જસદણ પેટા ચૂંટણી : ભાજપ અને સરકારે પ્રતિષ્ઠાનો પ્રશ્ર્ન બનાવી દીધો

05 November 2018 12:43 PM
Gujarat
  • જસદણ પેટા ચૂંટણી : ભાજપ અને સરકારે પ્રતિષ્ઠાનો પ્રશ્ર્ન બનાવી દીધો

આઝાદી પછી ભાજપે કદી મૂળ ભાજપના ઉમેદવારથી જસદણ ધારાસભા બેઠક જીતી નથી : પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસ મૂળના જ ઉમેદવાર એક પેટા ચૂંટણી જીતવા બે કેબીનેટ મંત્રીઓ, એક સાંસદ અને ધારાસભ્યોની ફોજ તથા છેક અમદાવાદથી પણ અગ્રણીઓને ઉતારાયા જે કુંવરજીભાઇને હરાવવા આખુ ભાજપ કામે લાગતું હતું હવે તેને જીતાડવા માટે આખુ ભાજપ મેદાનમાં ઉતરશે : શું ભાજપને હારનો ડર સતાવે છે

Advertisement

રાજકોટ તા.5
ગુજરાતમાં 2019ની લોકસભા ચૂંટણી માટે ગરમાતા જતા રાજકીય વાતાવરણમાં જસદણ ધારાસભાની પેટા ચૂંટણીએ વધુ ગરમાવો લાવી દીધો છે. જયારે આજીવન કોંગ્રેસી ગણાતા અને જસદણ ધારાસભા બેઠકના અપરાજીત નેતા કુંવરજીભાઇ બાવળીયાએ જે રીતે પક્ષ પલટો કરીને ભાજપમાં જઇ કલાકોમાં જ મંત્રી પદ મેળવી લીધુ અને પછી ધારાસભ્ય પદ છોડીને પેટા ચૂંટણી લાવી તે સમયે જે વાતાવરણ હતું તેમાં ઘણો પલટો આવી ગયો છે અને છેલ્લા બે-ત્રણ દિવસથી દ્રશ્યો દેખાઇ છે તેના પરથી કુંવરજીભાઇને જીતાડવાની જવાબદારી હવે ભાજપ પર આવી ગઇ હોય તેવો સીન ઉભો થયો હતો. અત્યાર સુધી આખુ ભાજપ તેને હરાવવા માટે ભારે જહેમત ઉઠાવતું હતું છતાં હરાવી શકયું ન હતું. તે ભાજપ હવે કુંવરજીભાઇને જીતાડવા માટે બે કેબીનેટ મંત્રીઓ, સાંસદ-ધારાસભ્યો તથા જિલ્લા અને સૌરાષ્ટ્રના અગ્રણીઓ તથા અમદાવાદ ભાજપના અગ્રણીઓ સહિત 18 ટોચના આગેવાનોની ટીમને જવાબદારી સોંપી છે. તેના પરથી એક બાબત નિશ્ર્ચિત થઇ છે કે કુંવરજીભાઇની જીત અંગે ખૂદ ભાજપ ચીંતીત છે અને તેથી જ એક પેટા ચૂંટણીને ગુજરાત ભાજપ અને સરકારે પોતાની પ્રતિષ્ઠાનો પ્રશ્ર્ન બનાવી દીધો છે. ગુજરાતમાં પેટા ચૂંટણીના પરિણામો અને તેના પ્રત્યાઘાતો જાણીતા છે. પણ તેની ચર્ચા અત્યારે ન કરીએ તો દિવાળી પછી જાહેર થનારી પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ બંનેએ જીતવા માટે કોઇ કસર છોડશે નહી તે નિશ્ર્ચિત થઇ ગયું છે. બે દિવસ પહેલા જ કોંગ્રેસના કેટલાક અગ્રણીઓને ભાજપમાં ભેળવી અને સત્તાધારી પક્ષે ગાબડા પાડવાની શરૂઆત કરી હતી. તેવુ જણાતું હતું. પરંતુ ગઇકાલે વિંછીયામાં કોંગ્રેસના મહાસંમેલનમાં જસદણ ભાજપના પૂર્વ પ્રમુખ ગજેન્દ્ર રામાણી તથા વિંછીયા અને તેના આસપાસના અનેક પદાધિકારીઓએ કોંગ્રેસમાં ભળવાનું પસંદ કર્યુ તે દર્શાવે છે કે અસંતોષ બંને પક્ષે છે. કુંવરજીભાઇ છ વખત જસદણ ધારાસભા બેઠક લડયા છે અને પાંચ વખત જીત્યા છે. એક વખત તેઓ જનતા દળના ઉમેદવાર તરીકે કોંગ્રેસ સામે હાર્યા હતા અને બાદમાં તેઓ ખુદ કોંગ્રેસમાં ભળી ગયા હતા અને પછી કદી હાર્યા નથી. વાસ્તવમાં ભાજપને જે રીતે કોળી સમાજમાં વર્ચસ્વ જોતુ હતું તેમાં ભાજપના અગ્રણીઓ ઉણા ઉતર્યા નહીતર ગુજરાતમાં કુલમાં 17 કોળી ધારાસભ્યો છે અને તેમાં 10 ભાજપના છે. જો કે સૌરાષ્ટ્રમાં કોળી ધારાસભ્યની સંખ્યામાં કોંગ્રેસનો હાથ ઉપર છે. જો કે તેની સામે ભાજપ પાસે ત્રણ સાંસદો કોળી છે. પરંતુ રસપ્રદ બાબત એ પણ છે કે તેમાંથી એક પણ સાંસદની સેવા પેટા ચૂંટણીમાં લેવામાં આવી નથી. કમ સે કમ હાલ જે આગેવાનોની યાદી જાહેર થઇ છે તેમાં તેમના નામ નથી. કોંગ્રેસ પાસે ચોટીલા, ધ્રાંગધા, માંગરોળ, ઉના, લીંબડી, સોમનાથ આ તમામ બેઠકો પર કોળી ધારાસભ્યો છે અને કોંગ્રેસ પક્ષે આ તમામને પેટા ચૂંટણીમાં ઉતારવા માટે તૈયારી કરી છે. ભૂતકાળમાં જસદણ ગુજરાતમાં રાજકીય ચર્ચા માટે એપી સેન્ટર રહ્યું જ છે. 2007માં અહીં સોનીયા ગાંધીએ હાલના વડાપ્રધાન અને તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મોતના સોદાગર કહ્યા હતા અને તે વાકય લઇને 2007નું પરિણામ ભાજપે પલટી નાંખી હવે મતના સોદાગર કોન થાય છે તેના પર સૌની નજર છે.

કોંગ્રેસે બાવળીયા જ વાવ્યા છે : મોદીએ એક સમયે કહ્યું હતું
અગાઉ જયારે ધારાસભા ચૂંટણીમાં જસદણમાં તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પ્રચારમાં ગયા હતા ત્યારે કુંવરજીભાઇને હરાવવાની અપીલ કરતા એવું કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષે જસદણમાં બાવળીયા જ વાવ્યા છે. જો કે તેમ છતાં કુંવરજીભાઇ બાવળીયા જીતી ગયા હતા. પેટા ચૂંટણી યોજાય તો તેમાં કુંવરજીભાઇના સાથીદાર ભરત બોઘરાને ભાજપમાં ભેળવીને ઉમેદવાર બનાવાયા અને ભાજપે જીતાડયા હવે ખુદ કુંવરજીભાઇને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે અને જીતાડવાના પ્રયત્ન કરે છે. મોદીએ જેને બાવળીયા કહ્યા હતા તેને હવે ભાજપ પાણી પાઇ રહ્યું છે.

જિલ્લા પંચાયત ન તૂટી : ભાજપની ચિંતા તેથી વધી છે 

કુંવરજીભાઇ એક સમયે હું ફૂંક મારૂ તો જિલ્લા પંચાયત તૂટી જાય તેવી બડાશ હાંકી હતી અને તેના આધારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જિલ્લા પંચાયત ભાજપમાં આવે છે તેવો સંકેત પણ આપી દીધો હતો. પરંતુ તેને લાંબો સમય થયો પણ હજુ જિલ્લા પંચાયતમાં ભાજપ ફાવી શકયુ નથી. જે અસંતુષ્ટ છે તેઓને પણ ભાજપ પ્રત્યે વિશ્ર્વાસ નથી અને રાજકોટ જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓએ પંચાયતને બચાવવામાં કોઇ કસર બાકી રાખી નથી. જયારે જિલ્લા ભાજપનું એક જૂથ છુપી રીતે તેને સહાયતા કરે છે કે જેઓને કુંવરજીભાઇની એન્ટ્રી ગમી નથી અને તેથી જ ભાજપે જિલ્લા ભાજપના મોટા ભાગના અગ્રણીઓને આ પેટા ચૂંટણીથી દૂર રાખ્યા છે. ભૂતકાળમાં કુંવરજીભાઇ સાંસદ બનતા આ બેઠકનું રાજીનામુ આપ્યું હતું તે સમયે રાજકોટ ભાજપે જ કોંગ્રેસમાંથી આયાતી બનેલા ભરત બોઘરાને જીતાડયા હતા. 

કોંગ્રેસમાંથી પાંચ નામો : સેન્સ લેવાઇ 

કોંગ્રેસે ગઇકાલે વિંછીયામાં એક મહાસંમેલન કર્યુ છે અને હવે આ બેઠક જીતવાની જવાબદારી લાઠીના ધારાસભ્ય વિરજી ઠુંમર, ઉના, લીંબડી અને સોમનાથના કોળી ધારાસભ્યોને જવાબદારી સોંપાઇ છે. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર તરીકે લેઉવા પાટીદાર ધીરૂભાઇ શીંગાળા, જિલ્લા પંચાયતના સદસ્ય અને લેઉઆ પાટીદાર વિનુભાઇ ધડુક, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઇ ગોહિલ, જસદણના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ ડેરીના પૂર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયા તથા  કોળી સમાજના અગ્રણી અને જિલ્લા પંચાયતના સદસ્ય અવસરભાઇ નાકિયાનો સમાવેશ થાય છે અને હવે તેમાંથી ગમે તે એક ભાજપ સામે મેદાનમાં આવશે. ગઇકાલે વિંછીયામાં કોંગ્રેસે ભાજપના અનેક અગ્રણીઓને કોંગ્રેસનો ખેસ પહેરાવી દીધો હતો અને તેમાં જસદણ ભાજપના પૂર્વ પ્રમુખ ગજેન્દ્ર રામાણી સામેલ હતા. 

 

 


Advertisement