જસદણના જુના યાર્ડમાં કોંગ્રેસનું સંમેલન: ભાજપમાં કડાકો

05 November 2018 01:10 PM
Jasdan
  • જસદણના જુના યાર્ડમાં કોંગ્રેસનું સંમેલન: ભાજપમાં કડાકો

ભાજપના પૂર્વ પ્રમુખ ગજેન્દ્ર રામાણી સહિત 39 આગેવાનો કોંગ્રેસમાં જોડાયા: તાલુકાભરનાં કાર્યકરોની વિશાળ ઉપસ્થિતિ

Advertisement

(ધર્મેશ કલ્યાણી/હિતેષ ગોસાઈ)
જસદણ તા.5
જસદણના જુના માર્કેટ યાર્ડ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડુત મહાસંમેલન યોજાયુ હતું. જેમાં સૌરાષ્ટ્ર-ગુજરાતભરના કોંગ્રેસના ચૂંટાયેલા આગેવાનો અને હોદેદારોની બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ વચ્ચે ભાજપના 39 જેટલા આગેવાનો હોદેદારો કોંગ્રેસમાં જોડાયા હતા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીતભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ સંમેલનમાં કોંગ્રેસના 10 ધારાસભ્યો સહિત વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણી સહિત સૌરાષ્ટ્રભરના આગેવાના ખાસ હાજર રહી. ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરી અને આગામી પેટાચૂંટણીના ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયાને કહી ભાજપની સરકારને ખેડુત વિરોધી સરકાર બતાવી પ્રજાજનોને મત ન આપવા અપીલ કરી હતી.
આગેવાનોએ જણાવ્યું કે ભાજપએ ગુજરાતની ઘોર ખોદી નાખી છે. આ વખતે તમે બાવળીયાને હટાવજો જ. ખેડુત સંમેલનનો સમય બપોરે બે વાગ્યાનો હતો. શરૂઆતમાં લોકોની સંખ્યા પાંખી હતી. પણ ત્રણ વાગ્યા સુધીમાં યાર્ડનો શેડ ભરાયેલો થઈ ગયો હતો. અને લોકોએ પાળી પર બેસવુ પડયુ હતું.
ભાજપમાંથી કોંગ્રેસમાં સતાવાર રીતે જોડાયેલા ગજેન્દ્ર રામાણી, મનુ રાજપરા, સંજય વિરોજા, નાથા વાસાણી સહિતના 39 આગેવાનોએ પોતાના હોદા છોડી કોંગ્રેસમાં જોડાય ભાજપને હાથીને ચાવવાના અને દેખાડવાના દાંત જુદા કહ્યા હતા. આજનું સંમેલન તો ખાસ કરીને ખેડુત લક્ષી હતું. પણ શહેરના સામાજીક કાર્યકર પરમારને દરેક અત્રે પધારનારા કોંગ્રેસના આગેવાનોને લેખીત આપ્યું કે જસદણ નગરપાલિકા અંગે બાવળીયા અને બોઘરા મૌન હોવાથી ચીફ ઓફીસર ચૌહાણ અને સભ્યો ભેગા મળી અનેક પ્રકારના કૌભાંડો ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોવાથી જસદણની પ્રજાના પરસેવારૂપી કમાણીના લાખો રૂપિયા બરબાદ કરી ઘરભેગા કરી રહ્યા છે. તેવા આક્ષેપો થયા હતા. સંમેલનમાં તાલુકાભરમાંથી કોંગ્રેસ આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

જસદણમાં કોંગ્રેસનું ખેડુત સંમેલન નિષ્ફળ: ડો.બોઘરા
જસદણના ખેડુત સંમેલન અંગે ગુજરાત સરકારના સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન અને જસદણના પૂર્વ ધારાસભ્ય ડો. ભરતભાઈ બોઘરાએ જણાવ્યુ હતું કે કોંગ્રેસ ખેડુતોના નામે રાજકીય રોટલા શેકવાનું બંધ કરવું જોઈએ. કોંગ્રેસ ખેડુતોને અન્યાય કરતી હતી એટલે જ કુંવરજીભાઈ ભાજપમાં જોડાયા છે. જસદણ વિંછીયા યાર્ડમાં મગફળી ખરીદી માટે નોંધણી શરૂ થઈ ગઈ છે. ભુતકાળમાં કોંગ્રેસ સરકાર સમયે ખેડુતોને તેમની માગણી માટે આંદોલનો કરવા પડતા અને કોંગ્રેસના રાજમાં અનેક ખેડુતોના મૃત્યુ થયા હતા. ચુંટણી આવતા જ ખેડુતો યાદ આવતા જસદણ વિસ્તારના ખેડુતો કોંગ્રેસને ઓળખી ગયા છે. માટે જ ખેડુતો આ સંમેલનથી દુર રહ્યા હતા.

 


Advertisement