ધનતેરસ એટલે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ

05 November 2018 03:37 PM
Dharmik
  • ધનતેરસ એટલે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ

આરોગ્ય ક્ષેત્રે લોક જાગૃતિ આવે અને સ્વાસ્થ વ્યકિતઓની તંદુરસ્તી કઇ રીતે સચવાય તથા કોઇ રોગ ન થાય એ માટે જામનગરમાં ગુરૂ દત્તાત્રેય મંદિર રોડ ઉપર કાર્યરત આયુર્વેદ દવાખાનામાં સવારે-સાંજે માનદ્દ સેવા આપતા વૈદ્ય ડી.પી. મહેતા નીચે મુજબ આરોગ્યલક્ષી માર્ગદર્શન લોકહિતાર્થે આપેલ છે, જેનું પાલન કરવું હિતાવહ છે.

Advertisement

હ સ્વાસ્થ એટલે નિરોગી મનુષ્યે આયુષ્યનું રક્ષા કરવાના હેતુથી બ્રાહ્મમુહુર્તમાં (એટલે કે સુર્યોદય થાય પહેલા 96 મિનિટે) અર્થાત સવારના 4થી 6 વાગ્યાનો સમય ઉઠવા માટે શ્રેષ્ઠ છે.
હ સવારે ઉઠયા પછી શૌચક્રિયા (મળ ત્યાગ) કર્યા બાદ વડ, લીમડો, ખેર, કરંજ (કણજી), બોરસલી વગેરે ઝાડમાંથી જે ઉપલબ્ધ હોય તેનું દાતણ રોજ સવારે તથા જમ્યા પછી પણ કરવું, જેથી મોઢામાં રહેલી કડવાશ, કફ વગેરે દુર થશે.
હ મનુષ્યએ હંમેશા અભ્યંગ આચરવો એટલે કે શરીરે તેલ લગાડવું.
હ તંદુરસ્ત માટે કસરત, વ્યાયામ આવશ્યક હોય, બેઠાડુ જીવન શૈલીનો ત્યાગ કરી દરરોજ ચાલવાની ટેવ પાડવી, થોડો સમય પ્રાણાયામ-યોગ, સુર્ય નમસ્કાર જેવી કસરત કરવી, શિયાળામાં અને વસંત ઋતુમાં ખાસ કસરત કરવી.
હ કસરત કરીને પછી શરીરને જેમ દુ:ખ ન થાય તેવી રીતે મર્દન કરવું (મસળવું, ચંપી કરવી) ચંપી પણ કસરતનો એક ભાગ છે.
હ અગાઉનું ખાધેલુ સારી રીતે પચી ગયા પછી, કકડીને ભુખ લાગે ત્યારે શરીરને અને દેશકાળને માફક આવે તેવો સાત્વિક-સમતોલ આહાર લેવો તથા માપસર ધીમે ધીમે જમવું.
હ જ્યારે તરસ લાગે ત્યારે એક સાથે વધુ માત્રામાં પાણી ન પીતા થોડુ થોડુ અને વારંવાર પાણી પીવું.
હ મનની અસર જરૂર શરીર પર થાય છે, તેથી જમતી વખતે મન-ચિત્ત પ્રસન્ન રાખવાનો પ્રયત્ન કરવો, ક્રોધ અને કલેશથી પાચનક્રિયાઓ ઉપર માઠી અસર થાય છે.
હ ધુમ્રપાન, દારૂ, કેફી દ્રવ્યોનું સેવન તથા અન્ય વ્યસનો તંદુરસ્તી માટે હાનિકારક છે તેનો ત્યાગ કરવો હિતકારક છે.
હ ઝાડો, પેશાબ વગેરે જેવી કુદરતી હાજતો પરાણે કરવી નહી, તેમજ આ કુદરતી હાજતોની ઇચ્છા થાય છતાં તેન અટકાવીને બીજા કામો કરવા નહીં.
હ દરેક વ્યકિતએ હકારાત્મક વિચારો કરવાની ટેવ કેળવવી જોઇએ. શ્રીમદ્દ શંકરાચાર્યએ પણ કહ્યું છે કે, જેણે મન જીત્યું તેણે જગ જીત્યુ, ટુંકમાં મન અને આત્માની શાંતિ હોય તો જીવનમાં આરોગ્યની પ્રાપ્તી થાય છે.
હ ઉચિત માત્રામાં રોજ ઉંઘવાને સમયે યોગ્ય નિંદ્રા (ઊંઘ) રાત્રે પ્રકૃતિનો માફક આવે તેટલી જ લેવી.
હ શારીરિક આરોગ્ય સાથે મનનું આરોગ્ય જાળવવા માટે આયુર્વેદના આચાર્ય ચરકે સદ્દવૃત-સ્વસ્થવૃતનું વિગતે વર્ણન ચરક સંહિતામાં કરેલ છે, જેમ કે હિંસા વગેરે દસ પાપકર્મોનો ત્યાગ કરવો, દુ:ખી ઉપર દયા રાખવી, દેવ, ગાય, બ્રાહ્મણ, વૃદ્ધ, અતિથિ (મહેમાન) વગેરેનું પુજન અને યથાયોગ્ય સન્માન કરવું, યાચકને આપવું, પરોપકાર કરવો, નિર્મળ રહેવું, સુઘડ અને સ્વચ્છ રહેવું વગેરે નિયમોનું જે વ્યકિત આચરણ કરશે તેને આયુષ્ય, આરોગ્ય, યશ મળશે.
હ સ્વાસ્થ્ય વર્ધક, આરોગ્ય રક્ષક, રોગ નિવારક અને સ્વાસ્થ્યપ્રદ, નિર્દોષ આયુર્વેદની વનસ્પતિ, ઔષધિઓ જેમ કે, તુલસી, અરડુસી, જેઠીમધ, ગળો, લીમડો, શતાવરી, આમળા, કુંવાર, અર્જુન, બીલી, હળદર, હરડે, આદુ વગેરે બીજી ઘણી ઔષધિઓ છે જેના સેવનથી અનેકવિધ ફાયદા, લાભ મળે છે, તેમજ જે તે રોગોમાં અકસીર મનાય છે અને અત્યંત ઉપયોગી થાય છે, તેનું યોગ્ય માત્રામાં યોગ્ય માર્ગદર્શન પ્રમાણે સેવન કરી શકાય.


Advertisement