વાપી ઇન્કમટેકસ ઓફિસમાં લાંચ-રૂશ્વત વિભાગનું છટકુ : કલાસ-ટુ અધિકારી ફરાર : પોલીસ પર કાર ચડાવવા પ્રયાસ

03 November 2018 05:51 PM
Gujarat

રવિન્દ્ર બોકડે સામે ભ્રષ્ટાચાર તથા હત્યાની કોશીશનો ગુનો : પકડવા માટે શોધખોળ

Advertisement

વાપી તા.3
વાપી ઇન્કમટેકસ ઓફિસમાં ઇન્કમટેકસ અધિકારી રવિન્દ્ર બોકડે સામેના ભ્રષ્ટાચાર અને લાંચ લેવાના કેસમાં રવિન્દ્ર બોકડેને રંગે હાથ ઝડપી લેવા માટે એસીબીએ આજે ઇન્કમટેકસ ઓફિસ પર દરોડો પાડયો હતો. પરંતુ ઇન્કમટેકસ અધિકારી રવિન્દ્ર બોકડે પરિસ્થિતિ પારખી મોકો જોઇ નાસી છૂટતા તેને ઝડપી લેવા માટે એસીબી અને પોલીસે પીછો કરતા ફિલ્મી ઢબના દ્રશ્યો સર્જાવા પામેલ હતા.
જેમાં ઇન્કમટેકસ અધિકારી રવિન્દ્ર બોકડે નાસી છુટવામાં સફળ રહ્યો હતો. પરંતુ આ દરમિયાન રવિન્દ્ર બોકડેએ પોલીસ કાફલાની ગાડી પર પોતાની કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાએ વાપી સહિત ગુજરાતભરમાં સનસનાટી મચાવી દીધી છે. ભ્રષ્ટાચારના કેસમાં ઇન્કમટેકસ અધિકારી રવિન્દ્ર બોકડેને દબોચી લેવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ અંગે મળતી સીલસીલાબઘ્ધ વિગતો એવા પ્રકારની છે કે વાપી ઇન્કમટેકસ કચેરીના ઇન્કમટેકસ અધિકારી રવિન્દ્ર બોકડે સામે એક લાખથી પણ વધુની લાંચ લેવાનો કેસ હતો. આ લાંચીયા અધિકારીને આજે રંગે હાથ ઝડપી લેવા માટે એસીબીએ ઝાળ બિછાવી વાપી ઇન્કમટેકસની કચેરી પર દરોડો પાડયો હતો. આ દરમિયાન ઇન્કમટેકસ અધિકારી રવિન્દ્ર બોકડે પોતાની કાર લઇ નાસી છુટતા તેને ઝડપી લેવા માટે એસીબી અને પોલીસ કાફલાએ પીછો કર્યો હતો.
પરંતુ ઇન્કમટેકસ અધિકારી રવિન્દ્ર બોકડેએ પોલીસ કાફલાની ગાડી પર પોતાની કાર ચડાવવાનો પ્રયાસ કરી નાસી છુટવામાં સફળ રહેવા પામેલ હતો. ઇન્કમટેકસ અધિકારી રવિન્દ્ર બોકડે સામે ભ્રષ્ટાચારની ઉઠેલી થોકબઘ્ધ ફરિયાદો બાદ એસીબીએ આ છટકુ ગોઠવ્યું હતું. પરંતુ રવિન્દ્ર બોકડે સરેન્ડર થવાના બદલે નાસી છુટતા આ ઘટનાએ ચકચાર જગાવી છે. આ પ્રકરણમાં પોલીસે રવિન્દ્ર બોકડે સામે હત્યાની કોશીષ અને ભ્રષ્ટાચારનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.


Advertisement