બજાર ભાવને આધારે મોડેલ પ્રાઇઝ પ્રતિ ક્વિન્ટલ રૂા 4172/- જેટલો થાય છે. એટલે કે, પ્રતિ મણ રૂા. 834/- મોડેલ પ્રાઇઝ થાય આ સંજોગોમાં મોડેલ પ્રાઈજ અને એમ.એસ.પી. નો તફાવત ગણીએ તો પ્રતિ ક્વિન્ટલ રૂા. 718/- એટલે કે પ્રતિ મણ રૂા. 143-60 પૈસા મહત્તમ મળવાપાત્ર થાય.
હવે જો કોઇ ભાવાંતર યોજનામાં રજીસ્ટર્ડ થયેલ ખેડૂતો બજારમાં તેમની મગફળી રૂા. 3800/- પ્રતિ ક્વિન્ટલે વેચાણ કરે તો રૂા. 3800/- માર્કેટ યાર્ડના વેપારી તરફથી ખેડૂતના ખાતામાં જમા થાય અને ભાવાંતર યોજનામાંથી રૂા. 718/- ખેડૂતના ખાતામાં જમા થાય. આમ, ખેડૂતને કુલ વેચાણની રકમ રૂા. 4518/- મળવાપાત્ર થાય. આમ, આ રીતે ખેડૂતને ટેકાનો ભાવ એટલે કે, રૂા. 4890/- પ્રતિ ક્વિન્ટલ મળતો નથી. જ્યારે આ જ ખેડૂત ટેકાના ભાવે નિયત ગુણવત્તાવાળી મગફળીનું વેચાણ કરે તો તે ખેડૂતને રૂા. 4890/- ટેકાનો ભાવ તથા રૂા. 110/- પ્રતિ ક્વિન્ટલ બોનસ સહિત કુલ રૂા. 5000/- પ્રતિ ક્વિન્ટલ પૂરેપૂરો લાભ મળવાપાત્ર થાય છે. વધુમાં બજાર ભાવમાં રોજીંદી વધ-ઘટ થતી હોય છે. આ વધ-ઘટને આધારે ખેડૂતને મળતી રકમમાં પણ વધ-ઘટ થાય જેથી માર્કેટ યાર્ડમાં પ્રવર્તમાન મગફળીના વેચાણ ભાવ જોતાં પ્રવર્તમાન પરિસ્થિતિમાં ખેડૂતો માટે ટેકાના ભાવે ખરીદીની યોજના વધુ લાભદાયી જણાય છે.
ચાલુ વર્ષે ટેકાના ભાવે ખરીદીની આ સમગ્ર યોજના રાજ્ય સરકાર ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ અને રાજ્યના વહિવટી તંત્રની સક્રિય ભાગીદારીથી કરી રહી છે. આ સમગ્ર પ્રક્રિયામાં સરકારશ્રીની સીધી દેખરેખથી પારદર્શી અને સુચારૂ રૂપે અમલીકરણ કરવામાં આવી રહેલ છે.


Advertisement