દારુબંધીનો કાયદો કડક બનાવ્યા પછી સરકારને હેંગઓવર: અદાલતોમાં કેસોનો વધતો ભરાવો

05 November 2018 11:05 AM
Gujarat
  • દારુબંધીનો કાયદો કડક બનાવ્યા પછી સરકારને હેંગઓવર: અદાલતોમાં કેસોનો વધતો ભરાવો

કઈ અદાલતને કેસ ચલાવવાની સતા છે એની સ્પષ્ટતા નથી

Advertisement

અમદાવાદ તા.5
ગત વર્ષે રાજય સરકારે દારુબંધીનો કાયદો વધુ કડક બનાવ્યો હતો. દારુનો ગેરકાયદે જથ્થો ધરાવવા બદલ મહતમ સજા 3 વર્ષથી વધારી 10 વર્ષ કરાઈ હતી. આથી બુટલેગરો અને દારુ પીનારા પર કોઈ અસર થઈ છે કે નહીં તે ચર્ચાનો મુદો છે, પણ એક વખત ચોકકસપણે કહી શકાય કે રાજયનું ન્યાયતંત્ર દારુબંધી ભંગના વાત રહેલા કેસો નિપટાવવા ઝઝુમી રહ્યું છે.
હાલમાં રાજયમાં પ્રોહીબીએકશન એકટ હેઠળ 35000 કેસો પેન્ડીંગ છે, અને 3 વર્ષથી વધુ જેલસજાની જોગવાઈ ધરાવતા કેસોની સુનાવણી કરવા નીચલી અદાલતોને સતા નહીં હોવાથી તેની સુનાવણી કોણ કરશે તે બાબતે સ્પષ્ટતા નથી.
ગત વર્ષે ગુજરાત સરકારે દારુબંધીના કાયદામાં સુધારો કર્યો હતો એ મુજબ દારુના ગેરકાયદે ઉત્પાદન, ખરીદી,હેરફેર અને વપરાશ કરનારા માટે કડક સજાની જોગવાઈ કરવામાં આવી હતી. હવે સુધારા ખરડાના દોઢ વર્ષ પછી રાજય સરકારે સ્પષ્ટતા કરી નથી કે કયા અપરાધ માટે કેટલી સજા થશે. વળી, નીચલી અદાલતોને 3 વર્ષથી વધુ જેલસજાની જોગવાઈઓવાળા કેસોની સુનાવણી કરવાનો અધિકાર નથી, એ કારણે કેસોની ફાળવણી બાબતે ગુંચવાડો ચાલુ છે. રાજયમાં 35000 કેસો અભરાઈ પર છે અથવા નિયમોથી વિપરીત મેજીસ્ટ્રેટ કક્ષાની કોર્ટમાં છે.
બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની શિસ્ત સંબંધીના ચેરમેન અનિલ કેલ્લાના જણાવ્યા મુજબ દારુના જથ્થાના આધારે રાજય સરકારે સજા સ્પષ્ટતા કરી ન હોય કેસોની સુનાવણ થઈ નથી અથવા સતા વગર મેજીસ્ટ્રેટ કક્ષાની કોર્ટ સુનાવણી કરી રહી છે.
ગત વર્ષે સેપ્ટ યુનિવર્સિટીના 14 વિદ્યાર્થીઓની ધરપકડના કેસને ટાંકી કેલ્લાએ જણાવ્યું હતું કે પોલીસે વસ્ત્રાપુરના ઘર પર દરોડો પાડી માત્ર અર્ધી બોટલજપ્ત કરી હતી. આ કેસની સુનાવણી રજુ થઈ નથી.
હાલમાં હાઈકોર્ટે ન્યાયિક અધિકારીઓને સરકયુલર મોકલી જુના કાયદા મુજબ સુનાવણી કરવા જણાવ્યું છે. જો કે ગૃહ ખાતાના સચિવ બુજેટકુમાર ઝાએ જણાવ્યું હતું કે જપ્ત કરાયેલા દારુના જથ્થાના આધારે સજાનું પ્રમાણ નકકી કરવા રાજય સરકાર જાહેરનામું તૈયાર કરી રહી છે. ગૃહ ખાતાના રાજય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મેં ફાઈલ કિલયર કરી દીધી છે, અને હવે માત્ર ઔપચારીકતા બાકી છે.


Advertisement