ત્રણ દિવસની મંગળા આરતી સાથે કચ્છમાં દિપોત્સવી પર્વની ઉજવણીનો મંગલ પ્રારંભ

05 November 2018 12:18 PM
kutch
  • ત્રણ દિવસની મંગળા આરતી સાથે કચ્છમાં 
દિપોત્સવી પર્વની ઉજવણીનો મંગલ પ્રારંભ

ભૂજ જેવી મંગળા આરતી દેશમાં અન્ય કયાંય યોજાતી નથી

Advertisement

ભૂજ તા.પ
ભારતભરમાં એકમાત્ર સ્થળે દીપોત્સવી પર્વ દરમ્યાન યોજાતી ત્રણ દિવસની મંગળા આરતીના ધનતેરસના પ્રારંભ સાથે કચ્છમાં દીપોત્સવી પર્વની ઉજવણીનો ઉમંગભેર પ્રારંભ થવા પામ્યો છે.ભુજના હાટકેશ્વર મહાદેવ,ધીંગેશ્વર મહાદેવ,સોમનાથ મહાદેવ,કલ્યાણેશ્વર મહાદેવ અને સત્યનારાયણ મંદિરે વહેલી પરોઢિયે સવા પાંચ વાગ્યાથી ક્રમશ મંગળા આરતી યોજાય છે. ધનતેરસ,કાળી ચૌદશ અને દિવાળીના દિવસે એમ ત્રણ દિવસ માટે યોજાતી આ મંગળા આરતી દરમ્યાન વહેલી પરોઢે પાંચ વાગ્યાથી જ રાજાશાહી જમાનાના જુના ભુજ અને ધરતીકંપ બાદ અસ્તિત્વમાં આવેલા નવા ભુજના દૂર દૂરના વિસ્તારોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે અને મોટી સંખ્યામાં લોકો પરોઢે પાંચ વાગ્યાથી ભુજની આ મંગળા આરતીમાં હાજર રહેવા મહાદેવ ગેઇટના વિસ્તારમાં એકઠા થાય છે.
વહેલી પરોઢિયે યોજાતી આ મંગળા આરતીનો પ્રારંભ નાગરોના ઇષ્ટદેવ જાજરમાન હાટકેશ્વર મંદિરેથી થાય છે. આજે મોટી સંખ્યામાં જ્ઞાતિજનો મંગળા આરતીમાં ઉમટ્યા હતા.કચ્છના જાણીતા ઢોલકવાદક કિશોર વ્યાસના નોબતવાદન વચ્ચે પૂજારી કનુભાઈ વ્યાસે ભાવપૂર્વક ભગવાન શંકર અને માં અંબાજીના મંદિરોમાં આરતી-પૂજન કર્યા હતાં.
નોબત વાદન ઘંટારવ અને આતશબાજી વચ્ચે યોજાતી આ મંગળા એક અવલોકિક માહોલ ખડો કરી રહી છે. હાટકેશ્વર મંદિરની મંગળા આરતી પૂર્ણ થયા બાદ લોકો કલ્યાણેશ્વર મહાદેવના મંદિરે પહોંચે છે અને આ પ્રાચીન શિવ મંદિરમાં પણ મંગળા આરતી યોજાય છે.અહીંથી લોકો સત્યનારાયણના મંદિરે પહોંચે છે જ્યાં મંગળા આરતી યોજાયા બાદ હમીરસર તળાવના કાંઠે પરિવારો,બાળકો સાથે આતશબાજીનો આનંદ માણે છે. ભુજ જેવી મંગળા આરતી દેશમાં અન્ય કોઈ સ્થળે યોજાતી નથી.કચ્છ બાહર સ્થાયી થયેલા પરિવારો ભુજની મંગળા આરતીમાં ભાગ લેવા દેશ વિદેશથી ભાગ લેવા આવે છે.દરમ્યાન,કચ્છમાં આ વર્ષે અછતની પરિસ્થિતિ હોઈ,બજારોમાં ઘેરી મંદીનો માહોલ છવાયો છે અને વરસાદના અભાવે પરોઢની પવિત્ર મંગળા આરતી દરમ્યાન તેની ઉર્જાના કેન્દ્ર સમું ભુજનું ઐતિહાસિક હમીરસર તળાવ સુકુંભઠ થઇ જવા પામ્યું છે તેનો વસવસો લોકોને હૈયે છે.


Advertisement